ઠક્કરબાપા



      ભગવા વિનાના સંન્યાસી : ઠકકરબાપા
              ( ૧૮૬૯ -૧૯૫૧ )
ગણ્યાગાંઠ્યા ગુજરાતીઓમાં બિરાજે તેવા અને જેમના વિષે આપણી ભાષામાં આઠ ,હિન્દીમાં ૧ અને અંગ્રેજીમાં ૧  જીવન ચરિત્રાત્મક ગ્રંથો પ્રકટ થઇ ચુક્યા છે છતાં તેમના કામથી ગુજરાત પૂરું અવગત નથી તેવા અમૃતલાલ  વિઠલદાસ ઠક્કર ઉર્ફે ઠક્કરબાપાનો આજે જન્મદિવસ છે . 
ભાવનગરમાં લોહાણા પરિવારમાં જન્મેલા ઠક્કરબાપાનું કાર્યક્ષેત્ર આખું ભારત અને દુનિયાભરના વંચિતો હતા .ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા ઠક્કરબાપાએ ભારત અને યુગાન્ડામાં રેલ્વે ઈજનેર તરીકે વ્યવસાયી જીવનની શરૂઆત કરી હતી .તે પછી ૧૯૦૪મા ગોપાલ કૃષ્ણ ગોખલે સ્થાપિત હિન્દી સેવક સમાજના સભ્ય બન્યા હતા ,આ સંસ્થાના આશ્રયે ઠક્કરબાપાએ કરેલી સેવા પ્રવુતિઓ અને તૈયાર કરેલા નિષ્ઠાવાન સેવકોનો ગુજરાતના ઇતિહાસમાં જોટો જડે તેમ નથી .
 " અમને ચારે દિશાઓમાંથી સારા અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ "ના વેદ વાક્યનું પ્રત્યક્ષ પ્રમાણ કયાંય જોવું હોય તો  તે ઠક્કરબાપાનું જીવન છે . દાહોદનું ભીલ સેવા મંડળ ,ગુજરાત અંત્યજ સેવા મંડળ જેવી સંસ્થાઓ તેમની અનુપમ કૃતિઓ હતી .દુષ્કાળ ,પુર ,ચેપી રોગચાળો જેવી સમસ્યાઓ વખતે બાપા અને તેઓના સમર્પિત સેવકો આજની ૧૦૮ની ઝડપે પહોચી જતા ,
ઠક્કરબાપાએ આઝાદીના આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો ન હતો પણ ગુજરાતમાં રચનાત્મક કાર્યોમાં તેમણે જે કરિશ્મા  દેખાડ્યો  હતો તે હજારો સ્વતંત્રતા સૈનિકોના કામ કરતા વિશેષ હતું .સેવાપ્રવુંતિઓના ક્ષેત્રે તો  આજે પણ તેઓના નામ અને કામની દુહાઈ દેવામાં આવે છે.બંધારણસભાના સભ્ય તરીકે પણ પછાત વર્ગોના હિતોની ઠક્કરબાપાએ પણ  રખેવાળી કરી હતી .
તારીખ ૨૦ જાન્યુ .૧૯૫૧ના રોજ આ મહામાનવનું તેમના વતન ભાવનગર ખાતે અવસાન થયું હતું ." 
અંત્યજોના ગોર " અને " આદિવાસીઓના  બાપા " તરીકે ઠક્કરબાપાને મળેલા માનપાન  બીજા કોઈપણ નાગરિક સન્માનો કરતા મોટા છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૯ નવેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ


Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ