ડોટર ઓફ સરદાર : મણિબહેન પટેલ
ડોટર ઓફ સરદાર: મણિબહેન પટેલ
મુંબઈની બે મહિલાઓ દિલ્હી કોઈ કામ પ્રસંગે ગઈ હતી ત્યાં એક બીજા સાદાં-સીધાં અને સાદગીના પર્યાય સમા મહિલાને મળી તેમને જ્યાં જવું હતું ત્યાં લઈ જવા ટેક્સીમાં પરાણે બેસાડયા. મધ્યમ કદના, દુબળાપાતળા, ભીનો વાન અને શ્વેત ખાદીધારી મહિલાને તેમના સબંધીને ત્યાં જ છોડી બે મહિલાઓ એ જ ટેક્સીમાં પરત ફરી. ટેક્સી ડ્રાઈવરે એ મહિલાઓને પૂછ્યું...
‘યે માજી કૌન થી?’
‘વહ મણિબહેન થી!’
‘સરદાર પટેલ કી સુપુત્રી મણિબહેન?’
‘હા, વહી મણિબહેન’
આટલા સંવાદ પછી ટેક્સી ડ્રાઈવર નીચે ઉતર્યો અને મણિબહેન પટેલ જે રસ્તા પર ચાલીને ગયા હતા ત્યાંની ધૂળ માથે ચડાવી. આ પ્રસંગ હતો મણિબહેન પટેલના જીવનના ઉતરાર્ધનો પણ તેના પાયામાં હતું ગાંધી અને સરદારના વિચારોનું જીવનભરનું ભાથું. ૧૯૦3ના એપ્રિલ મહિનામાં ત્રીજી તારીખે તેમનો જન્મ થયો હતો. પાંચ વર્ષના થયા ત્યાં તો માતા ઝવેરબા પરલોક સીધાવ્યા. ‘બાળકોને નવી માનું દુ:ખ નહી આપું’ તેવી ભાવિ વિચારણા સાથે સરદાર પટેલ આખી જીંદગી બીજા લગ્ન નહીં કરવાનું નક્કી કર્યું. અને પોતે બંને બાળકોના પિતાની સાથે માતાની જવાબદારી પણ અદા કરી. નમાયી દીકરી એ પિતા સરદારના સથવારે મુંબઈની ક્વીન મેરી, આમદાવાદની ગર્વમેન્ટ સ્કૂલ અને અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો. ગુજરાત વિદ્યાપીઠની વિનિત અને ગુજરાતી-અંગ્રેજી વિશારદની પરીક્ષા પાસ કરી હતી. તેઓ સાબરમતી આશ્રમથી ગુજરાત વિદ્યાપીઠ સુધી સાઇકલ ચલાવી ભણવા જતાં હતા ત્યારે તેમને જોવા ટોળાં જામતાં હતા.1927માં ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થનાર તેઓ પહેલાં વિદ્યાર્થિની હતા. વિદ્યાપીઠમાં જ ગાંધીવાદી વિચારો અને આઝાદીના જંગની પ્રવુતિઓમાંથી મણિબહેન પટેલનું ઘડતર થયું હતું.
પ્રારંભમાં તેઓ ખાદી, શેરી સભાઓ અને સત્યાગ્રહીઓ સાથેના સંપર્કથી અસહકારની સમજ કેળવતા રહ્યાં હતા. ગાંધી સરદાર જેવાં મહાનુભવોનો સતત સહવાસ અને ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રવાદી સંસ્થાની નિશ્રામાં મણિબહેન પટેલે આઝાદીની અનેક લડાઈઓ અને રચનાત્મક કાર્યોમાં ભાગ લીધો. ૧૯૩૦નું સવિનય કાનુન ભંગ આંદોલન હોય, ૧૯૪૨નું હિંદ છોડો આંદોલન હોય કે બોરસદ, બારડોલી, રાજકોટ જેવાં સ્થાનિક સત્યાગ્રહો હોય મણિબહેન પટેલની ભૂમિકા હંમેશા અગ્રેસર રહી હતી. ૧૯૩૦ થી ૧૯૪૨ સુધી મણિબહેન મુંબઈ ઇલાકાની સાબરમતી, થાણા , યરવડા, આર્થર રોડ અને હિંડલગા જેવી અનેક જેલોમાં જેલવાસી રહી ચૂક્યા હતા. રાજકોટ સત્યાગ્રહ દરમિયાન તો પોતાને કસ્તુરબા સાથે કેદી તરીકે ન રાખે ત્યાં સુધી ઉપવાસ પર ઉતરી ગયા હતા. છેવટે તેમની માંગ સ્વીકારવી પડી હતી. બચપણમાં જ માની છત્રછાયા ગુમાવી ચૂકેલા મણિબહેન જેલમાં અનેક છોકરીઓને માતાની હુંફ આપી હતી. મણિબહેન પટેલ માટે ઘર કે જેલ બહુ મોટા તફાવતની વાત ન હતી. જેલમાં પણ ખાદી અને સ્વચ્છતા તેમના મુખ્ય કાર્યો રહેતા હતા. જેલમાં રેંટિયો કાંતી ખાદી ઉત્પન્ન કરવાનું ચૂકતા નહી. તો જેલની કોટડીથી લઈ જેલના વાસણો ને ચાંદી જેવાં ચમકદાર બનાવવાનું ભૂલતા નહી. જેલમાંથી મુક્તિ પછી પણ જેલની કોટડીને સાફ કરી નીકળવું એ મણિબહેન પટેલનો નિયમ હતો. તેમનું ખાદી કાંતણ એટલું તો ઝીણું રહેતું જોનાર દંગ રહી જતાં. જાતેજ કાંતેલા સુતરના એકરંગી સફેદ વસ્ત્રો, વસ્ત્રો પર નાનો અમથો ડાઘો ય ન હોય. જાતેજ કાંતેલા, જાતે ધોયેલાં અને જાતેજ સાંધેલા સુઘડ વસ્ત્રો સરદાર ગૃહપ્રધાન બન્યા ત્યારે વિશાળ બંગલામાંથી નાનો ભાગ રહેવા પસંદ કરી બાકીનું મકાન બંધ કારાવી દીધુ અને બંગલામાંની બિનજરૂરી લાઇટો પણ બંધ કરાવી હતી. તેમની ખાદીપ્રવુતિ અને સ્વચ્છતાનો આગ્રહ તો મિશાલ ગણાતો હતો સફાઈનો આગ્રહ જોઈને પંડિત મોતીલાલ નહેરુ પણ ચકિત થઈ ગયા હતા કરકસરીયા તો એવા કે પિતાના ફાટેલા ધોતીયામાંથી પોતાના કપડા બનાવી લેતાં હતા. હંમેશા ટ્રેનના ત્રીજા વર્ગમાં મુસાફરી કરતાં હતા.
મણિબહેન પટેલના જીવનનું બીજું ઉજ્ળું પાસું એટલે સરદાર પટેલના આદર્શ પુત્રી. સરદાર પટેલ જાહેરજીવનમાં જોડાયા ત્યારથી લઈ ગૃહપ્રધાન – નાયબ વડાપ્રધાન બન્યા ત્યાં સુધીનો રોજિંદા જ નહીં મિનિટે મિનિટનો હિસાબ મણિબહેન પટેલે રાખ્યો હતો. ૧૯૩૦ પછી તો તેઓ સરદાર પટેલનો પડછાયો બની રહ્યાં હતા. સરદારના વક્તવ્યો હોય કે પત્રવ્યવહાર, કે પછી મુલાકાતીઓ સાથેનો વાર્તાલાપ તેની તારીખ-વાર અને સમય સાથેની નોંધ મણિબહેન રાખતા. તેમનું આ કાર્ય કાર્યક્ષમ અને વિશ્વાસપાત્ર અંગત સચિવ તરીકેનું હતું. મણિબહેને પટેલે લખેલી ડાયરીઓમાં પણ તેનો ઉત્તમ ચિતાર સાંપડે છે. આપણા દેશમાં પિતૃભક્તિ માટે શ્રીરામચંદ્ર અને શ્રવણ, પતિપરાયણતા માટે અનેક સ્ત્રીઓના, બંધુપ્રેમ માટે ભરત અને સ્વામિભક્તિ માટે હનુમાનજી જેવાં અનેક સેવકોના દાખલા આપવામાં આવે છે. પણ એક પુત્રીની પિતૃપ્રેમ માટે મણિબહેન પટેલ કરતાં મોટું ઉદાહરણ કોઈ ન હોઈ શકે!
૧૯૪૭માં આઝાદી આવી નામી-અનામી અનેક સ્વતંત્રતા સૈનિકોની તપસ્યા ફળીભૂત થઈ. પણ દેશની રાજકીય આઝાદી એ પ્રત્યેક સમસ્યાનું સમાધાન ન હતું. દેશની આઝાદીએ દૂધ-દહીંની નદીઓ નહોતી વહાવી મણિબહેન પટેલ જેવાં સેંકડો લોકસેવકોનું સાચું કામ તો હવે શરૂ થવાનું હતું. આઝાદી પછી મણિબહેન શિક્ષણ , ખાદી અને જાહેરજીવનની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યાં હતા. નવજીવન ટ્રસ્ટ, કસ્તુરબા ગાંધી સ્મારક ટ્રસ્ટ,મહાદેવ દેસાઇ સ્મારક ટ્રસ્ટ,ગુજરાત વિદ્યાપીઠ, વિશ્વકર્મા વિદ્યાલય, સરદાર પટેલ સ્મારક નિધિ ખાદી ગ્રામધોગ આયોગ જેવી અનેક સંસ્થાઓ સાથે મણિબહેન પટેલનો સીધો નાતો રહ્યો હતો. સરદારની જેમ જ વિચારવા કરતાં કર્મ કરવા પર ભાર મૂકતાં હતા. મણિબહેને કસ્તુરબા: વાણી અને વિચાર, બોરસદ સત્યાગ્રહ, નાગપુર ઝંડા સત્યાગ્રહ જેવાં પુસ્તકો લખવાની સાથે સરદાર પટેલ અને ગાંધીજીના પત્રોનું સંપાદન પણ કર્યું છે. મણિબહેન પટેલે ૧૯૨૯ થી ૧૯૫૧ દરમિયાન ડાયરીઓ પણ લખી છે. જે તેમના જીવન ઉપરાંત સરદાર પટેલ અને ભારતના તત્કાલીન જાહેરજીવનનો ઉત્તમ ચિતાર આપે છે. જાહેર જીવનના ક્ષેત્રે તેઓ કોંગ્રેસ અને જનતા પક્ષ તરફથી લોકસભાના અને રાજયસભાના સભ્ય બન્યા હતા. ૧૯૭૩ની ચૂંટણીમાં તો ૭૦ વર્ષના મણિબહેનને જનતા પક્ષના ઉમેદવાર તરીકે ૬૨ ટકા મત મળ્યા હતા. અને તે પણ કોઈ પણ પ્રકારનો વિશેષ પ્રચાર કર્યા વિના. ‘કામ બોલશે’ના એકમાત્ર સિધ્ધાંતથી અનેક સંસ્થાઓ સાથે તેઓ સક્રિયપણે જોડાયેલાં રહ્યાં હતા.
મણિબહેન પટેલ આખાબોલા હતા. કોઈની પણ શેહશરમમાં તણાતા નહી, તેમની નિરીક્ષણ શક્તિ અદ્ભુત હતી. તેમની નજર જેમની સામે મંડાતી તેને બહારથી જ નહી અંદરથી પણ માપી લેતા. મણિબહેન ખૂબ કડક, કોઈને તોછડા પણ લાગે પણ કોઈનું જેમ તેમન ચલાવે. બહારથી નાળિયેર જેવાં કઠોર પણ અંદરથી કોપરા જેવાં મીઠા. તેમની વાણી સો ટચના સોના જેવી હતી. તેઓ કહેતા કે આખો દહાડો નાક સામે ચોપડી ધરીને વાંચશો તો પોપટની જેમ મીઠું મીઠું બોલશો તો કોઈને વહાંલા નથી લાગવાના, દુનિયામાં સાચો પ્રેમ માણસ માત્ર કામ કરનારા હાથ પર કરે છે. જીવનના અંતિમ તબક્કામાં તેમના માટે ખાદી કાંતવા માટે ચરખો અને પિતા સરદારની સ્મૃતિઓ સિવાય કશું અગત્યનું ન હતુ. વજજરના ટુકડા સમાન સરદારપુત્રી મણિબહેને તૂટવાનું કે કટાવાનું ક્યારેય પસંદ કર્યું ન હતું. મારું જીવન એજ મારો સંદેશ છે એમ કહેનાર અને કરનાર મહાત્મા ગાંધીના તેઓ સાચા વારસદાર હતું. ૨૬ માર્ચ ૧૯૯૦ના દિવસે તેમનું અવસાન થયું હતું. સરદારની જેમ જ મણિબહેન પટેલ પણ આજીવન અપરિગ્રહી રહ્યાં. પોતાના નામે ન ઘર, જમીન,ઘરેણા અઠવાડિયામાં બે દિવસ જમતા અને પાંચ દિવસ ઉપવાસ કરવા હતા. પોતાના લખાણો અને ખાદી ના કાંતણ દ્રારા ગુજારો કરતાં હતા. ખરેખર રાષ્ટ્રની આઝાદી અને નવનિર્માણ માટે જીવનના તમામ ક્ષેત્રોમાં બલિદાન આપનાર મણિબહેન પટેલ જેવાં બહુ ઓછા દેશભક્તો હતા.
અરુણ વાઘેલા
Comments
Post a Comment