બ્રહ્મકુમાર ભટ્ટ
મહાગુજરાતી : બ્રહ્મકુમાર ભટ્ટ ( ૧૯૨૧ - ૨૦૦૯ )
આજે તારીખ ૮ ઓક્ટોબર અને મહાગુજરાત આંદોલનના નેતા બ્રહ્મકુમાર ભટ્ટ ,ઉસ્તાદ અલ્લાઉદિનખા ,અભિનેતા રાજકુમારનો જન્મદિવસ અને અર્થશાસ્ત્રી પ્રોફેસર એમ.એલ .દાંતવાળા ,મુનશી પ્રેમચંદ અને જયપ્રકાશ નારાયણની પુણ્યતિથિ છે .
વિદ્યાર્થી અવસ્થાથી જ રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય રહેલા બ્રહ્મકુમાર ભટ્ટે ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો હતો . તેઓનું વિશેષ સ્મરણ ૧૯૫૬ થી ૧૯૬૦ દરમિયાન ચાલેલા મહાગુજરાત આંદોલન માટે થાય છે .બ્રહ્મકુમાર ભટ્ટે મહાગુજરાત આંદોલનના ચાર વર્ષના ગાળામાં મશાલ સરઘસ ,ખાંભી સત્યાગ્રહ વગેરે દ્રારા અમદાવાદ શહેર અને ગુજરાતને કુશળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું . બ્રહ્મકુમાર ભટ્ટે મહાગુજરાત આંદોલનને ભીતર-બહારથી પ્રકટાવતું " લે કે રહેંગે મહાગુજરાત "
નામનું દળદાર પુસ્તક પણ લખ્યું છે .
બ્રહ્મકુમાર ભટ્ટ મુંબઈ રાજ્યની વિધાનસભા અને રાજ્યસભાના સભ્ય અને ગુજરાત ઈલેક્ટ્રીસિટી બોર્ડના ચેરમેન પણ રહ્યા હતા .તેઓએ રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન સ્ત્રી શિક્ષણ ,રોજગારી અને રોડ-રસ્તા જેવા અનેક પ્રશ્નો કુશળતાપૂર્વક ઉઠાવ્યા હતા . આઝાદી બાદના ગુજરાતના મહત્વના નેતાઓ પૈકીના એક બ્રહ્મકુમાર ભટ્ટનું ૬ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ અવસાન થયું હતું .
તેઓએ પોતાના યુવાન પુત્રના સ્મરણાર્થે વી.એસ .હોસ્પિટલને ૫૦ લાખ રૂપિયાનું દાન કર્યું હતું .આજની સુરેશ બ્રહ્મકુમાર ભટ્ટ(એસ.બી.એસ )કોલેજ ઓફ ફીઝીયોથેરાપી તેમની સખાવત પર ઉભી થઇ હતી .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૮ ઓકટોબર ૨૦૧૯,અમદાવાદ
Comments
Post a Comment