જયકુમાર શુકલ


       અલવિદા જયકુમાર શુક્લ ( 1933 - 2020)
             ગુજરાતમાં આંગળીએ ગણી શકાય તેવા ઇતિહાસકારો પૈકીના એક ડોકટર જયકુમાર શુકલએ તાજેતરમાં વિદાય લીધી. દેવગઢ બારિયા ખાતે જન્મેલા જયકુમાર અત્યંત ખંતીલા અધ્યાપક અને સંશોધક હતાં. અમદાવાદની જાણીતી એચ. કે આર્ટ્સ કોલેજમાં  વર્ષો સુધી ઇતિહાસના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ રહેલાં શુકલ સાહેબ અત્યંત મૃદુભાષી અને માનવતાવાદી અભિગમ ધરાવતા હતાં.
            ૧૯૪૨ ની " હિંદ છોડો લડતમાં અમદાવાદનું પ્રદાન " શીર્ષકથી પોતાની ઈતિહાસ સંશોધનયાત્રા શરૂ કરનાર જયકુમારભાઈએ ગુજરાતના ઇતિહાસમાં માતબર અને ગુણવત્તા સભર યોગદાન આપ્યું છે. બેંતાલીસમાં ગુજરાત , બેંતાલીસમાં અમદાવાદ અને ગુજરાતમાં હોમરુલ આંદોલન વગેરે તેમના અણીશુદ્ધ ઈતિહાસ ગ્રંથો છે. તે સિવાય દેશી રાજ્યોનું વિલીનીકરણ, રાષ્ટ્રસમૂહના દેશોનો ઇતિહાસ, મુઘલકાલીન રાજકીય સિદ્ધાંતો ,સોવિયેત રશિયાનો ઈતિહાસ ,અર્વાચીન ઇતિહાસકારો અને તેમનું ઇતિહાસ લેખન , ભારતના રાજ્યો વગેરે પણ તેમના મહત્વપૂર્ણ યોગદાન છે. 
          ડૉ. શુકલ એ ગુજરાતના સ્વતંત્રતા સૈનિકો વિશે દળદાર ગ્રંથ તૈયાર કરી ગુજરાતના ઇતિહાસલેખનની મોટી સેવા બજાવી છે. કુમાર ,પથિક જેવાં સામયિકો અને વિશ્વકોશમાં પણ તેઓ નિયમિત લખતાં રહ્યાં હતાં. રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાત સંદર્ભમાં ૧૮૫૭ થી ૧૯૪૭ સુધીના ૯૦ વર્ષના આ ઇતિહાસની ભાગ્યે જ એવી કોઈ ઘટના હશે કે જેનાં વિશે જયકુમાર શુકલની કલમ ન ચાલી હોય !
             ડો.જયકુમાર શુકલ એક આદર્શ અધ્યાપક અને ઇતિહાસકાર હતાં. પ્રમાણભૂત માહિતીસ્રોતો , વસ્તુલક્ષી લેખન અને વૈજ્ઞાનિક ભાષા વગેરે તેઓના ઇતિહાસલેખનની આધારશીલા હતી.તેઓ ગુજરાત ઈતિહાસ પરિષદના પ્રમુખ અને ટ્રસ્ટી પણ હતાં. તેમના અવસાનથી આધુનિક ગુજરાતના ઇતિહાસ લેખન ક્ષેત્રે મોટો શૂન્યાવકાશ સર્જાયો છે. જ્યારે જ્યારે ૧૯૪૨નાં હિન્દ છોડો આંદોલનની વાત થશે ત્યારે ડૉ. જયકુમાર શુકલનું સ્મરણ પણ થતું રહેશે ! અલવિદા જયકુમાર શુકલ સાહેબ......
 સૌજન્ય : નિરીક્ષક ,ડિઝિટલ આવૃત્તિ , 29 સપ્ટેમ્બર ૨૦૨૦

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ