હાસ્યલેખ - ત્રીકેટ
અહી ત્રીકેટ એટલે તમારે ક્રિકેટ સમજી આગળ વાંચવાનું છે .
અદાંજે ૧૯૭૭નો સમય હશે ! ભારત અને ઓસ્ટ્રલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાતી હતી . અંગ્રેજી અને હિન્દીમાં બોલાતી કોમેન્ટ્રીને સાંભળવા માટે અનેક લોકો રેડિયો ઉપર ટીંગાઈ રહ્યાં હતાં , એમાં સો ટકાને અંગ્રેજીનો સ્પેલિંગ આવડતો ન હતો અને ૯૦ ટકાનું હિન્દી ‘ તું ચલ કે જા મૈ હેંડ કે આતા હું ’ અને હમ તુમારા વખાન કરતે હે તબ તુમકો સારા લગતા હે અબ ટીકા કરતે હે તો માઠા લગતા હે ની કરીબ હતું . છતાં વારાફરતી અંગ્રેજી અને હિન્દીમાં બોલાતી કોમેન્ટ્રી એ રીતે સાંભળતા કે જાણે કથા સાંભળી રહ્યાં હોય ! તેઓ પોતાને ક્રિકેટ પ્રત્યેની ગાઢ રુચિ છે એવું પ્રસ્થાપિત કરવા કાન રેડિયોના સ્પીકર સુધી લઇ જવા પ્રયત્નશીલ હતાં . એમાં ઘણીવાર રેડિયો ઉંધા માથે પટકાતો અને રેડિયોનો માલિક પેલાને પટકતો જ નહિ વજનમાં હલકી-ભારે સંભળાવતો પણ ખરો ! આ ઐતિહાસિક સમયે મને ક્રિકેટમાં રસ પડવાનું શરૂ થયું .
સહુ પહેલાં તો સાંજે ક્રિકેટ રમવા જવાની અમારી પ્રયુક્તિઓ વિષે આપને અવગત કરીશ . પ્રયુક્તિઓ એટલાં માટે કે અમારા પિતાશ્રીઓ આજના પિતાશ્રીઓ જેટલાં ઉદાર ન હતાં , બાળમનોવિજ્ઞાનથી અમારાં મહાન પિતાજીઓ જોજનો દુર હતાં.ક્રિકેટનું બેટ એમને બોલને નહિ પણ દીકરાઓને ફટકારવાનું માધ્યમ લાગતું . શાળાએથી છૂટ્યા પછી ,રમવાના સમય પહેલાની ઘરેથી છટકવાની વ્યૂહરચનાઓ અનેકવિધ રહેતી .સાંજે શાળાથી પરત ફરી ઘરની બારીમાંથી બેટ સરકાવવાનું અને તે બહાર ઉભેલાં ભાઈબંધ સુધી પહોચાડવાનું કામ ઘરફોડ ચોરીથી લેશમાત્ર ઉણું ઉતરે તેવું ન હતું . એ કામ શરીર પહેલાં આત્મા પહોચે છે સમાન હતું . તે પછી પાદર સુધી પહોંચવાની પેરવીઓ શરૂ થતી . સમય અને સંજોગોને અનુરૂપ તેનું એવું તો વૈવિધ્ય રહેતું કે આજના વ્યવસ્થાપનના વિદ્યાર્થીઓ તેમાં પીએચ.ડી કરી શકે !
ભારતમાં હજુ તો ક્રિકેટના પગરણ જ મંડાયા હતાં , ભારતે ૧૯૮૩નો વર્લ્ડકપ જીત્યો ન હતો , સચિન તેંદુલકરનો જન્મ પણ થયો ન હતો , વિરાટ કોહલીના માતા-પિતાની સગાઇ પણ થઇ ન હતી ત્યારે અમારાં ક્રિકેટના સાધનોની કલ્પના કરી શકાય તેમ છે . સામાન્ય રીતે બિનવ્યવસાયી ધોરણે કે સારી રીતે ક્રિકેટ રમવું હોય તો બેટ , બોલ અને સ્ટમ્પની જરૂર પડે .(આ વાત ઘર ચલાવવા જેવી પણ ગણાવી શકાય ! ઘર સુખ-સગવડતાથી ચાલે અને બે ટંક ટૂંકા કરવાની રીતે પણ ચાલે!) દડો (બોલ) બનાવવા પ્લાસ્ટિકનો ડૂચો અને સ્ટમ્પના વિકલ્પે કાંટાની વાડના ત્રણ લાકડાથી પણ કામ ચલાવી શકાય , પણ બેટ તો જોઈએ ને ! (કપડાં ધોવાનો ધોકો અમુક ઉમર સુધી જ ખપમાં લાગે !) બેટ માટે અમે એટલાં તો સ્વાશ્રયી હતાં કે જાત મહેનત ઝિંદાબાદના સૂત્ર અનુસાર બેટનું નિર્માણ જાતે જ કરી લેતાં ,પણ તે માટે લાકડું તો જોઈએ ને ? ઠન ઠન પાલ અને મદન ગોપાળ જેવાં આર્થિક અવગડતાના જમાનામાં અમારી ખેલભાવનાને પોષવા માટે ધાર્મિકસ્થાનોમાંથી લાકડાના પાટિયા ઉપાડી લાવતાં , આ બાબતે અમારું વલણ ધર્મનિરપેક્ષ રહેતું . બેટના માલિકે બેટની કિંમતના બદલામાં સોંપેલું શિયાળુ(જુવારના છોડ) ઉખેડવાનું કામ પણ સ્વીકાર્યું હતું .ચૂંટણીમાં અમને ક્રિકેટનો સામાન આપો તો અમે તમારી તરફેણમાં પ્રચાર કરીશું અને મત પણ આપીશું એવી ઓફરો પણ અમે રાજકીય પક્ષોના ઉમેદવારોને આપતાં , ગામના સરપંચથી લઇ પંચાયતો, વિધાનસભા અને લોકસભાની ચુંટણીઓ સુધી અમારી ચડ-ઉતરના ક્રમમાં માંગો રહેતી .(ચૂંટણીમાં મતદારોને પ્રલોભનો આપવાની પ્રક્રિયાના મુળિયા રાજકીય વિશ્લેષકો આ ઘટનામાંથી શોધી રહ્યાં હોવાનો સુત્રોનો પ્રબળ મત છે. સી.બી.આઈ અને ઈ.ડી ગમે ત્યારે અમારી ઉલટતપાસ પણ કરી શકે તેમ છે !)
ગરીબ માણસ કાળી મજુરી કરી સાંજના ખાવાનું ઠેકાણે પાડે તેમ ક્રિકેટની સામગ્રીનો માંડ મેળ પાડ્યા પછી આપણે રમતના મેદાનમાં જઈએ .મારાં ગામમાં સપાટ મેદાનોની સંખ્યા અઢળક હતી .ક્યાં રમવું એ પસંદગીનો સવાલ રહેતો . ( મોટેભાગે ઘરવાળાની નજર ન પડે તેવું મેદાન પસંદ કરતાં )મેદાનમાં સ્ટમ્પ રોપવા માટે વિકેટુ (વિકેટ અને સ્ટમ્પ બંને જુદાં છે તેનો ખ્યાલ અમને ક્રિકેટ મેચોનું જીવંત પ્રસારણ શરૂ થયું પછી આવ્યો હતો .)ખોડી શબ્દ અમારા વર્તુળમાં પ્રયોજાતો હતો . કારણ કે ઉનાળામાં ભાલની જમીન અને લોઢા વચ્ચે ઝાઝો તફાવત રહેતો ન હતો . જમીન પોચી કરવા અને સ્ટમ્પ રોપવા માટે પાણી છાંટવાથી (પાણી તો કયાંથી લાવવું ?,કારણકે પાણીની અછતમાંથી જ અમારાં વિસ્તાર માટે દીકરીને બંધુકે દેવી પણ ધંધુકે ન દેવી જેવી કહેવત પ્રચલિત બની હતી . ) લઇ તે સ્થાને પાણીના વિકલ્પરૂપે મૂત્રવિસર્જન સુધીના પ્રયોગો અમે કરતાં . ક્યારેક તો અમે પશુઓએ જ્યાં સમૂહ મૂત્રવિસર્જન કર્યું હોય ત્યાં જ સ્ટમ્પ રોપી રમવાનું શરૂ કરી દેતાં .પરિણામે અમારી બાઉન્ડ્રીઓ અસમાન બની રહેતી.સ્ટમ્પ રોપવામાં એક જણ સ્ટમ્પને મૂળમાંથી, બીજો વચ્ચેથી પકડતો અને ત્રીજો માથેથી સ્ટમ્પને ઠોકતો ત્યારે તે પોતાનું સ્થાન ગ્રહણ કરતી . એ ઘટના અમને નરેન્દ્ર મોદીએ એન.ડી.એના સથવારે શપથગ્રહણ કર્યા અને જેટલી નિરાંત એમણે અનુભવી તેટલી અમને પણ થતી . એટલું ઓછું પડે તેમ લાગતાં અમે સ્ટમ્પની ચોમેર ધૂળનો ઢગલો કરી તેને મજબૂતાઈ બક્ષતા .(ક્યારેક સાનુકુળ સંજોગો ન મળતાં બાવળના લાકડાની દાંડી કે જે અમારી સ્ટમ્પ રહેતી તેની વચ્ચેથી બોલ પસાર થઇ જવાની ઘટનાઓ અનેક વખત બનતી .અનુભવના આધારે અમે તેમ બને તો બેટ્સમેનને આઉટ આપવાનું ઠરાવ્યું .પણ આ મુદ્દે જ અમારા સેંકડો ઝઘડા થયાં હતાં. ઝઘડા વખતે ક્રિકેટના સાધનો હિંસક હથિયારો બની જતાં .) સ્ટમ્પ રોપવાની સમગ્ર પ્રક્રિયા અમારા માટે લગ્નમાં મંડપ રોપવાની ક્રિયાથી લેશમાત્ર ઉણી ઉતરે તેમ ન હતી. , ફરક માત્ર એટલો જ રહેતો કે પેલાં મંડપ રોપણમાં મુહુર્ત જોવાતું જયારે અમારાં સ્ટમ્પ આરોપણમાં વડીલોની અમારા ઉપરથી નજર હટવાની રાહ જોવાતી . ‘ નજર હટી દુર્ઘટના ઘટી એમ નહિ , નજર હટી ક્રિકેટ ઘટી એમ ’.
આજે એ દિવસો અને ક્રિકેટ વિશેની સમજણ વિષે યાદ કરું તો મુર્ખામી કરતાં વધુ કાંઈ લાગતું નથી . દા.ત ઓવરનો પાંચમો બોલ ફેંકાય તે પછી છેલ્લો બોલ એમ હમ્પાયર(એમ્પાયર) દ્રારા ફરજીયાત બોલાતું , ઓસ્ટ્રલિયામાં આઠ બોલની ઓવર હોય છે , જેફ થોમ્પસન વિમાનની ઝડપે બોલ ફેંકે છે , બેટ્સમેન દ્રારા ફટકારવામાં આવેલો બોલ સામેના છેડે સ્ટમ્પ સાથે અથડાય તો અગિયાર રન (આજે બોલરનો હાથ અડે તો આઉટ ગણાય છે .) વગેરે વગેરે . ક્રિકેટની રમતમાં કેપ્ટન ઉપરાંત પટૌડીનું પદ હોય છે એવી અમારી દ્રઢ માન્યતા હતી અને એ પદ અમારી ટીમમાં અવશ્ય રાખતા . મોટેભાગે બેટનો બંદોબસ્ત કરનાર મિત્રને આ મહાન પદ મળતું .(પટૌડીનું પદ મહાન ક્રિકેટર મનસુરઅલીખાન પટૌડીનો પ્રભાવ હતો.)વાઈસ કેપ્ટનને અમે ભાષાશુદ્ધિના અભાવે વાસી કેપ્ટન કહેતાં.
અમારાં કેપ્ટનનો તો અલગ જ રૂતબો રહેતો .ઘરે ભલે બાપના ગડદા-પાટુંનો માર ખાતો ,ખેતરે જવાનું બહાનું કરી રમવા આવતો છતાં પણ ક્રિકેટના મેદાનમાં તે અમારા બધાના બાપ સમાન હતો . બહારગામની ટીમ સાથે મેચ વખતે એ ગામમાં પ્રવેશતી વખતે કેપ્ટન સહુ પ્રથમ ચાલતો , મધ્યકાલીન યોદ્ધો જેમ તલવારથી સજ્જ રહેતો એમ કેપ્ટનના હાથમાં બેટ રહેતું .હાથમાં બેટ કેપ્ટનની ઓળખનું પ્રતિક પણ હતું . તે બેટની સંભાળ નાના બાળક કરતાં પણ વિશેષ રાખતો .તે અને સામેનો કેપ્ટન પાંચિયું લઇ (ટોસની પૂર્વાવસ્થામાં તો અમે લીલ-સુક કરતાં , લીલ-સુક એટલે ઠીકરા ઉપર એકબાજુ થુંકવામાં આવતું અને બીજી બાજુ કોરું રખાતું . થુંકવાળો ભાગ લીલ અને વિપરીત ભાગ સુક ગણાતો . ભવિષ્યમાં કોઈ ઇતિહાસકાર ટોસનો ઈતિહાસ લખશે ત્યારે આ ઘટના ટોસની પૂર્વસુરિ હતી તે જાણે તે માટે જ અહી નોંધી છે .)મેદાનમાં ટોસ ઉછાળવા જતાં ત્યારે કેપ્ટન જાણે ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા જતો હોય તેમ શોભી ઉઠતો અને અમે ઈર્ષાથી બળી મરતા . ( ટોસ જીતનારી ટીમ સો ટકા બેટિંગ કરવાનું પસંદ કરતી કારણકે અમારી મેચોમાં આદીલ મન્સુરીની કવિતા ‘ નદીની ધૂળમાં રમતું નગર મળે ન મળે ’ની જેમ “ મેચમાં વિવાદ થતાં બેટિંગ મળે ન મળે ! ” બનવાની સંભાવના વધુ રહેતી .) આવા ગૌરવશાળી સમયમાં અમે ક્યારે કેપ્ટન બનીએ તેનાં સપના જોતાં રહેતાં . એક નેતાને ઉથલાવી નેતૃત્વ હસ્તગત કરી લેવાની પ્રવુતિઓથી રાજનીતિ હજુ જોજનો દૂર હતી , પણ જો એ સમયે શરૂ થઇ હોત તો કેપ્ટન્સી પામવા હું અવશ્ય એનો ઈતિહાસ રચયિતા બની શક્યો હોત !
અમારી ખેલભાવનાને પોષણ મળે અને ભારત દેશને ભવિષ્યમાં મહાન ક્રિકેટરો ઉપલબ્ધ થાય તે માટે ગામની બીજી ટીમો સાથે અને બહારગામની ટીમો સાથે મેચોનું આયોજન કરતાં .તે સમયે બહારગામની ટીમ સાથે મેચમાં રમવું એ ગૌરવની બાબત ગણાતી . એમાંય બહારગામ રમવા જવાનું હોય ત્યારે તો જાન લઇ પરણવા જવાનું હોય એટલો રોમાંચ થતો .(ભાડાના અભાવે અમે બે-ત્રણ ગાઉં ચાલી નાંખતા , એ અમારી નેટ પ્રેકટીશ )એ સમયે ટીમ સિલેકશનની પ્રક્રિયા આજની ભારતીય ટીમના ચયન કરતાં પણ વધુ પેચીદી રહેતી . ભારતીય ટીમના સિલેકશન અને અમારી ટીમના સિલેકશનમાં ફેર એટલો રહેતો કે અમે ગુણવત્તાને બદલે તાકાતવર ખેલાડીને પસંદ કરવા તરફ વધુ જોર આપતાં . રાત્રે મોડે સુધી તેની માથાપચ્ચી ચાલતી , કોણ વધુ અપીલો કરી શકે ? એમ્પાયરને વધુ ધમકાવવાનું કામ કોણ કરી શકે ? અને હારવાના સમયે બાહુબળથી મેચને પરિણામવિહીન કોણ બનાવી શકે ? ખેલાડીની પસંદગીમાં ભૂતકાળના આવા રેક્રોર્ડ ખાસ જોવાતાં.અત્રે મારે ખાસ ઉમેરવું જોઈએ કે અમારી ટીમમાં કિસાન કે ધરતીપુત્રોની સંખ્યા વધુ રહેતી અને અમારી મેચો પણ તેઓશ્રીની ફુરસદ પ્રમાણે ગોઠવાતી . આવા ખેલાડીઓ ખેતરના શેઢેથી સીધાં રમતના મેદાનમાં આરોહણ કરતાં . તાકતવર ખેલાડીને ટીમની બહાર રાખવાનું અમે મેચ દરમિયાન અને મેચ પછી જાહેરજીવનમાં અમારી સલામતી રહે તે કાજે પણ ટાળતા . આવા વ્યાપક ધોરણો ટીમની પસંદગી અને મેચના આયોજન પાછળ અમારા રહેતાં .ભાઈ-ભત્રીજાવાદ તો રાજકારણમાં હમણાં શરૂ થયો ,અમારી ટીમમાં તો પોણા ભાગની ટીમ એક અટકવાળા ખેલાડીઓની રહેતી . કારણકે આવા સમાન અટકધારી ખેલાડીઓ હંમેશા પેકેજમાં જ રમવા આવતાં . અમારી ૮૦ ટકા મેચો ઝઘડા કે મારામારી વગર પૂરી થઇ હોય એવું આજે મને યાદ આવતું નથી . એજ રીતે કોઈપણ મેચ શરત વગરની પણ રહેતી નહિ . રોકડ શરત હોય તો મહિના અગાઉથી બચત કરતાં તો અગિયાર રૂપિયાનો મેળ માંડ પડતો . ક્રિકેટમાં સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગ જેવાં અનિષ્ટોના મૂળ આવી આદ્ય પ્રવુતિઓમાં હોવાનો સુત્રોનો પ્રબળ મત છે .
આજે વર્ષ આખું ક્રિકેટ ચાલતું રહે છે .ક્રિકેટ સિવાય દેશમાં ચાલે છે શું એજ વિચારણીય પ્રશ્ન છે.અમારા ક્રિકેટપ્રેમના ભવ્ય અને ગૌરવવંત ઈતિહાસને મદ્દેનજર રાખતાં ફ્રેન્ચાયજીઓના ગુલામ તરીકે ખેલતા ક્રિકેટરો હવે અમને ક્રિકેટ જોવાનો અને રમવાનો આનંદ નથી આપતાં .તેમાં સાંપ્રત ક્રિકેટની સાથે અમારી ઉમરનો પણ વાંક(વધુ)પણ છે .
Comments
Post a Comment