ધૂમકેતુ


ગુજરાતી ટૂંકીવાર્તાના ભીષ્મપિતામહ  : ધૂમકેતુ        [૧૮૯૨-૧૯૬૫]
       "મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ વિચારવાની શરૂઆત કરે તો અડધું જગત શાંત થઇ જાય "આ તત્વજ્ઞાનના સર્જક ધૂમકેતુનો આજે જન્મદિવસ છે.
          મુળનામ ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી અને જન્મ સૌરાષ્ટ્રના જલારામધામ વીરપુરમાં .
         વાર્તા,નવલિકા,નવલકથા,નિબંધ,ચરિત્ર અને નાટ્ક જેવા અનેક સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કરનાર 
ધૂમકેતુને બચપણથી જ શિષ્ટ સાહિત્યમાં રુચિ હતી.૧૯૧૪માં મેટ્રિક અને ૧૯૨૦મા સ્નાતક થયા ગોંડલ રેલ્વે સ્કુલમાં શરૂમાં નોકરી કર્યા પછી અમદાવાદમાં સ્થાયી થયા. 
          અમદાવાદમાં અંબાલાલ સારાભાઇ અને ચીનુભાઈ બેરોનેટની ખાનગી શાળાઓમાં પણ નોકરી કરી.સાહિત્ય સર્જન ક્ષેત્રે તણખામંડળ ભાગ ૧ થી ૪ ,અવશેષ,પ્રદીપ, ત્રિભેટો ,આકાશદીપ,આમ્રપાલી,ચંદ્રલેખા, જેવા વાર્તા સંગ્રહો ઉપરાંત અનેક ઐતિહાસિક અને સામાજિક નવલકથાઓ તથા જીવન પંથ અને જીવન રંગ જેવા આત્મકથાનકો  લખ્યા છે.
          ટૂંકીવાર્તાના ક્ષેત્રે પોસ્ટ ઓફીસ,ભૈયાદાદા,ગોવિંદનું ખેતર,લખમી,હૃદયપલટો,પૃથ્વી અને સ્વર્ગ વગરે સર્વાધિક લોકપ્રિય વાર્તાઓ રહી છે.ધૂમકેતુએ રોજબરોજના જીવનમાંથી વાર્તાના વિષયો ,પાત્રો શોધી સમસવેદન અને હૃદયગમ રીતે રજુ કર્યા  છે.તેમનું વાર્તા વિશ્વ ભાવનાપ્રધાન,રંગદર્શી ,ગ્રામકેન્દ્રી અને વૈવિધ્યસભર છે.
            ગુજરાતી સાહિત્યમાં વંચિતો અને શોષિતો પહેલી વખત  તેમના દ્રારા સાહિત્યસર્જનમાં પ્રવેશતા જણાય છે.તેમના સર્જનોમાં સમાજ સુધાર અને ગાંધીવિચારનો પડઘો પણ પડે છે.
            ગુજરાતી સાહિત્યમાં સર્જનાત્મક યોગદાન બદલ ૧૯૩૫માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક આપવાનું નક્કી થયું હતું પણ તેઓએ તેને પરત કર્યો હતો ધૂમકેતુને ૧૯૫૩માં નર્મદ ચંદ્રક એનાયત થયો હતો,તેઓ ૧૯૪૪મા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ પણ બન્યા હતા.
               ગુજરાતી ટૂંકીવાર્તાના સીમાસ્તભ ધૂમકેતુનું ૧૧ માર્ચ ૧૯૬૫ના રોજ ૭૨ વર્ષની વયે અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૨ ડિસે ૨૦૨૦,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ