સ્વાયત્ત આદિવાસી રાજ્યની ચર્ચા

                                                                                                                            અરુણ વાઘેલા 
                  પ્રોફેસર અને અધ્યક્ષ , ઈતિહાસ વિભાગ , 
                                     ગુજરાત યુનિ ., અમદાવાદ 
 આદિવાસી સ્વાયત્ત રાજ્ય : ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અને સાંપ્રત સંદર્ભ 
             ભારતમાં જગજૂની પ્રજા તરીકે આદિવાસીઓનું અસ્તિત્વ છે . અગાઉ આદિવાસી સમાજ એટલે સ્થિર , અચળ અને પ્રાથમિક સ્વરૂપનો સમાજ છે એવી ગેરમાન્યતા પ્રવર્તતી હતી . છેલ્લા ચારેક દાયકાઓથી આદિવાસી જીવનશૈલીનો વિવિધ દૃષ્ટિકોણથી અભ્યાસ થઇ રહ્યો છે , તેમાં સાંપ્રતમાં આદિવાસી ઓળખ ( Tribal Identity )નો મુદ્દો ખાસ ઉભરી રહ્યો છે .પ્રસ્તુત વિચારણાના સંદર્ભમાં આદિવાસી સ્વાયત રાજ્યનો મુદ્દો પણ મહત્વનો રહ્યો છે . તેનો ઈતિહાસ ઘણો લાંબો છે . અને ઈતિહાસ ઉપરાંત રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના સંશોધકો તેમાં પીએચ . ડી કે સ્વતંત્ર ગ્રંથ લખી શકે તેટલી શક્યતા પડેલી છે . ગુજરાતની જ વાત કરીએ અહી અઢળક માત્રામાં  આદિવાસી સ્વાયત રાજ્યની વિચારણા અને પ્રયાસો થયાં છે . તેમાં પુરવાર કરવો અઘરો બને તેવો આદિવાસીઓ મૂળનિવાસી અને બાકીના બહારના એવો સુષુપ્ત ભાવ પણ રહેલો છે . સ્વાયત્ત આદિવાસી રાજ્યની માંગણી પાછળ ભૂતકાળમાં અને સાંપ્રતમાં બિનઆદિવાસીઓ દ્રારા  આદિવાસીઓને થતાં અન્યાય અને પક્ષપાતી વલણ જવાબદાર છે .
           ગાયકવાડી આદિવાસી કલ્યાણ પ્રવુતિઓ (૧૮૮૫ – ૧૯૩૯) , ગાંધીવાદી રચનાત્મક કાર્યો (૧૯૨૨ – ૧૯૪૭) અને પંચમહાલમાં ભગત આંદોલન (૧૯૦૫ – ૧૯૩૧) તથા બીજી સુધારા પ્રવૃતિઓ પછી આદિવાસીઓમાં સામાજિક સ્તરીકરણ ( Social Stratification ) ની પ્રક્રિયાને વેગ મળ્યો હતો . ઉક્ત પ્રવુતિઓના લાભાર્થીઓમાં આદિવાસી સ્વાયત રાજ્યની સ્થાપનાનો મુદ્દો ઘણો બુલંદ રહ્યો છે . સ્વાયત્ત આદિવાસી રાજ્યની પછવાડે આદિવાસી – બિન આદિવાસી સંબંધો સારી રીતે વિકસી શકે જ નહિ એવો ગર્ભિતાર્થ પણ રહેલો છે . કારણકે આદિવાસી-બિન આદિવાસી વચ્ચે અંતર ભલે ઓછું થયું હોય પણ નષ્ટ તો નથી જ થયું એ નોંધવું રહ્યું .ભૂતકાળમાં તો આશાવલ ,સુન્થ , ઝાલોદ , ડાંગ , ગંગથા , સાગબારા , વાડી જેવાં અનેક નાનામોટા રાજ્યો  અસ્તિત્વ ધરાવતા હતાં .  એકાધિક નેતાઓ અને વિચારધારાઓએ સ્વાયત્ત રાજ્યનો ઉપાડ્યો હતો પણ સમાજશાસ્ત્રી  આઈ . પી . દેસાઈએ લખેલાં “ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સ્વાયત્ત રાજ્યનું સૂત્ર ”  ( સુરત , ૧૯૭૦ ) પુસ્તક અને છુટા છવાયા લેખોને બાદ કરતાં આ મુદ્દા પર શાસ્ત્રીય વિચારણા થઇ હોય તેવું જાણવામાં આવ્યું નથી . આ લેખમાં ગુજરાતના આદિવાસીઓમાં સ્વાયત્ત રાજ્યના ઇતિહાસ અને સાંપ્રત સંદર્ભની ચર્ચા કરવામાં આવી છે . 
               ગુજરાતમાં ૨૫ જેટલી આદિવાસી જાતિઓ અને અંદાજે ૯૦ લાખ જેટલું વસ્તીબળ ધરાવતા આદિવાસીઓનો સ્વાયત્ત આદિવાસી રાજ્યની  સ્થાપનાનો ઈતિહાસ ઘણો લાંબો, હિંસક – અહિંસક અને રોમાંચક રહ્યો છે . અહી આદિવાસીઓ એટલે બધી જાતિઓના આદિવાસીઓ ભલે તેમાં ન જોડાયા હોય પણ બહુમતી અને પ્રભાવી આદિવાસી જાતિઓના પ્રયાસોને આદિવાસી સ્વાયત્ત રાજ્યના ભાગરૂપે ગણવામાં આવ્યા છે . તેમાં સૌપહેલાં વાત કરીએ પંચમહાલના નાયક આદિવાસીઓની .
             આદિવાસી સ્વાયત્ત રાજ્યનો પહેલો પ્રયત્ન જાંબુઘોડા વિસ્તારમાં જોરીયા પરમેશ્વર (૧૮૩૮ – ૬૮) ના રૂપમાં પ્રાપ્ત થાય છે . આદિવાસીઓના જંગલના હક્કો વેઠપ્રથા , શાહુકારી શોષણ વગેરે મુદ્દાઓને લઇ તેણે આંદોલન ઉપાડ્યું હતું . તેનું આંદોલન બ્રિટીશ શાસન ઉપરાંત સ્થાનિક રિયાસતો અને જમીન-જાગીરદારો સામે પણ હતું . જોરીયાએ લડવૈયા નાયકાઓનું સુવ્યવસ્થિત તંત્ર તૈયાર કરી આરપારનો જંગ શરુ કર્યો હતો . તેનો ઈરાદો હાલોલથી લઇ છોટાઉદેપુર વચ્ચેની પટ્ટીમાં નાયકીરાજ (નાયક આદિવાસીઓનું રાજ્ય) સ્થાપવાનો હતો .જેતપુર , રાજગઢ , જાંબુઘોડા અને શિવરાજપુર ખાતે નાનીમોટી લડાઈઓ લડી અંગ્રેજ શાસનને મજબુત પડકાર આપ્યો હતો . પરંતુ જગત સત્તા બ્રિટન સામે તે વામણો પુરવાર થયો . તેનાં ગામ વડેકની આખરી લડાઈમાં જોરીયો પરાસ્ત થયો અને અંગ્રેજોએ અન્ય ચાર નાયક યોદ્ધાઓ સાથે જોરીયાને ફાંસીએ લટકાવી દીધો. સેંકડોની સંખ્યામાં નાયક યુવાનો શહીદ થયા તે જુદું . આમ આદિવાસીઓના પહેલાં સ્વાયત્ત રાજ્યના સપનાનું બાળમૃત્યુ થયું . બિરસા મુંડાની લગોલગ બિરાજે તેવો જોરીયા જેવો  કદાવર આદિવાસી નેતા બિનઆદિવાસીઓ માટે તો ખરો જ , ખુદ આદિવાસીઓમાં પણ વિસ્મૃત પાત્ર રહ્યો છે .
                        આદિવાસીના સ્વાયત રાજ્યનું બીજું ઉદાહરણ ભરૂચના તળાવીયાઓએ પૂરું પાડ્યું છે . લખા ભગત નામના એક ધાર્મિક ગુરુ તેમના નેતા હતાં . તેમની ગણતરી હતી કે જીલ્લાનો વહીવટ કરનાર કલેકટર જ સરકાર ગણાય અને તેને મારી નાંખીએ તો આપણું રાજ આવી જાય . તેને અમલમાં મુકવા તારીખ ૨૨ નવેમ્બર ૧૮૮૫ના રોજ તેમની ૧૫૦ માણસોની ટોળી ભરૂચના રસ્તાઓ પર સશસ્ત્ર નીકળી પડી .તેમણે ફરવા નીકળેલા પ્રેસ્કોટ નામના પોલીસ સુપ્રીટેન્ડન્ટને કલેકટર સમજી મારી નાંખ્યો અને ભરૂચમાં આવેલી બોમ્બે પ્રેસિડેન્સી બેન્ક પર હુમલો કર્યો . તળાવીયાઓએ તીરકામઠા અને તલવારોથી ભરૂચમાં ભય ફેલાવી દીધો . ત્યાં થયેલી ઝપાઝપીમાં બંને પક્ષે હતાહત થઇ હતી . થોડાં સમય માટે સંતાકુકડી ચાલ્યા પછી ૪૦ જેટલાં બળવાખોરો ઝડપાઈ ગયાં . તેમાંથી ત્રણને ફાંસી અને ૫૧ ને  જન્મટીપની સજા પછી તળાવીયાઓનું સ્વાયત્ત રાજ્યનું સપનું પણ અધૂરું રહ્યું . ગુજરાતના ઇતિહાસનો આટલો મહત્વપૂર્ણ ઉપક્રમ હોવા છતાં ડો. સી .સી . ચૌધરીના અપવાદને ગણતાં બહુ ઓછા સંશોધકોનું ધ્યાન તે તરફ ગયું છે . અત્રે એક બિનઆદિવાસી ઇતિહાસકાર તરીકે આદિવાસી સંશોધકોને આવાં વિસરાયેલા ઈતિહાસ પર લખવા માટે આહ્વાન કરું છું .
                 તળાવીયાઓનું પ્રકરણ પૂરું થયા પછી અનુક્રમમાં સ્વામિ ગોવિંદ ગુરુ અને ભગત આંદોલન (૧૯૦૫–૧૯૩૧) એ ભીલ રાજ્ય સ્થાપનાનો મહત્વપૂર્ણ મુકામ હતો . મૂળ તો ગોવિંદગુરુ (૧૮૭૪–૧૯૩૧) નામના વણઝારા જાતિના ગુરુએ આદિવાસીઓમાં સંપસભા નામનું સંગઠન ઉભું કરી તેઓમાં સામાજિક અને ધાર્મિક સુધારણાનું ઉત્તમ વાતાવરણ તૈયાર કર્યું હતું . તેમની સુધારા પ્રવુતિઓને પરિણામે લાખો ભીલો તેમનાં ભક્તો બન્યાં હતા . માંસાહાર – મદ્યપાનનિષેધ અને આદિવાસીઓના જંગલના હક્કો , વેઠપ્રથા જેવાં મુદ્દાઓ ઉપાડી ગોવિંદ ગુરુએ ભીલોની ચેતનાને ઝંકૃત કરી હતી . તેમની પ્રવુતિઓને પરિણામે દેશી રજવાડાઓ અને અંગ્રેજ સરકારની દારૂમાંથી થતી આવકમાં ધરખમ ઘટાડો થયો હતો . પ્રતિક્રિયારૂપે સ્થાપિત હિતો ભગત આંદોલનને કચડવા તૈયાર થયા . પરિણામે ગુજરાત અને રાજસ્થાનના સીમાડે આવેલાં માનગઢ ખાતે ભીષણ હિંસક સંઘર્ષ થયો . તેમાં સેંકડો ભીલો શહીદ થયાં હતા , માનગઢ હત્યાકાંડ જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતાં પણ વધુ કરુણ ઘટના ગણાય છે . ભગત આંદોલન થકી ઊભો થયેલો ભીલ રાજ્યનો વિચાર ભલે ચરિતાર્થ ન થયો પરંતુ લાંબા સમય સુધી આદિવાસી સ્વાયત્ત રાજ્યની સ્થાપનાનું પોષણ આદિવાસી અગ્રજો તેમાંથી મેળવતા રહ્યાં હતાં . આજે તો પંચમહાલ અને દક્ષિણ રાજસ્થાનનાં લાખો આદિવાસીઓ માટે માનગઢ ધામ અને ગોવિંદ  ગુરુ  પ્રેરણાસ્રોત છે .
              માનગઢ અને ભગત આંદોલનની સમાંતર યાદ કરાતી બીજી ઘટના મોતીલાલ તેજાવત (૧૮૮૮-૧૯૬૩)પ્રેરિત એકી ચળવળ અને દ્રઢવાવ હત્યાકાંડ છે .૭ માર્ચ ૧૯૨૨ના રોજ સર્જાયેલા દ્રઢવાવ હત્યાકાંડ એ એકી આંદોલનની કરુણાંતિકા હતી . આદિવાસીઓના સામાજિક–આર્થિક મુદ્દાઓને લઇ આંદોલન છેડનાર મોતીલાલે ભીલ સમાજની સમસ્યાઓનું સમાધાન ન આવતા ભીલરાજનો ઉપાય અજમાવ્યો હતો .પણ તેમનો આ પ્રયત્ન પણ ગોવિંદ ગુરુના ભગત આંદોલનની જેમ નિષ્ફળતાની કડી જ પુરવાર થયો હતો . અત્રે ઉલ્લેખનીય છે કે દ્રઢવાવ હત્યાકાંડમાં પણ શહીદોની સંખ્યા સેંકડોમાં હતી .
                   ૧૯૪૭માં રુમઝુમ કરતી આઝાદી આવી , પણ આદિવાસીઓ જેવાં અનેક વંચિત જૂથો માટે ભારતની રાજકીય આઝાદી કોઈ નવો સંદેશ લાવી ન હતી . ભારતમાં સત્તા પરિવર્તન જરૂર થયું હતું પણ આદિવાસીઓના હાલાતમાં કોઈ વિશેષ પરિવર્તન આવ્યું ન હતું . પરિણામે આદિવાસી સમસ્યાઓ અને સ્વાયત્ત રાજ્ય બાબતે નવેસરથી વિચારણા શરુ થઇ હતી , તેમાં કેટલીક વિચારસરણીઓએ આદિવાસીઓને ઈંઘણ પૂરું પાડ્યું હતું . આઈ . પી . દેસાઈએ તેમના અભ્યાસમાં સામ્યવાદી , પ્રજા સમાજવાદી પક્ષ અને સ્વતંત્ર પક્ષને સ્વાયત્ત આદિવાસી રાજ્ય આંદોલનના પોષક ગણાવ્યા છે .
              આઝાદી પછી આદિવાસીઓનું અલગ રાજ્ય હોવું જોઈએ તેનો સૌથી અસરકારક નમુનો કેસરીસિંહ ગામીતે પૂરો પાડ્યો છે . તેમની ચળવળ સતી પતિ અથવા આપકી જયવાળા કે આરતી સમાજ તરીકે પણ ઓળખાઈ હતી . કેસરીસિંહ મેટ્રિક પાસ અને આદિવાસી સમસ્યાઓની સારી સૂઝ ધરાવતાં હતાં . કેસરીસિંહે ૧૫ જેટલી પ્રાર્થનાઓની પણ રચના કરી હતી .દર પૂનમ અને અમાસના દિવસે હજારો અનુયાયીઓ તેમનો ધાર્મિક ઉપદેશ સાંભળવા વ્યારા તાલુકાના કટાસવણ ગામે આવતાં હતાં . દારૂ-તાડી અને માંસાહારનો ધિક્કાર  ,સાદું – નિષ્પાપ જીવન તથા બિનઆદિવાસીઓથી આદિવાસી સમાજ અને સંસ્કૃતિને કેવી રીતે બચાવવી એ તેમનાં ઉપદેશનો કેન્દ્રીય સુર રહેતો હતો .સતીપતિના અનુયાયીઓએ પોતે મૂળ નિવાસી હોવાથી  જમીન – મહેસુલ ન ભરવું , વીજળી બીલ ન ભરવું વગેરે સરકારી પ્રયોજનોને પડકારવાનું શરુ કર્યું , પરિણામે ઘણે ઠેકાણે સતીપતિના અનુયાયીઓ અને સરકારી કર્મચારીઓ વચ્ચે સંઘર્ષ પણ સર્જાયો હતો . સતીપતિના અનુયાયીઓપરસ્પરને મળતી વખતે ‘ આપકી જય ’ બોલી એકબીજાનું અભિવાદન કરતાં હતાં .શિક્ષિત આદિવાસીઓને  “ ભેંસોનું ટોળું બની રહેવું સારું કે ગધેડાઓનું “ એમ કહેનાર કેસરીસિંહ સતીપતિવાળાને શાસન ચલાવવાની સત્તા બ્રિટીશ શાસન દ્રારા મળી હોવાનું જણાવતાં હતા . ઇંગ્લેન્ડની મહારાણી સાથે તેઓ પત્રવ્યવહાર પણ કરતાં હતા . સતત હિંસક સંઘર્ષ પછી કેસરીસિંહે પોતાના કાર્યક્ષેત્રમાં તબદીલી કરી હતી . પાછળથી તેમનાં સંગઠનને આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ્ત સમાજ અને વંશીય સંબંધોનું બોર્ડ અને વિવાદ પતાવટ સમિતિ એવાં નામો આપ્યાં હતા . મતદાન ન કરવું ,વ્યવહારમાં હિન્દીનો ઉપયોગ , મૃત્યુ પસંગે રોવું – કુટવું નહિ અને દાદા ઉર્ફે કેસરીસિંહ ગામીતની હાજરીમાં સાદાઈથી લગ્નવિધિ વગેરે સતી પતિ આંદોલનના વિશેષ હતાં . આદિવાસી સ્વાયત્ત રાજ્યના ઈતિહાસમાં કેસરીસિંહનું કેસરીસિંહદાદા તરીકે આજે પણ આદરપૂર્વક સ્મરણ થાય છે
                આદિવાસી સ્વાયત્ત રાજ્ય સ્થાપનામાં કેટલીક રાજકીય વિચારધારાઓએ પણ ઝંપલાવ્યું હતું .ઉદા . તરીકે ૧૯૬૯માં ગુજરાતની વિધાનસભાની બજેટ બેઠકમાં પ્રજા સમાજવાદી પક્ષના સભ્ય અને ડાંગ વિસ્તારના નેતા શ્રી રતનસિંહ ગામીતે કહ્યું હતું કે હાલનું રાજ્ય ડાંગીઓનાં પ્રશ્નો હલ કરી શક્યું નથી , અમે ડાંગી સેના ઊભી કરી અલગ  રાજ્યની માંગણી કરીશું .તે પછી ડાંગના પાટનગર આહવામાં મે ૧૯૬૯માં આદિવાસી સ્વાયત્ત રાજ્યની માંગણી કરતી પરિષદ મળી હતી અને દક્ષિણ ગુજરાતમાં સ્વાયત્ત આદિવાસી રાજ્યનું સૂત્ર વહેતું થયું હતું .પાછળથી તેઓએ ડાંગના મહારાષ્ટ્રમાં વિલીનીકરણને બદલે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માંગ કરી હતી .તેઓ પાડોશના તાલુકાના ઢોડીયા આદિવાસીઓને પણ બહારના ગણતા હતાં ( જુઓ : આઈ .પી .દેસાઈ , પૃષ્ઠ .૧૭ )  આ જ  શુન્ખલામાં ૧૫ જુન ૧૯૭૦નાં  રોજ સ્વતંત્ર પક્ષના ચાર આદિવાસી ધારાસભ્યોએ સ્વાયત્ત આદિવાસી રાજ્યની માંગણી અર્થે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવાનું જાહેર કર્યું હતું . પંચમહાલ જીલ્લામાં ભીલરાજની માંગણી પૂર્વ સાંસદ શ્રી સોમજીભાઇ ડામોરે કરી હતી .રાજસ્થાન,મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભીલ બાહુલ્યવાળા વિસ્તારમાં ભીલ રાજ્ય સ્થાપવાની તેમની ખેવના હતી . તેણે થોડો સમય પૂર્વ ગુજરાતમાં હલચલ ઊભી કરી અને પછી દુધના ઉભરાની જેમ શમી ગયું હતું . ટૂંકમાં ગુજરાતમાં સ્વાયત આદિવાસી રાજ્યની સ્થાપનાનો ઈતિહાસ વિચારસરણી , નેતૃત્વ અને કાર્યપદ્ધતિની રીતે વિવિધરંગી રહ્યો છે .સાંપ્રતમાં આદિવાસીઓના પવિત્ર ધામ માનગઢ ખાતેથી સ્વતંત્ર ભીલ રાજ્યની માંગ શરૂ થઈ છે.
              આદિવાસીઓના સ્વાયત રાજ્ય રચનાના ૧૫૦ વર્ષના પ્રયાસોની ઝાંખી અહી આપણે જોઈ . તે પછી ભૂતકાળમાં થયેલી આદિવાસી રાજ્યની માંગને ન્યાયી ઠેરવવા કે નકારવા એવાં સવાલોમાં અહી પડવું નથી .પણ આદિવાસી રાજ્યની માંગ કરતી વખતે આટલાં મુદ્દાઓ ગાંઠે બાંધવા જેવાં છે : 
૧. આદિવાસીઓનું પોતાનું રાજ્ય બની જશે તો તેમની બધી સમસ્યાઓનું સમાધાન મળી જશે ? સ્વાયત્ત રાજ્યમાં આદિવાસી સમાજજીવન સમસ્યામુક્ત બની જવાનું હોય તો તે માટેના પ્રયાસો આજથી જ શરુ થઈ જવાં જોઈએ .
૨.ગુજરાતના આદિવાસીઓમાં ૨૫ જેટલા પેટા જૂથો છે .શું તે તમામ જૂથોને સ્વાયત્ત આદિવાસી રાજ્યમાં વિકસવાની સમાન તક મળશે ? કારણકે અહી મુખ્ય ધારાના  સમાજમાં આદિવાસી ઉત્કર્ષને અવકાશ નથી માટે સ્વાયત્ત આદિવાસી રાજ્ય જરૂરી છે એવો ખ્યાલ આદિવાસીઓની પ્રભાવી જાતિઓ દ્રારા  રજુ કરવામાં આવ્યો છે . આ પ્રકારની માંગણી સ્વાયત્ત આદિવાસી રાજ્ય બન્યા પછી તેમની સમસ્યાઓનું નિવારણ ન આવતા અન્ય જૂથો નહી કરે તેની કોઈ ખાતરી ખરી ? શું સ્વાયત્ત આદિવાસી રાજ્યમાં આદિવાસી સમાજ પેટાજાતિવાદમાંથી મુક્ત રહી શકશે ? 
૩. કોમ , ધર્મ , સંપ્રદાય અને ભાષાયી ધોરણે રચાયેલા રાજ્યો કે રાષ્ટ્રો તેમની સ્વાયતતાની માંગણી પહેલાની વિચારધારાને સ્વાયત રાજ્ય સ્થપાયા પછી કેટલી સાચવી શક્યા છે તેનાં ઇતિહાસમાં પણ લટાર મારવા જેવી છે . ઉદા . તરીકે આપણું પાડોશી પાકિસ્તાન અને બાલ્કન સમુદ્રના કાંઠે વસેલા કેટલાક રાજ્યો . 
૪ .ગુજરાતમાં સ્વાયત્ત આદિવાસી રાજ્યના અનેક સૂચિતાર્થો હતા . તેનાં માટેની માંગણી ખુદ આદિવાસી સમાજમાંથી ઓછી અને બાહ્ય પરિબળોથી પ્રેરિત વધુ હતી . કહો કે આદિવાસીઓના ખભે બંદૂક મૂકી સ્વાયત્ત રાજ્યનો પણ પ્રયત્ન થયો હતો .એ જે પણ રાજકીય પરિબળોથી પ્રેરિત હોય એ ખરું પણ તેનાથી આદિવાસીઓની રાજકીય અને  પ્રજાકીય સભાનતાને ઉતેજન મળ્યું એ પણ નક્કર વાસ્તવિકતા છે .
૫ . આદિવાસી સ્વાયત રાજ્યની ખેવનામાં જે જે નેતાઓએ રણશિંગું ફૂંક્યું હતું તેમાં મોટાભાગના કિસ્સાઓમાં આદિવાસી અનુયાયીઓએ બહુ મોટી કુરબાની આપવી પડી હતી . તે જોરીયાનું નાયક આંદોલન , તળાવીયાઓની ચળવળ , માનગઢ આંદોલન કે છેલ્લે કેસરીસિંહ ગામીતની સતી પતિ ચળવળ હોય તેમાં મોટા પ્રમાણમાં જાનહાનિ થઇ હતી . પંચમહાલમાં નાયક જેવી જુજારું જાતિ તો નાયકીરાજના પ્રયાસોમાં કાળની ગર્તામાં વિલીન થઇ ગઈ હતી .સાંપ્રતમાં આદિવાસી સ્વાયત્ત રાજ્યની વિચારણા એ આજે કશું કરી છૂટવા થનગની રહેલી , વૈશ્વિક ફલક પર ડગલા માંડી રહેલી યુવા આદિવાસી પેઢીને રીવર્સ ગિયરમાં નાંખવા જેવી પ્રવુતિ બની શકે તેમ છે . ઇતિહાસ એ માનવ અનુભવોની પ્રયોગશાળા છે , અતીત એ શીખવા અને પદાર્થપાઠો મેળવવાનું ઠેકાણું છે , ભૂલોને દોહરાવવાનું નહિ   એ આદિવાસીઓ અને વંચિતો માટે સમયનો તકાદો પણ છે .
                સારો વિકલ્પ એ છે કે ભારતીય સંવિધાનમાં આદિવાસીઓના ઉત્કર્ષ માટે થોકબંધ જોગવાઈઓ થઇ છે . તેનો આદિવાસી સમુદાયોએ વધતે ઓછે અંશે લાભ પણ લીધો છે . એ આપણે કેમ પામી શક્યા ? આજ પરંપરામાં બાકીના બંધારણીય હક્કો આદિવાસીઓ કેમ ન મેળવી શકે ? હિંસક સંઘર્ષોનો દોર ક્યારનોય પૂરો થઇ ચુક્યો છે.  તેમાં આદિવાસીઓનાં ફાળે ગુમાવવા સિવાય કશું જ આવ્યું નથી .હવે બંધારણીય માર્ગ અને કુટનીતિનો રાજકીય માર્ગ બચ્યો છે . કયા માર્ગે જઈશું ?

                    સંદર્ભ સાહિત્ય 

૧. આઈ .પી .દેસાઈ , દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સ્વાયત્ત રાજ્યનું સૂત્ર , સુરત , ૧૯૭૦ 
૨ . અરુણ વાઘેલા , સાંસ્થાનિક ગુજરાતની આદિવાસી ચળવળો , યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ , અમદાવાદ , ૨૦૧૯ 
૩ . સંજય પ્રસાદ ,અરુણ વાઘેલા અને  અન્ય ( સંપા .), ગુજરાતની આદિવાસી ચળવળોનો ઈતિહાસ , અમદાવાદ , ૨૦૧૯ 
૪. ઈશ્વરલાલ દેસાઈ , રાનીપરજમાં જાગૃતિ , સુરત , ૧૯૭૧ 
૫ . આદિલોક ( દ્રીમાસિક ) , જુલાઈ – ઓગસ્ટ ૨૦૧૦ માં ‘ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ પર સતી પતિ પંથનો પ્રભાવ ’ નામનો ડો . રાજેશ ગામીતનો લેખ .
૬.અરુણ વાઘેલા ,આઝાદીના જંગનો આદિવાસી રંગ : ૧૭ નવેમ્બર ૧૯૧૩ ,માનગઢ હત્યાકાંડ ,અમદાવાદ ,૨૦૧૨
૭.અરુણ વાઘેલા , વિસરાયેલાં શહીદો : પંચમહાલનાં નાયક આદિવાસીઓનો આઝાદીનો જંગ ,અમદાવાદ ,૨૦૧૬

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ