એકલવ્ય : દોલજીભાઈ ડામોર


ડૉ. અરુણ વાઘેલા
ઉત્તર ગુજરાતનાં સ્વાતંત્ર્યવીર : દોલજીભાઈ ડામોર
રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતનો પૂર્વ પટ્ટીનો અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તાર પણ ઘણો સક્રિય હતો . અલબત્ત ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગાંધીવાદી રાષ્ટ્રવાદી આંદોલનો તથા રચનાત્મક પ્રવૃત્તિઓના સંદર્ભમાં વિચારતા દક્ષિણ ગુજરાત અને પંચમહાલની તુલનાએ ઉત્તર ગુજરાતમાં તેની ગતિ અને વ્યાપ ધીમા જણાય છે. તેના અનેકવિધ કારણો હતા. 1919 થી 1923 દરમિયાન ચાલેલી મોતીલાલ તેજાવતની એકી ચળવળને અપવાદ ગણીએ તો ઉત્તર ગુજરાતનું આદિવાસીક્ષેત્ર મોટાપાયા પરની રાજકીય ગતિવિધિઓથી અલિપ્ત રહ્યું હતું. અલબત્ત, ગાંધીવાદી રચનાત્મક પ્રવૃત્તિઓ, તેના થાણાઓ અવશ્ય સ્થાપ્યા હતા અને તેને ફળસ્વરૂપે આદિવાસીઓમાંથી નાના પાયા પર નેતૃત્વ ઉદય થયો હતો. તેમાંના એક શ્રી દોલજીભાઈ ડામોરનો પરિચય અત્રે રજૂ કરવામાં આવ્યો છે.દોલજીભાઇ ડામોર આઝાદીના આંદોલન ઉપરાંત લાંબા સેમી સુધી ગુજરાતનાં જાહેરજીવનમાં સંકળાયેલા રહ્યા હતા .

દોલજીભાઈ લખમાજી ડામોરનો જન્મ ફાગણ સુદ ૧૪ સંવત ૧૯૭૦ના રોજ (ઈ.સ. ૧૯૧૪) થયો હતો. તેમની ચોથી પેઢીએ ડામોર લખમાજી જોધાજી ધંધાસણમાં સ્થળાંતર કરી વસ્યા હતા. તેમના પૂર્વજો ગામમાં રાજકીય-આર્થિક-સામાજિક-ધાર્મિક પ્રશ્નોમાં અગ્રેસર રહેતા હતા. તેઓ પોલીસ પટેલ કે મુખીના કાર્ય સાથે સંકળાયેલા હતા. તેમના પિતા લખમાજી ઈ.સ. ૧૯૧૮માં ધંધાસણના મુખી તરીકે હતા. ૩૫ વર્ષ સુધી સરકારી જાગીરની જવાબદારી સંભાળી હતી. દોલજીભાઈ છ ભાઈ અને બે બહેનો મળી કુલ ૮ ભાઈ-બહેનો પૈકી પિતાનું બીજા નંબરનું સંતાન હતા. છ ફૂટ ઊંચાઈ, લાંબો ઝભ્ભો, હાથમાં લાકડી, વાંકડીયા વાળ અને ખભે થેલો, આંખોમાં નિર્ભયતા વગેરે દોલજીભાઇનો બાહ્ય દેખાવ હતો.
  દોલજીભાઈ ભીલ હતા .ભીલોને વળી ભણવાનું કેવું ? એ જમાનામાં મુખીનો છોકરો હોવાને નાતે સામાન્ય પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. રાજકીય ઉથલપાથલોના સમયે તેમને ઘણું સહન કરવું પડ્યું હતું. યુવાન બનતા સુધીમાં ઈડર રાજ્યના સામંતશાહી અન્યાયો, સતામણી અને જોહુકમીથી સારી પેઠે વાકેફ થઈ ચૂક્યા હતા. તે તેમને કડીરૂપ સાહસિક આગેવાન બનાવવામાં નિમિત્તરૂપ બન્યું હતું. યુવાનીમાં જ જાગીરદારી, દરબારીતંત્ર દ્વારા આદિવાસી પ્રજા પર અતિશય ત્રાસ વધી જતા જાગીરદારો સામેના બંડની આગેવાની લીધી હતી. તેમનો વિરોધ મુખ્યત્વે ખોટા હકવેરા (જમીન મહેસૂલ) હળતર (અમૂક પ્રમાણમાં અનાજનો જથ્થો જાગીરદારને આપવો) ચાંલ્લાવેરો, (દરબારમાં છોકરા-છોકરીના લગ્ન વખતે ફરજિયાત ચાંલ્લો) વગેરે સામે હતો. ઈડર ઠાકોરે સૌપ્રથમ લાલચ દ્વારા દોલજીને બંડને માર્ગેથી વિચલિત કરવા પ્રયત્ન કર્યો અને છેવાડાના ઉપાય તરીકે ધાકધમકી અજમાવ્યા હતા.પરંતુ તેઓ રાજ્ય વિરુદ્ધની ચળવળથી ચલિત થયા ન હતા . આ જ સમયે તેઓએ ડુંગરપુરના ભોગીલાલ પંડ્યાના નેતૃત્વમાં રાષ્ટ્રીય આંદોલનોમાં ભાગ લીધો હતો. પરિણામે ૧૯૪૨-૪૫ અને ’૪૬માં જેલની સજા થઈ હતી. ડુંગરપુર દરબારીતંત્રના ગોળીબારથી મૃત્યુ પામેલા બે આદિવાસીઓના મૃત્યુનો વિરોધ નોંધાવવા ૫૦ કાર્યકરો સાથે ડુંગરપુર પ્રજા સંમેલનમાં ગયા હતા. સ્વતંત્રતા આંદોલન અને રચનાત્મક પ્રવુતિઓના નિમિત્તે યોજાતા સંમેલનો-મેળાવડાઓમાં પણ તેઓ સક્રિયપણે ભાગ લેતા હતા. આદિવાસી ગામડાઓમાં શિક્ષણ સંસ્થાઓ સ્થપાય તે તેમનું જીવનધ્યેય હતું. માટે ઉત્તર ગુજરાતના જાણીતા આગેવાન મથુરદાસ ગાંધી સાથે પરામર્શ કર્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં શિબિરો, સંમેલનોનું આયોજન કરી તેઓ બાળકોમાં હિંમત, કુશળતા અને ખડતલપણાના ગુણો ઝળકાવતા હતા. તે બદલ ઈડર રાજ્યનો રોષ પણ વહોરી લીધો હતો. ઈડર રાજ્યએ રાજ્ય વિરુદ્ધની ગતિવિધિઓ માટે તેમને જેલની સજા પણ કરી હતી. ઈડર રાજ્યથી બહાર રહેવાની શરતે તેમનો જામીન પર છુટકારો હતો. તેમના જેલવાસ, હદપારીની મુક્તિને લગતા ગીતો પણ રચાયા હતા.
આઝાદી પછી પણ કેટલીક દેશી રિયાસતોની જુલ્મશાહી, અત્યાચારોનો અંત આવ્યો ન હતો. આઝાદી પ્રાપ્તિ પછીના શરૂના વર્ષોમાં ઈડર પ્રજાકીય પરિષદની રચના થઈ હતી. તેના નેજા નીચે ૧૭-૩-૧૯૪૮ના રોજ ભીલોડામાં એક સભા મળી હતી. તેમાં જાગીરદારીની સંપૂર્ણ નાબૂદી અને દારૂબંધીના ઠરાવો રજૂ કર્યા હતા. જાગીરદારી નાબૂદીનો ઠરાવ દોલજીભાઈ ડામોરે રજૂ કર્યો હતો.
 દોલજીભાઈ પ્રખર ગાંધીવાદી હતાં . દોલજી ડામોરનું ગાંધીવાદ પ્રત્યેનું મમત્વ મોતીલાલ તેજાવત જેવા મહાન નેતાને પણ સ્પર્શી ગયું હતું. ૧૬ એપ્રિલ, ૧૯૪૮ના રોજ ભરાયેલી સભામાં તેમની પ્રત્યક્ષ મુલાકાત થઈ હતી. મોતીલાલે તેમનું કાર્ય પારખી ‘હિંમત રાખો, આગળ વધો, લોકને જાગ્રત કરો, અંગ્રેજોના શાસન સામે છેલ્લે સુધી લડી લો’ જેવો પ્રોત્સાહક સંદેશો પણ આપ્યો હતો. દોલજીભાઈ એ ગાંધીહોળી અને ગાંધીગેર મેળાઓ શરૂ કરવામાં પણ યોગદાન આપ્યું હતું. આઝાદી બાદ વિધાનસભાની ચૂંટણી લડવાના પ્રશ્ને કૉંગ્રેસ સાથે મતભેદો પડતા તેઓ સમાજવાદી અને પછી પ્રજાસમાજવાદી પક્ષમાં જોડાયા હતા. અંગ્રેજી ન આવડવાનો તેમને ઘણો રંજ હતો. તેથી પુત્ર-પુત્રીઓને બુનિયાદી સંસ્થાઓમાંથી ઊઠાવી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં દાખલ કરી ડૉક્ટર એન્જિનિયર સુધી પહોંચાડ્યા હતા.
આઝાદી બાદ દોલજીભાઈએ રચનાત્મક પ્રવૃત્તિઓનું અનુસંધાન રચ્યું હતું. પોશીના વિસ્તારમાં શિક્ષણ સંસ્થાઓ, પાણીનો પ્રશ્ન વગેરે તેમના શિરે રહેતા. ૧૯૫૦ પછી પણ આદિવાસીઓની સ્થિતિ આશાસ્પદ ન હતી. જમીન, જંગલના હક્કો, શાહુકારી શોષણ વગેરે ચાલું જ હતા. તે સમયે દોલજી ડામોરે ૩૦ મુદ્દાનું આવેદનપત્ર તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને મોકલ્યું હતું. તેમાં તેમણે લખ્યું હતું કે, “કાં તો આ ત્રાસ દૂર કરો અથવા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરની વસ્તીવાળા એક અલગ આદિવાસી રાજ્યની રચના કરો.પરંતુ સ્વાયત આદિવાસી રાજ્યના તેમના સપનાને સફળતા મળી ન હતી .
ઈ.સ.૧૯૫૬માં ઇન્દુલાલ યાજ્ઞિક પ્રેરિત મહાગુજરાતની ચળવળ શરૂ થઈ હતી. તેમાં ચાર મિત્રો સાથે દોલજીભાઈ ડામોરે પણ ભાગ લીધો હતો. દેખાવો કરવા બદલ તેમની પણ ધરપકડ કરી જેલમાં પૂરવામાં આવ્યા હતા. તેમણે સાબરકાંઠાના વિવિધ ગામડાંઓમાંથી મહાગુજરાતના સમર્થનમાં પાંચેક ટુકડીઓ મોકલી સક્રિય ભાગીદારી દર્શાવી હતી. મહાગુજરાતના આંદોલન પછી ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ૧૯૬૦માં ઈન્દુલાલ યાજ્ઞિકના પ્રમુખપણે ભરાયેલી જાહેરસભામાં દોલજી ડામોરે ‘ખેડે તેની જમીન’નો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ તેનો અમલ થયો ન હતો. છતાં વિશાળ મેદની કે જેમાં જમીનદારો-જાગીરદારો, ઉદ્યોગપતિઓ બીરાજતા હતા, તેવી સભામાં આવો વિચાર રજૂ કરવો એ અભિનંદનીય કાર્ય હતું. ૧૯૮૧-૮૨ અને ૧૯૮૫ના અનામત વિરોધી રમખાણો વખતે તેમણે ‘અનામત બચાવો’ માટે ભીલોડામાં વિશાળ રેલી કાઢી હતી.
દોલજી ડામોરના જીવનનું મહત્ત્વનું પાસું સમાજસુધારક તરીકેનું હતું. ઉત્તર ગુજરાતનાં આદિવાસીઓમાં પ્રચલિત અનેક સામાજિક બદીઓનો નાશા કરવા માટે તેઓએ આગેવાની પૂરી પાડી હતી . પીંજણીયા (કાંસાનું પગમાં પહેરવાનું ઘરેણું, આશરે ૨૫ જેટલા હોય)ને તિલાંજલી, અમલાની નાબૂદી (કન્યા સાથે ગામના માણસોને લઈ જવાની પ્રથા), દેવા નાબૂદી, બારમા પ્રથામાં સુધારો, સર્વધર્મસમભાવ, બડવા-ભૂવાના આધિપત્યનો વિરોધ વગેરે તેમની આદિવાસી સુધારણાની પ્રવૃત્તિઓ હતી.સુધારણાની સાથે આદિવાસીઓની આર્થિક સદ્ધરતા, શિક્ષણનો પ્રચાર, કુશળ આદિવાસી નેતૃત્વ અને આદિવાસી સંસ્કૃતિનું જતન વગેરે તેમનો ભાવિ આશાવાદ હતો.
રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામ , ગાંધીવાદી રચનાત્મક કાર્યક્રમો અને આઝાદી પછીનું ગુજરાતનું જાહેરજીવન વગેરેમાં દોલજીભાઈ ડામોરનું મહત્વપૂર્ણ યોગદાન હતું . જીવનભર દેશની આઝાદી અને આદિવાસીઓના પ્રશ્ને સંઘર્ષરત રહેનાર શ્રી દોલજીભાઈ આદિવાસી પ્રજામાં ઘણા લોકપ્રિય નેતા હતા. તેમના નામ અને કામને ગૌરવ બક્ષતા સંખ્યામાં ગીતો રચાયા છે. તેમાંથી કેટલીક ચુંટેલી પંક્તિઓ જોઈએ:
‘૨ઈને કેવું બોલે દોલજી તય બોલાવે અણી પ્રજામાય,
ઓડ કે ધંધાસણ દોલજી તય બોલાવે અણી પ્રજામાય,
ધંધાસણ, ધંધાસણ દોલજી તય બોલાવે અણી પ્રજામાય,
ડામોરોનું ઝાજુ દોલજી તય બોલાવે અણી પ્રજામાય,

ઉપરોક્ત ગીતમાં તેમની સમાજસુધારા પ્રવૃત્તિનું આબેહૂબ ચિત્ર જોવા મળે છે .  દોલજીભાઈ ડામોરનું જીવન અને કાર્ય લાખો આદિવાસીઓના જીવનને અજવાળનારૂ હતું. તેમના સમકાલીનોએ દોલજીની સેવાઓને મનભરીને વખાણી છે. શ્રી હરિહર ખંભોળજાએ તેમને ‘આધુનિક એકલવ્ય’ તરીકે ઓળખાવ્યા છે. તેમણે ‘મારા સંઘર્ષમય જીવનની કથા’ નામથી  આત્મવૃત્તાંત લખ્યું છે, જે ઉત્તર ગુજરાતમાં ગાંધીવાદી આંદોલનો તથા રચનાત્મક પ્રવૃત્તિઓનો ઇતિહાસ જાણવા માટે ઘણો ઉપયોગી ગ્રંથ છે. ૨૦૦૭માં તેમનું અવસાન થયું હતું. દોલજીભાઈ ડામોર ઉમર ગુજરાતના અગ્રણી સ્વતંત્રતા સૈનિક અને કર્મઠ આદિવાસી નેતા હતા છતાં તેમના ઐતિહાસિક યોગદાનની પર્યાપ્ત કદર થઈ નથી . 
સૌજન્ય : અભિયાન સાપ્તાહિક ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ