મૃદુલા સારાભાઈ
ડૉ. અરુણ વાઘેલા
રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામની નારીશક્તિ : મૃદુલાબહેન સારાભાઈ
અમદાવાદના મિલ ઉધોગનો ઈતિહાસ જેટલો રાષ્ટ્રવાદી અને ગૌરવશાળી છે એટલી જ મિલમાલિક સારાભાઇ પરિવારની રાષ્ટ્રવાદીતા સુવિદિત છે.અંબાલાલ સારાભાઇ, અનસૂયાબેન સારાભાઇ, અને મૃદુલાબેન સારાભાઇ અમદાવાદના મિલ માલિક પરિવારના રાષ્ટ્રવાદી તારલાઓ હતા. અમદાવાદનો સારાભાઇ પરિવાર અને રાષ્ટ્રવાદી આંદોલન પરસ્પર પર્યાય સમાન હતા. આજે મિલ માલિક સારાભાઇ કુટુંબની રાષ્ટ્રવાદી પરંપરામાં મૃદુલાબેન સારાભાઇની વાત કરીએ.
મૃદુલાબહેનનો જન્મ સને ૧૯૧૧ના મેની છઠ્ઠી તારીખે અમદાવાદમાં શેઠ શ્રી. અંબાલાલ સારાભાઈ અને સરલાદેવીને ત્યાં તેમના આઠ બાળકો પૈકીના એક બાળક તરીકે થયો હતો.અનસૂયાબેન સારાભાઇ તેમના ફોઇ અને સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇ તેમના ભાઈ થતાં હતાં. વિદ્યાર્થી અવસ્થામાં ઘરેથી ‘અંજલિ’ નામનું સામયિક બહાર પાડતા હતા. તેમના પિતાશ્રીને ગાંધીજી સાથે નિકટનો સંબંધ હોવાથી તેમ જ દેશના આગેવાનો તેમને ત્યાં ઉતરતા હોવાથી મૃદુલાબહેન પર રાષ્ટ્રીય ભાવનાની અસર શરૂઆતથી જ પડેલી. નાનપણથી જ તેમનામાં બ્રિટિશવિરોધી વૃત્તિ હોવાથી ઉંમરલાયક થતાં અને ખાસ કરીને ગાંધીજી તથા જવાહરલાલ નહેરૂ ના નિકટના સંપર્કમાં હતા. ‘નવજીવન’ સામાયિકમાં છપાતા બાળકો માટેના સમાચાર પણ મૃદુલાબેનના પ્રેરણાસ્ત્રોત હતા. તેના કારણે જ્યારે જ્યારે સ્વરાજયની લડત આવતી ત્યારે તેમાં ઝંપલાવવાની તેમની સદાય તૈયારી રહેતી. તેઓ ઘણા પ્રગતિશીલ વિચારના હતા. ચાંદલો, બંગડી પહેરે નહીં પણ માથે તો કાયમ ઓઢતા. વૈચારિક મૂદુલા ઘણા જીદ્દી હતાં.
મુદુલાબેન માતાપિતાના પોતાનાં બાળકોના શિક્ષણ અંગે ખૂબ સ્પષ્ટ ખ્યાલો હતા. બાળકોમાં સ્વયંસ્ક્રૂર્તિ સાથે રાષ્ટ્રીય ભાવના જાગે એવા શિક્ષણની સ્વતંત્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમનું શરૂઆતનું શિક્ષણ ઉચ્ચ દરજ્જાના શિક્ષકોના સાંનિધ્યમાં થયું હતું. કોલેજ કક્ષાનું તેમનું શિક્ષણ ગૂજરાત વિદ્યાપીઠમાં ચાલુ હતું તે અરસામાંજ ગાંધીજીની સત્યાગ્રહની લડત શરૂ થઈ અને મૃદુલાબહેને વિદ્યાપીઠમાં જ સ્વાતંત્ર્યની લડતમાં ઝંપલાવ્યું હતું. તૈયારીમાં પૂરેપૂરો સાથ આપ્યો. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન રચાયેલી બાળકો માટેની વાનર સેનાના તેઓ સક્રિય સભ્ય હતા.
મૃદુલાબહેને ૧૯૧૯ની સાલથી પહેરવેશમાં ખાદી અંગીકાર કરી હતી અને સ્વરાજની પ્રવૃત્તિની સભાઓમાં સ્વયંસેવક તરીકે કામ કરવામાં હમેશાં મોખરે રહેતાં. ગમે તેટલી મોટી સભા હોય મૂદુલાબેન તેનું કુશળતાથી વ્યવસ્થાપન કરી લેતા હતા. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની સભાઓ વખતે સભાસ્થળે વાવાઝોડાની જેમ ફરી વળતા અને ક્યાંય કશી કસર ન રહી જાય તેની પર્યાપ્ત કાળજી રાખતા.૧૯૨૭માં અમદાવાદમાં યુવક પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે તેના તરફથી યોજાતા સઘળા કાર્યક્રમોમાં તે આગળ પડતો ભાગ લેતાં. ગાંધીજીની વિદેશી વસ્તુઓના બહિષ્કાર અને સ્વદેશીના પગલે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ અભ્યાસ કરવાનું પણ માંડી વાળ્યું હતું. ૧૯૩૦ની દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ કરાડીની બહેનોની સભામાં બહેનો માટે વિદેશી કાપડ બહિષ્કાર અને દારૂનિષેધનો કાર્યક્રમ ચીંધ્યો અને તે કાર્ય માટે અમદાવાદમાં વિદેશી કાપડ બહિષ્કાર સમિતિ તથા પિકેટિંગ મંડળની સ્થાપના થઈ. મૃદુલાબહેન પિકેટિંગ મંડળનાં મુખ્ય સંચાલક હતાં. ૧૯૩૧માં અંગ્રેજ સરકાર સાથે સંધિ થઈ ત્યારે તેમણે સેવાદળની પ્રવૃત્તિ હાથ પર લઈ તેનું સફળ સંચાલન કર્યું. સાબરમતી આશ્રમના નિર્માણ વખતે શ્રીમંત પરિવારના હોવા છતાં મોજશોખ, આભુષણોનો ત્યાગ કરી શ્રમકાર્ય કર્યું હતું.
સવિનય કાનુનભંગ આંદોલન પછી ભારતમાં રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતા આંદોલન તેની ચરમસીમાએ પહોંચ્યું હતું. સેંકડો યુવાનો- વિદ્યાર્થીઓ ભણતર, નોકરી-ધંધાની પરવા કર્યા વિના રાષ્ટ્રના આઝાદીના જંગમાં જોડાયા હતા. આ શૃંખલામાં મૃદુલાબહેન પણ એક હતા. તેમણે ૧૯૩૧ પછી છૂટાછવાયા સત્યાગ્રહોમાં ભાગ લીધો હતો. ૧૯૩૮ના રાજકોટ સત્યાગ્રહમાં તથા જમ્મુ-કાશ્મીરની રાષ્ટ્રીય પરિષદમાં કાર્યમાં તેઓ એક કાર્યકર હતાં. ૧૯૪૧-૪૨માં અમદાવાદ શહેર સમિતિનાં મંત્રી નિમાયેલાં, આ સિવાય સત્યાગ્રહીઓનાં કુટુંબીજનોને રાહત આપવા અને જરૂરિયાતો અને કાયદાની મદદ જેલવાસીઓને આપવાનું કામ પણ મૃદુલાબેન કરતાં હતા. તેમનો જેલવાસ પણ ઠીક ઠીક સમયનો ગયો હતો. કેસ ચલાવીને તો તેમને બે જ વખત જેલમાં મોકલવામાં આવેલાં. પણ મોટો સમય તેઓ નજરકેદી તરીકે રહ્યાં છે. તેમણે સજા સાબરમતી, બેલગામ, યરવડા, મુંબઈની જેલોમાં ભોગવી હતી. મૂદુલા સારાભાઇને અમદાવાદ શહેર બહાર રહેવાની સજા પણ થઈ હતી.રાષ્ટ્રીય મહાસભાના હરિપુરા અધિવેશનમાં તેઓ સ્વયંસેવિકા દળના વડા હતા. આ ઉપરાંત અમદાવાદ જિલ્લા સ્કૂલ બોર્ડ, સરકારના મદ્યપાન નિષેધ અને વિકાસ બોર્ડ તથા કોંગ્રેસની પ્લાનિંગ કમિટીનાં સભ્ય હતાં. ૧૯૪૫-૪૬માં કસ્તૂરબા ગાંધી સ્મારક ટ્રસ્ટનાં તેઓ સંગઠન મંત્રી બન્યા હતાં. ઈંડિયન નેશનલ આર્મીના કાર્યકર્તાઓના કેસમાં તેમણે સારી પેઠે મદદ કરેલી. ૧૯૪૭માં તેમને વિધાનસભા માટે ઉમેદવારી કરવાનું સૂચન થયેલું પણ ગાંધીજીની સલાહથી તે રચનાત્મક કાર્ય અને ખાસ કરીને મહિલાઓની ઉન્નતિ અને કોમી ઐકયના કાર્યમાં જ પરોવાયેલાં રહ્યાં. આઝાદીના ઇતિહાસની સવિનય કાનુનભંગ, રાજકોટ સત્યાગ્રહ અને હિંદ છોડો આંદોલન જેવી મોટાભાગની લડતોમાં મૃદુલાબેન સારાભાઇનું સક્રિય યોગદાન રહ્યું હતું.
દેશની આઝાદીના અંતિમ તબક્કામાં કોમી તોફાનો દાવાનળની માફક ફાટી નીકળ્યા હતા. આવા વિપરીત સંજોગોમાં મૃદુલાબેન ૧૯૪૧માં અમદાવાદમાં, ૧૯૪૬માં મેરઠમાં તથા ૧૯૪૬-૪૭માં બિહાર તથા પંજાબનાં રમખાણો વખતે તેમણે શાંતિ સ્થાપવાનું તથા રાહત પહોંચાડવાનું કાર્ય કરેલું અને દેશના ભાગલા થયા પછી બહેનોનાં અપહરણ થયેલાં તેમને પાછી મેળવવા માટે બન્ને દેશોની સરકારો દ્વારા તેમણે હિંમત અને સફળતાપૂર્વક કામ કર્યુ હતું.કસ્તુરબા ગાંધી સ્મારક નિધિના તેઓ સંગઠન મંત્રી હતા. સ્ત્રી ઉત્થાનની ‘જ્યોતિસંઘ’ અને વિકાસગૃહ જેવી અનેક સંસ્થાઓમાં તેઓનું સક્રિય યોગદાન હતું. તેમનું જીવન નારી ઉત્થાનને સમર્પિત રહ્યું હતું. વિધવાઓના પૂનઃ લગ્ન અને તેમની સ્થિતિમાં સુધારો લાવવો એ પણ મૂદુલાબેનની પ્રાથમિકતા હતી. સાહિત્યકાર જયભિખ્ખુએ તેમની મહિલા પ્રવુતિઓને બિરદાવતા લખ્યું છે કે જ્યોતિ સંઘના શ્રી મૂદુલાબેન સારાભાઇ તેજસ્વી અને નીડર કાર્યકર હતા. સૂતેલા સ્ત્રીત્વને જગાડનાર સર્વ પ્રથમ ગર્ભશ્રીમંત નારી ! સ્ત્રી સંસ્થાઓ સ્ત્રી કાર્યકરો દ્રારા ચાલે તે વિચારના આર્ધ પ્રણેતા. મહિલા ઉત્થાન વિશે તેમના વિચારો ક્રાંતિકારી ઢબના હતા. ૧૯૨૯ના સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદમાં યોજાયેલી યુવક સંઘની સભામાં તેમણે કહેલું કે હિન્દી સ્ત્રીઓ માટે મિસ અને મિસીસ શબ્દોનો ઉપયોગ કરવાને બદલે શ્રીમતી શબ્દનો ઉપયોગ થવો જોઈએ તેમજ ચાંદલો, બંગડીઓ, લાંબા વાળ અને રંગેબેરંગી વસ્ત્રોને સ્ત્રીના સૌભાગ્યના સૂચક ન માનવા જોઈએ. આ પ્રકારના વિચારો પ્રસ્તુત કરનારી મહિલાઓ એ જમાનામા બહુ ઓછી હતી. અમદાવાદ ઉપરાંત ગુજરાતની અનેક મહિલા નેતાઓએ તેમનો પ્રભાવ સ્વીકાર્યો હતો. ડોક્ટર સુમંત મહેતાએ પણ નોંધ્યું છે કે “ આખા હિંદ દેશમાંથી હિંદ-પાકિસ્તાનના પ્રધાનો તથા તેના પોલિસ અફસરોને મળવા માટે સતત આવજાવ કરે, જે લગભગ પોતાનું ધાર્યુ કરાવી શકે એવી કુશળ અત્યંત નીડર, જેને ખાવા-પીવાની સૂવાની દરકાર નથી એવી ખડતલ, આગ્રહી અને છતાં કુશળ હોય,જે પ્રધાનો પાસે ભિક્ષા ન માંગે પણ કરારોનું પાલન તથા ન્યાય માંગતી સમાનભાવે ચર્ચા કરી શકે એવી સ્વમાની કોઈ સ્ત્રી હોય તો મૃદુલા જ છે” મૃદુલા સારાભાઇ એ મહિલા ઉત્થાનની નક્કર પ્રવુતિઓ કરવા ઉપરાંત તત્કાલીન સામાયિકોમાં નારી ઉત્થાન અને રચનાત્મક કાર્યોને લગતા લેખો પણ લખ્યા છે.
દેશ આઝાદ થયા પછી તેમણે પોતાની પ્રવૃત્તિ શાંતિના કાર્યકર્તા તરીકે રાખેલી અને હિંદ-પાકિસ્તાન કન્સિલિએશન મુવમેન્ટમાં ભાગ લેતાં રહ્યાં. ગાંધીજીએ જેને આખરી મિશન તરીકે ઓળખાવેલું તે પ્રવૃત્તિ એટલે કે લોકશક્તિ અને લોકનીતિને દબાવે તેવાં બળોનો સામનો કરતાં રહેવા માટે એ શાંતિ સૈનિક બન્યાં અને પોતાની સમજ અને શક્તિ અનુસાર એ દિશામાં કાર્ય કરતાં રહ્યાં હતાં. આઝાદ ભારતને જે પ્રકારના બિનરાજકીય અને પાયાના કાર્યકરની જરૂર હતી તેવાં મૂદુલા સારાભાઇ હતા.
મુદુલાબેન સારાભાઇ તેમના સંપર્કમાં આવનાર મોટા ભાગના કાર્યકરો પર પોતાના વ્યક્તિત્વની છાપ છોડતા હતા. ચંપાબેન મહેતા નામના મહિલા અગ્રણીએ નોંધ્યું છે કે “મુદુલાબેન અમદાવાદની મહિલા પ્રવુતિઓના મુખ્યા હતા. મુદુલા નાની હતી પણ ધગશવાળી, શક્તિશાળી, બુધ્ધિશાળી અને ઉત્તમ વ્યવસ્થાપક હતી”. અપર્ણા બાસુએ તેમના વ્યક્તિત્વ અને કૃતિત્વને આલેખતું ‘રિબેલ વિથ એ કોઝ’ નામનું પુસ્તક લખ્યું છે. અનેક આરોહ-અવરોહવાળું જીવન જીવ્યા પછી ૨૬ ઓક્ટોબર ૧૯૭૪ના રોજ દિલ્હી ખાતે મુદુલા સારાભાઈનું અવસાન થયું હતું. તેમની પ્રશંસા માટે ‘પઠાણ’ ‘બાહોશ બહેન’ અને ‘જહોન ઓફ આર્ક’ જેવાં શબ્દો પ્રયોજાતા હતા.ખરેખર તેઓ આઝાદીના આંદોલનના મહાન સૈનિક અને ગુજરાતના નારીશક્તિ હતાં.
Comments
Post a Comment