રાષ્ટ્રવાદનો રંગ ખબરદારની કવિતામાં

                    અરુણ વાઘેલા

       રાષ્ટ્રીય અસ્મિતાનો રંગ: ખબરદારની કવિતામાં

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતી સાહિત્ય અને ખાસ તો ગુજરાતી કવિતાની પોતાની આગવી ભૂમિકા રહી છે. ઈ.સ ૧૯૦૫ ના સ્વદેશી આંદોલનથી શરૂ કરી ગાંધીજીએ 'કરેગે યા મરેંગે' નો નારો આપ્યો તે 'હિંદ છોડો' આંદોલન સુધી સ્વતંત્રતાના રંગે રંગાનારા, બીજાને રંગનારા, જીવનમાં સ્વતંત્રતા અપનાવી એને પોતાના કવિત દ્વારા પ્રજાજાગૃતિનું મહત્વનું કામ કરનારા અનેક કવિઓ ગુજરાતે આપ્યા છે. રાષ્ટ્રના ધબકારમાં પ્રાણમાં ગુજરાતી રાષ્ટ્રવાદી કવિતા અને કવિઓએ પણ પોતાનો ધબકાર ઝીલ્યો હતો, જેમાં અરદેશ ર ફરામજી ખબરદાર (૧૮૮૧–૧૯૫૩) વગર ગુજરાતી રાષ્ટ્રવાદી કવિતાની વાત અધુરી છે.
" જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત", "ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત", " અમે દેશી, દેશી, દેશી આ દિવ્ય અમારો દેશ " જેવી ખબરદારની પંકિતઓએ ઈરાનથી ગુજરાત આગમન વખતે પારસીવડા દસ્તુર ને રીયો સંગે સંજાણના જાદી રાણાને આપેલું વચન............" માં હમે હિન્દુસ્તાન રા યા બાશીમ" (અમે તમારા આખા હિંદુસ્તાનના મિત્ર થઈ ૨હીશું) અને 'Parsi Thy name is charity' જેવી ઉકિત પણ સાર્થક કરી હતી. કવિ ખબરદારે લગભગ ૨૦ જેટલાં કાવ્યસંગ્રહો ગુજરાતને આપ્યા છે. જેમાં દેશભકિત વિષયક કાવ્યો ' પ્રકાશિકા' કાવ્યસંગ્રહથી પ્રાપ્ત થાય છે. અન્ય દેશભકિત વિષયક કાવ્યસંગ્રહોમાં 'વિલાસિકા' (૧૯૦૫), 'સંદેશિકા' (૧૯૨૫)' ભારતનો ટંકાર' (૧૯૧૯), 'રાષ્ટ્રીકા' (૧૯૪૦), 'ગાંધી બાપુનો પવાડો' (૧૯૪૮), 'ગાંધી બાપુ' (૧૯૪૮) વગેરે મુખ્ય છે.
ગુજરાત જયારે સુષુપ્ત અવસ્થામાં હતું, એના રાજકીય વાતાવરણમાં વિવિધ સૂર નીકળતા હતા, ગણી ગાંઠી વ્યકિતઓ 'હોમરૂલ' જેવી સંસ્થાઓ દ્વારા સભાઓ ગજવી લોકમત કેળવતી હતી, ગાંધીજીને હજુ પુરું ગુજરાત પણ ઓળખતું ન હતું, ત્યારે શત્રુઓને હણ્યા વગર કે તેમનું લોહી રેડયા વગર નીડરતાથી યુદ્ધ કરવાની વાત સૌ પ્રથમ ખબરદારે કરી હતી, વિવેચકો તો કવિ હંસરાજને 'પરદેશી ભૂખ્યા ટોપીવાળાના ટોળાં ઉતર્યા ' એ માટે સજા થઈ, એ અગાઉ ખબરદાર દ્વારા લખાયેલાં '૨ત્નહરણ' કાવ્યને વધારે રાષ્ટ્રવાદી ગણે છે. ' દલપતરામ  એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન ' ના કાવ્ય પ્રવાહમાં ખબરદારના ' રત્નહરણ' કાવ્યનું ઊંચું મહત્વ અંકાવું જોઈએ. ઈ.સ. ૧૯૧૫ માં ગાંધીજીના સ્વદેશ પરત અને અસહકારનાં આંદોલન પહેલાં ધણાં રાષ્ટ્રીય ગીતો – કાવ્યો ખબરદારે લખ્યા. ઉપરાંત સ્વતંત્રતા આંદોલનનો એવો કોઈ ભાગ્યેજ પ્રસંગ હશે કે જેના પર ખબરદારે કવન ન કર્યું હોય !
કવિ ખબરદારના કવિતના પ્રરંભમાં દેશભકિતનાં કાવ્યો કરૂણરસમાં લખાયેલાં છતાં તેમની સમગ્ર કવિતાઓમાં વીર રસનું પ્રભુત્વ દેખાય છે. શરૂઆતની કવિતાઓમાં કરૂણરસના પ્રાધાન્યનું કારણ તત્કાલીન મવાળવાદી રાજનીતિ નેજ ગણવું ૨હયું. મવાળવાદીઓએ . કરેલી આજીજીઓ - વિનંતીઓનો પડઘો પાડતી આ કાવ્યપંકિત...જૂઓ.......
                                                 "  પાય  પડયા વીનવ્યા,
કંઈ કંઈ શું હૃદય હીનને ૨ટવું ?
આજ પડયા રગડાવા રણમાં
ના હઠવું, ના હઠવું દુ:ખમાં ''
ઉદાર રાજનીતિના યુગમાં અને શરૂઆતના કોગ્રેસીઓની પદ્ધતિથી પ્રેરીત થઈ ખબરદાર પણ ઉદારવાદી વિચારસરણી અને બ્રિટીશરાજમાં શુભનિષ્ઠા ધરાવતાં, તેનું એક ઉદા. ....
અમ હૃદય શૌર્ય - અંગાર નથી હોલાયો
સમયે દાવાનળ સમો ઉલટશે ચાહ્યો !
બ્રિટનની ધજાની હેઠે અમે ઘૂમીશું! 
જય જય જય જય જયકાર રણે જ કરીશું !

પરંતુ સમયના વહેણ સાથે કવિનું માનસ પલટાતું ગયું અને અત્યાર સુધીની અંગ્રેજરાજમાંની તેમની શુભનિષ્ઠા લુપ્ત થતી ગઈ. તેનું ઉદાહરણ... 'ભારતનો ટંકાર ' કાવ્યસંગ્રહ માં બ્રિટીશ ભકિત, રાજભકિતને બદલે માતૃભકિતનાં સ્વરૂપમાં દેખાય છે.
નવજીવનનું આહવાન કરતાં લખે છે,
" રણશિંગા ફૂંકાય, નહી હો, શુરા થકી રહેવાય !
સ્વર્ગજ ઉધડયા શૂરા કાજે, ધસો ધસો, રણમાંય !
જીત કર્યું નવજીવન જડશે , ભારતના સદભાગ્ય ઉધડશે
કે ૨ણમાં પડતાં પ્રભુ સાંપડશે !
ઓ વીરા ! રે આવી જાઓ રણશિંગા "
એ રીતે તેમની દેશભકિત ધર્મભકિતયુકત દેખાય છે, અને દેશભકિત જયારે 'રાજદ્રોહ' ગણાતી ત્યારે ધર્મયુકત દેશભકિતના પોષણથી ભારતનો સાચો વિકાસ થવાનું સ્વપ્ન પણ સેવ્યું હતું.
પોતાની કવિતાની શરૂઆતમાં કરૂણરસના પ્રાધાન્ય વિશે ભારતનો ટંકારમાં લખે છે કે.. 
                                             એક કેસરીની ત્રાડે તો, દીસે વનવસ્તી,
એક વીરરસની મસ્તીમાં કરૂણતણી કયાં હસ્તી ?
" ભારત અને ગુજરાતમાં ગાંધીજીના આગમન પહેલાં ગુજરાતી કવિતામાં પ્રબળ દેશ ભકિતનો સૂર ભાગ્યેજ સંભળાતો ત્યારે રાષ્ટ્રપ્રેમની કવિતામાં મર્દાનગી અને કુરબાનીનો ભાવે ખબરદારના આગમનથી શરૂ થયો હતો.
ખબરદારની,...
'' સિં હ તણાં સંતાન તમે હો સિંહ તણાં સંતાન !
 દૂધ તમે જે ધાવ્યા તે તો હતું અમી રસપાન !
    અરે હો ! હતું શૌર્ય રસપાન ખરે હો ! કરે મગજ મસ્તાન
ભલા હો ! ગાજો સિંહ સમાન કરો વીરા જયો જયોજી."
અને ........
શુંરા રણમાં ઝુકાવો છાતી ફૂલે ભ૨પૂ૨
રણમાં લડવું મ૨દાઈ થકી, રણમાં પડવું બહાદુ૨ !
" જેવી કાવ્યપંકિતઓ તો કદાચ એક વખત ભાવકની શ્રદ્ધા દેશસેવા માટે ડગમગતી હોય તો પણ સબળ બનાવે તેવી છે.
કવિ ખબરદારે પોતાની સર્જનયાત્રા દરમ્યાન દેશભકિતના વિપુલ પ્રમાણમાં કાવ્યો લખ્યા. જેમાં 'ભારતનો ટંકાર', 'રાષ્ટ્રીકા' અને 'ગાંધીબાપુ' જેવાં કાવ્યસંગ્રહો તો નરી દેશભકિત નીતરતી હોય તેવાં છે. રાષ્ટ્રવાદની ભૂમિકા જે તબકકાઓ પર ઉભી થાય છે તેવા પ્રકારની ભૂમિકા તેમણે પોતાના કાવ્યસંગ્રહ 'ભારતનો ટંકાર' માં દર્શાવી છે. 'સ્વપ્ન', 'મનન', 'ગુંજન' અને ગર્જન', જેવાં ચાર વિભાગોમાં ક્રમશઃ ભૂતકાલીન ગરિમા, કવિની તત્કાલીન નિરાશા – વિષાદ, આત્મભાન અને છેત સ્વદેશપ્રેમનું આલેખન કરી, પ્રાચીન ભારતીય વૈભવ અને તત્કાલીન દીનતા વચ્ચેની વિષમતા બતાવી ભારતનાં ઉદ્ધાર માટે પ્રેરણા આપી છે. તેમનાં આ કાવ્યો તત્કાલીન યુગની મૂર્તિમંત ભાવના સમાન છે. ઈ.સ. ૧૯૦૨ માં અમદાવાદમાં મળેલી હિંદી રાષ્ટ્રીય મહાસભામાં તેમનાં ' ભારત સમાજની ભક્તિ' અને હિંદનો વિજયડંકો' જેવાં કાવ્યો વહેંચાયા હતા. .
તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પ્રસંગોપાત જે કાવ્યો લખ્યા તેમાં ઈ.સ. ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહ દરમિયાન લખેલું આ કાવ્ય..ખાસ ઉલ્લેખનીય છે.
ભર ભર મારું ખપ્પર, ભૈયા, એ ભારતવાસી !
ઘર-ઘર ભીખુ હરનિશ ફરતી હું જુગ જુગની પ્યાસી,
ખપ્પર ભરો ભરો હો ! 
અને જેને પુરતી પ્રસિદ્ધિ નથી મળી તે....
" થંભો થંભો ! રવિ, શશી, તારા, સુ૨વ૨, મુનીવર થંભો
જગતે જુદ્ધ ન જોયું તે જોવા ઘડીભર થંભો" 
'દાંડીકૂચ' નિમિત્તે, લખાયેલાં આ કાવ્યમાં અહિંસક યુદ્ધની પ્રબળતા દર્શાવી છે તો ભારતમાતાનું સ્થાન પણ કવિની નજર માં ઘણું ઊંચુ છે........ 
“આકાશ બધા ઘો વીંધી
આ ફોડી ઘો પાતાળ ,
ખોળો પૃથ્વીના પોથાં
ભાળો ખોલી ખોલી ઉરકાળ
ભારત જેવી પ્રિય માતા છે જગમાં બીજી કોઈ ? 
ખબરદારની કવિતા જોતાં તેમાં બે પ્રકારના ગીતો-કવિતાઓ જોવા મળે છે. એક ભારતનો મહિમા વર્ણવતી અને ભારતવાસીઓને સ્વાતંત્ર્યપ્રાપ્તિ અર્થે પ્રોત્સાહિત કરતી કવિતાઓ અને બે, ગુજરાતનો મહિમા ગાતી તથા ગુજરાતી તરીકેનું ગૌરવ દેખાડતી કવિતા. આ દરેકનું પોતાનું આગવું સૌંદર્ય છે. તેમની ગુજરાતની અસ્મિતા, રાષ્ટ્રીય અસ્મિતાને પોષક બની રહી છે.

ઈ.સ. ૧૯૦૭ માં સપ્ટેમ્બરમાં મુંબઈમાં મળેલી બીજી સાહિત્ય પરિષદમાં ગાયેલું આ ગીત.... 
" ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત
નમીયે, નમીયે માત અમારી ગુણવંતી ગુજરાત
મોંધેરા તુજ મણિમંડપમાં ઝુકી ગયા અમ શીશ :
માત મીઠી ! તુજ ચરણ પડીને માંગીએ શુભ આશિષ. "
અને........”
જયાં જયાં વસે એક એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત 
જયાં જયાં ગુજરાતી બોલાતી ત્યાં ત્યાં ગુજરાતી મહોલાત " 
તો લોકજીભે કહેવતો જેવાં બની રહ્યાં છે.
ગુજરાત શું છે ? ગુજરાતી કેવો છે. એનું પ્રતિબિંબ પાડતી તેમની આ કાવ્યપંકિતઓ જૂઓ: 
' ગુર્જ૨ વાણી, ગુર્જર લહાણી
ગુર્જર શાણી રીત જે
જંગલમાં પણ પણ મંગલ કરતી,
ગુર્જર ઉદ્યમ પ્રીત''
કવિ ખબરદારે જીવનના ધણાં બધા વર્ષો ગુજરાત બહાર વીતાવ્યા હોવાં છતાં કોઈ ગુજરાતીને ન હોય તે કરતાં અનેકગણું ગૌ૨વ તેમણે ગુજરાત અને ગુજરાતી પ્રજા માટે ધરાવ્યું છે. છતાં તેમના ગુજારાતને લગતા કાવ્યોમાં પોતાનો આંધળો પ્રદેશ પ્રેમ જણાતો નથી.ખબરદારની કવિતામાં વહેતા રાષ્ટ્રભકિત તથા ગુર્જર ભકિતના સમાંતર પ્રવાહો પરસ્પર વિરોધી નહીં, પણ પૂરક છે. તેથી તો કવિએ ગુજરાતને ' શુભ હિંદની વાડી ' તરીકે ઓળખાવ્યું છે.કવિ ખબરદારની ગુજરાત પ્રીતિમાં કશું અજુગતુ ન ગણી શકાય. કારણ કે પ્રાદેશિક ભકિતને રાષ્ટ્રભકિતનો એક તબકકો જ માનવો જોઈએ. અને મનુષ્યનો દેશપ્રેમ પ્રાદેશિકતાના માધ્યમ દ્વારા વિસ્તરીને સમગ્ર રાષ્ટ્રની કક્ષાએ પહોંચવાની મથામણ જ હોય છે. તેમના ગુર્જર પ્રશસ્તિના કાવ્યોમાં ગુજરાતને ભારતથી અલગ જોવાની વૃત્તિ નથી. તેથી તે રાષ્ટ્રપ્રેમમાં બાધક નહીં, પરંતુ સમગ્ર દેશ માટેના પ્રેમભાવને પરિપૃષ્ટ કરે છે. અને આમ પણ ગુજરાતના મહાપુરૂષોનું સ્મરણ, ગુજરાતનું પ્રાકૃતિક સૌંદર્ય, ગુજરાતી ભૂતકાલીન ગરિમા અને એનાં ભાવિ ગૌરવ વિશેની આશા વગેરેના ગુણગાન તત્કાલીન કવિતામાં સામાન્ય ગણાતું. એ રીતે ખબરદારનો ગુજરાત પ્રેમ ભારત પ્રેમને પોષક અને ઉપકારક છે. એના સમર્થનમાં આ કાવ્યપંક્તિ......
.''ગુજરાતના શૂરા અમે ગુજરાતીઓ !
થઈએ શું ભારતદેવીનાં યશઘાતીઓ ?"
 અને..... ' અમે હિંદી, હિંદી, હિંદી, છે હિંદ અમારો દેશ. " પંકિત પણ 'ગુણવંતી ગુજરાત' જેટલી જ પ્રસિદ્ધ છે.
ગાંધીજી પ્રત્યે ખબરદારને એક અદમ્ય ખેંચાણ હતું. જે તેમનાં કાવ્યોમાં ઠેરઠેર દેખાય છે. ઈ.સ. ૧૯૪૮ માં ' ગાંધીબાપુનો પવાડો (Ballad)લખ્યો ગાંધીજીની નોંધ ભવિષ્યની પેઢી માટે જળવાઈ રહે અને દેશની પવિત્ર મૂડી બની રહે તેવા ચોકકસ હેતુથી તેની રચના થઈ છે. માત્ર પ્રશંસાત્મક શૈલીમાં નહીં પણ ગાંધીજીના જીવન ક્રમને તારીખ, વાર સહિત આલેખ્યો છે. તેમણે લખ્યું છે કે " બાપુના મહાન પુણ્યજીવનની ઐતિહાસિક કથા જનલોકને માટે સદા જળવાઈ રહે તે હેતુથી આ 'ગાંધીબાપુનો પવાડો' મેં લખ્યો છે. ["પવાડો વિશિષ્ટ પ્રકારનો સાહિત્ય પ્રકાર છે, જેમાં પ્રબંધ અને રાસાની જેમ કોઈ એક મહાપુરૂષનું જીવનચરિત્ર કે પ્રશસ્તિ જોવા મળે છે. ઐતિહાસિક બનાવોનું લાંબુ વર્ણન કરતી કવિતાને પણ 'પવાડો' (Ballads) કહેવામાં * આવે છે.] એના જેવોજ 'ગાંધીબાપુ' (૧૯૪૮) ગાંધી ભકિતનું દર્શન કરાવતો બીજો કાવ્યસંગ્રહ છે. આ સર્વ ગીતો પાછળનો હેતુ મહાપુરૂષોની ગાથા ગાવાનો નહીં, પણ દેશવાસીઓને યથોચિત બોધ અને માર્ગદર્શન આપવાનો છે. ગાંધીજીના વિશાળ વ્યકિતત્વને નિરૂપતી તેમની આ કાવ્યપંકિતઓ......

લાખ તારા જગે વ્યોમ વેરાઈને ચંદ્રની ચાંદની તે ન પૂરે,
હસ્તિના પાદમાં સર્વ પગલાં શમે, સર્વ નેતા શમ્યા બાપુ નૂરે,"
તો....." એક હિમાલય ઊભો તારો ડોક ખડી રાખી આકાશ,
એક ગીતા જગનું ધારણ ને, એક અહિંસા જગની આસ,
એક મહાત્મા ગાંધીથી તું, હે માડી ! થઈ ધન્ય નિદાન.'
પંક્તિઓમાં હિમાલય, ગીતા, અહિંસાના માધ્યમથી ગાંધીજીની અનન્યતા દર્શાવી છે.
ખબરદારની જેમ ગાંધીજીએ પણ કવિની પ્રત્યે સ્નેહભાવ દાખવ્યો હતો. ૯ જુલાઈ ૧૯૩૯ ના રોજ ખુદ ગાંધીજી પણ કવિની તબિયત જોવા તેમનાં ધરે (મદ્રાસ) ગયા હતા. કવિની બિમારી અને ભયંકર આર્થિક સંકડામણની ગાંધીજીને જાણ થતાં કવિને નિયમિતપણે આર્થિક સહાય મળતી રહે તેવી જોગવાઈ પણ કરી હતી. ઈ.સ. ૧૯૧૫ માં ગાંધીજીના સ્વદેશાગમન સમયે મદ્રાસમાં પણ ખબરદારને ગાંધીજીનો સત્કાર સાંપડયો હતો.તેમની વચ્ચેના આવા અતુટ બંધનને કારણે કવિએ ગાંધીજીની હત્યાના પ્રસંગને કરૂણતાની ચરમસીમાએ પહોંચાડી દીધો......
*
" ઉડતા વાયુ થંભી ગયા, થંભ્યા વાદળ યે વ્યોમ,
થંભી થંભી સિંધુ પૂછતો : આજે રોતી શે ભોમ"
"આંસુડાં  સાથ સ્વન ખર્યા. ''
તો ગાંધીજીની સ્મશાનયાત્રા નિમિતે લખાયેલી તેમની આ પંકિતઓ.....

...''આવ્યો આઝાદીના અમૃતનો કુંભ જયાં 
અમૃતનો પાનારો ચાલી ગયો, 
સૂર્ય વધાવવાને ઉષા પધારી ત્યાં 
ઉષાનો રંગ નહીં એકે રહયો." 
                              'બાપુજીને હણ્યા હિંદના હિંદુએ ને, રહયું જગત એ જોઈ કાંપી"
તો કરુણતાની પરાકાષ્ઠા દર્શાવે છે .
કવિ ખબરદારનાં વિભૂતિગાન પાછળનો મુખ્ય હેતુ મહાપુરૂષોની પ્રશસ્તિ કરવાનો નહીં, પણ ભારતવાસીઓને એમનાં જીવનકાર્યમાંથી યોગ્ય પ્રેરણા અને માર્ગદર્શન આપવાનો જ દેખાય છે. તેમની ગાંધીભકિત એક દૃષ્ટિએ જોતાં દેશભકિતના પર્યાય રૂપેજ ગણી શકાય. ગાંધીજીનો મહિમા વર્ણવતા પણ તેમનાં બલિદાન, સત્ય, અહિંસા, સાદાઈ, સદાચારનો જ મહિમા વર્ણવ્યો છે.
કવિ અરદેશર ખબરદાર પોતે ગુજરાત અને ભારત માટે લઘુમતી ગણી શકાય તેવી કોમમાંથી આવેલા. આમ તો ઈરાનથી પારસીઓ આવેલાં એટલે પરદેશી પણ ગણી શકાય, તેમ છતાં તેમનાં કવિતમાં લધુમતીપણું કે વિદેશી હોવાની આછી છાંટ પણ દેખાતી નથી. તેમના કાવ્યોમાં તત્કાલીન સમયમાં ધીરે ધીરે ઊભી થઈ રહેલી કોમવાદી ભાવનાને ઠારવાનો પ્રયત્ન પણ દેખાય છે. ૧૯૦૨ માં 'હિંદનો વિજયડંકો’ કાવ્યમાં હિંદુસ્તાનને મજબૂત બનાવવા માટે હિન્દુ - મુસ્લિમ– પારસી અને ખ્રિસ્તીઓ સહુને 'બનો સહુ એક રહી સંપ' નો સંદેશ આપ્યો. એ રીતે કોમી એકતાના માધ્યમથી રાષ્ટ્રીય એકતાની હિમાયત કરીછે .
     ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ સ્ત્રીઓના યોગદાન થી પણ રળિયાત છે. ઈ.સ. ૧૯૩૦ ની સવિનય કાનૂન ભંગની લડત દરમ્યાન સ્ત્રીઓ માત્ર રસોડાની રાણી નહીં બની રહેતાં સ્વરાજયપ્રાપ્તિ માટે એક અનિવાર્ય અંગ સમાન બની રહી, પરંતુ તે પહેલાં ગુજરાતણોમાં સ્વાતંત્ર્યનો જુસ્સો જગાડવા અને પુરૂષો સાથે ખભેખભા મિલાવી લયસિદ્ધિ માટે ખબરદારની કવિતાઓએ પ્રેરણા આપી એનાં ઉદાહરણ તરીકે, .......
....." ઓ રણ શૂરીગુજરાતણો !
પ્રતિભા પૂરી ગુજરાતણો !
(શું એજ કે
ધરને ચકે રીબતી ઝૂરી ગુજરાતણો? )
પડખે અમારે રહી રહે સહુ વેદના,
રણદેવી શું ફૂંકે ઉરે અમ ચેતના ,
ગૌરવ-પ્રભા-મહિમાવતી વીરત્વ તમ ઝબકાવજો !
તમ કુખ પાકયા મોતીડાં અમ દેશને દીપાવજો.
જેવી ભારતીય સ્ત્રીઓ માટે પ્રયોજેલી ઉપમાઓમાં ભારતીય નારીશકિતને તો બિરદાવી છે, સાથે સમગ્ર સ્ત્રી સમાજની શકિત અને સામર્થ્ય પણ વ્યકત થયાં છે.
  સાંપ્રત વિવેચકો એવી વાત કરે છે કે, " ખબરદારની કવિતામાં લાગણીની તીવ્રતા છે, પણ કવિતાની ઊંચી સપાટી કવિ સિદ્ધ કરી શકયા નથી, " આ ટીકામાં સ્વરાજયયુગના કવિ તરીકે અને ખબરદારની કવિતાઓનું રાષ્ટ્રવાદ જગાવવામાં પ્રદાન એ બાબત જોવાને બદલે કાવ્યકલાના લક્ષણો દ્વારા સ્વરાજયયુગના કવિને મૂલવવાનો પ્રયાસ થયો છે. અહીં એક પ્રશ્ન પણ ઊભો થાય છે કે, લોકજીભે કહેવતો જેવી બની ગયેલી કવિ ખબરદારની આવી ઉમદા પંકિતઓથી વિશેષ કવિતાની બીજી કઈ ઊંચાઈ હોઈ શકે ? ઉપરની સામાન્ય ટીકાઓને બાદ કરીએ તો કવિ ખબરદારના દેશભક્તિના કાવ્યો સ્વરાજયયુગના તેજસ્વી પૃષ્ઠ સમાન છે. તેમની રાષ્ટ્રભકિત ક્ષણિક આવેગ, આવેશ કે ગુસ્સાના વચનો પૂરતી નથી પણ તે રાષ્ટ્રવાદના મોટા ધોધ સમાન છે. એની સાબિતી ઈ.સ. ૧૯૦૨ માં મળેલા કોંગ્રેસના અમદાવાદ અધિવેશનથી મળે છે. આ સંમેલનમાં તેમના 'ભારત સમાજની ભક્તિ' અને 'હિંદનો વિજય ડંકો' નામના બે કાવ્યો વહેંચાયા હતાં. ઈ.સ. ૧૯૧૭ ની ગોધરામાં મળેલી પ્રથમ રાજકીય પરિષદમાં પણ તેમનું 'ગુણવંતી ગુજરાત' કાવ્ય ગવાયું હતું. તો બારડોલી સત્યાગ્રહ દરમિયાન તેમના કાવ્યોએ લોકોને ભારે ઘેલું લગાડયું હતું.

ટૂંકમાં" કવિ ખબરદારની રાષ્ટ્રવાદી કવિતાઓએ સ્વરાજયયુગમાં તત્કાલીન પરતંત્ર સમાજને જાગૃત કરી ધડવાનું, સત્યાગ્રહોને લોકપ્રિય બનાવી ગુલામીના બંધનોને ફગાવવાનું, પુરૂષાર્થમય સાંસ્કૃતિક ગૌરવ અને પ્રાદેશિક અહંભાવ વગરનો ગુજરાત પ્રેમનો પ્રાદુભાવ જેવી ઉમદા ભૂમિકા નિભાવી છે. ગુજરાતમાં ગુજરાતની અસ્મિતા અને દેશભકિતના પૂર વહેવડાવવાને કારણે લેડી વિઘાબેન નીલકંઠ તરફથી તેમને 'ગુજરાતી કવિ' નું બિરૂદ મળ્યું હતું. ગુજરાતના ઈકબાલ' નું બિરૂદ પણ તેઓ પામ્યા હતા . કવિ અરદેશર ખબરદારની રાષ્ટ્રવાદી કવિતાઓના પ્રતિસાદરૂપે આના કરતાં વધુ સબૂતો હોઈ શકે?

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ