છેલભાઈ દવે
૧૬ ઓક્ટોબર
વીર : છેલભાઈ દવે ( ૧૮૮૯ -૧૯૫૬ )
આજે તારીખ ૧૬ ઓક્ટોબર અને નોહ વેબસ્ટર ,ઓસ્કાર વાઈલ્ડ અને સૌરાષ્ટ્રના
સાવજ તરીકે પ્રસિદ્ધ થયેલા છેલભાઈ દવેનો જન્મદિવસ છે .
વઢવાણમાં જન્મેલા છેલભાઈના પિતાનું બચપણમાં જ અવસાન થતા ઉછેર અને ઘડતરની જવાબદારી માતાએ નિભાવી હતી . કિશોરાવસ્થામાં ઘોડેશ્વરી ,નિશાનબાજી અને કુસ્તીમાં પ્રવીણ થયા , અશ્વવિદ્યામાં તો છેલભાઈની તોલે કોઈ આવી શકતું નહિ.
૧૮ વર્ષની વયે ધાંગધ્રા રાજ્યના સૈન્યમાં જોડાયા અને રાજ્યને બહારવટિયાના ત્રાસમાંથી મુક્તિ અપાવી અને તરફથી વીરનું બહુમાન પ્રાપ્ત થયું . છેલભાઈ દવેએ બહારવટિયાઓને બાહુબળથી નહિ પણ હદયપરિવર્તનના જોરે પલટાવ્યા હતા .પોલીસ અધિકારી તરીકે છેલભાઈએ અનેક ગુન્હાઓના ભેદ પણ ઉકેલ્યા હતા .પોતે દેશી રજવાડાના અધિકારી હોવા છતાં દેશની આઝાદીની લડતમાં કામ કરતા ક્રાંતિકારીઓને આશ્રય આપવાનું સ્તુત્ય કામ પણ કરતા હતા .
૧૯૩૮મા રાજકોટ સત્યાગ્રહ અને ૧૯૩૯મા ભાવનગરમાં સરદાર પટેલ પર થયેલા હુમલા વખતે છેલભાઈ દવેની પ્રવુતિઓ પ્રશંસનીય રહી હતી . સરદાર પટેલે તેઓને "રાષ્ટ્ર્વીર "તરીકે નવાઝ્યા હતા . દુલા ભાયા કાગે લખ્યું છે કે
" પરથમ રાણો સંગ ,દુજો ખેલ્યો પ્રતાપ ખેલ ,
શિવાજી ત્રીજો સતારે ,ચોથો શુરવીર છેલ "
આઝાદી પછી છેલભાઈને સ્વરાજ્ય આવ્યું પણ સુરાજ્ય ન આવ્યું તેનું દુઃખ હતું , ૧૯૫૬માં તેમનું અવસાન થયું હતું .છેલભાઈ દવેના વ્યક્તિત્વ અને કર્તુત્વને લગતી ગુજરાતી ફિલ્મ બની છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૬ ઓક્ટોબર ૨૦૧૯ ,અમદાવાદ
Comments
Post a Comment