બિરસા મુંડા


      ૧૫ નવેમ્બર 
       ઉલગુલાન : બિરસા મુંડા  (૧૮૭૨ - ૧૯૦૧ )
         ભારતમાં જેના જેટલી  કોઈ આદિવાસી ક્રાંતિકારીને  પ્રતિષ્ઠા અને બહુમાન નથી મળ્યા  તેવા આદિવાસી નાયક બિરસા મુંડા અને આપણી ભાષાના પ્રસિદ્ધ કવિ રાવજી પટેલનો આજે જન્મદિવસ છે .
           ઝારખંડના ચલકદ ગામે જન્મેલો  બિરસા જન્મે ઈસાઈ હતો પણ પાછળથી વૈષ્ણવ સંપ્રદાય સ્વીકાર્યો હતો . બચપણમાં તે એવી તો મધુર વાંસળી વગાડતો કે તેના પશુઓ પણ બિરસાની વાંસળીના તાલે ડોલતા હતા . બ્રિટીશ શાસન દરમિયાન અંગ્રેજો અને સ્થાનિક શોષણખોર વર્ગો દ્રારા આદિવાસીઓના થતા  બેસુમાર શોષણ અને અન્યાયો વિરુદ્ધ " ઉલગુલાન " ( મહાન વિદ્રોહ ) શરુ કર્યું હતું . 
           તેના નેજા નીચે તેણે આદિવાસી વિસ્તારોમાં આર્થિક શોષણ અને સામાજિક અન્યાય સામે જબરદસ્ત મોરચો ખોલ્યો હતો . બિરસા અને તેના અનુયાયીઓ  અંગ્રેજો અને શાહુકારોને " દીકું " અને " સફેદ બકરા " તરીકે ઓળખાવી તેમના ખાત્મો બોલાવવા માટે તત્પર  રહેતા હતા .
        અંગ્રેજ સરકાર વિરુદ્ધ હિંસક આંદોલન કરવા બદલ બિરસા પકડાયો ,જેલમાં પુરાયો અને જેલમાં જ ૨૮ વર્ષની ભરયુવાન વયે  શહીદ થયો .  
        આજે ૧૨૦ વર્ષ પછી પણ તે ભારતના આદિવાસીઓ માટે વીરનાયક અને પ્રેરણાના ભાથા સમાન છે .બિરસાની સ્મૃતિમાં ટપાલ ટિકિટ ,ઝારખંડમાં બિરસા મેળાનું આયોજન ,રાંચી હવાઈ અડ્ડાનું નામ બિરસા મુંડા હવાઈ અડ્ડા ,ભારતીય સંસદમાં તેની પ્રતિમા ,બિરસાના નામથી રાજકીય વિચારધારા અને રાજકીય પક્ષોનું ગઠન વગેરે જેવા અનેક સન્માનો આ આદિવાસી નાયકને મળ્યા છે .
          માત્ર ૫ ફૂટ ૪ ઇંચની ઊંચાઈ ધરાવતા બિરસા મુંડા વિષે અનેક પુસ્તકો અને સાહિત્ય સર્જન થયું છે
 સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,15 નવેમ્બર 2019,અમદાવાદ
    અરુણ વાઘેલા
 

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ