હાસ્યલેખ, ખબરઅંતર
અરુણ વાઘેલા
ખબર અંતર
“ કાં બાપુ શું થઇ ગયું ? આમ અચાનક ? હજુ અઠવાડિયા પહેલાં તો આપણે મળ્યાં હતાં ! , મહિના પહેલાં મળ્યાં ત્યારે તો તમે ઘોડા જેવાં હતાં , તમારા ઘરે આવ્યો ત્યારે તો તમે કચરા-પોતા કરી પરસેવાથી રેબઝેબ થઇ ગયાં હોવા છતાં કપડાં નહોતા સુકવતા ? “
દવાખાનામાં દર્દીની ખબર અંતર પૂછવા જતાં માણસોમાંથી ૯૦ ટકા દર્દીને આવા અથવા આનાથી ભળતા સવાલો કરતાં હોય છે.હવે ખબર પૂછવા જનારને એ ખબર નથી હોતી કે સાયન્સ અને ટેકનોલોજીના ઉચ્ચતમ જમાનામાં એક-બે મિનિટમાં તો દુનિયામાં કેટકેટલી ઊથલપાથલ થઇ જતી હોય છે તો તારો આ કહેવાતો સ્વજન ઘરના ખાટલેથી દવાખાનાના ખાટલા સુધી ન પહોચી શકે ?
આપણા સમાજમાં વ્યવસાય ,જ્ઞાતિ,જાતિ અને ઘર્મ કે સંપ્રદાય જેવાં વિભાજનો સાથે એક બિનવ્યવસાયી વિભાજન પણ થયેલું છે અને તે ખાસ વર્ગ ખબર અંતરિયાઓનો છે . જેઓ હંમેશા બીજાઓની ખબર પૂછવા કે કાઢવા આતુર હોય છે .આવા નિયમિતપણે ખબર અંતર પૂછવા જનારા ખબર અંતરિયાઓને ચાર થી પાંચ જેટલાં બૃહદ પેટા પ્રકારોમાં વહેચી શકાય તેમ છે ...
એક , આ પ્રકારમાં દર્દીના નજીકના સગાઓનો સમાવેશ થાય છે .તેઓ દરરોજ દવાખાને જઈ ફરજના ભાગરૂપે ચહેરા પર પરાણે કરુણતા ધારણ કરી બેઠાં હોય છે .
બે ,આ પ્રકારના ખબર પૂછનારા દર્દી મરી તો નહિ જાય ને ? આપણે ખબર પૂછવામાં મોડાં તો નહિ પડીએ ને ? આપણે ખબર પૂછ્યા પહેલાં દર્દી મરી જશે તો આપણને અપજશ આવશે . એ પહેલાં ખબર પૂછી લઈશું તો તેના બેસણામાં આપણે છાતી ઠોકીને કહી શકીશું કે હું હોસ્પિટલમાં ખબર પૂછવા ગયો ત્યારે તો નર્સ સાથે લળી લળીને વાતો કરતાં હતાં , એ પછી કલાક સુધી તો તેઓ શેરડીના સાંઠા ચૂસતા હતાં .
ત્રણ ,આ એવો અજોડ વર્ગ છે કે મિત્ર મંડળ , જ્ઞાતિજનો કે ગમે ત્યાંથી , ખૂણે-ખાંચરેથી શોધી કાઢે છે કે કોને ક્યાં દાખલ કર્યા છે ?,કેટલો સમય કાઢશે ?એ જ્યાં દાખલ થયાં છે ત્યાં આપણા બીજા નજીકના કોઈ દાખલ છે ?એવી વિશાળ પ્રમાણમાં સંશોધનાત્મક માહિતી મેળવી દવાખાના તરફ ખબર અંતર પૂછવા પ્રસ્થાન કરે છે .આ એવો વર્ગ છે કે તેઓ દર્દીઓના ખબર અંતર પૂછવા હંમેશા આતુર રહે છે એ એટલે સુધી કે ક્યારે કોઈ માંદુ પડે ને આપણે ખબર પૂછવા જઈએ . અઠવાડિયામાં એકાદ વખત કોઈની ખબર પૂછવા ન જવાય તો પોતે માંદા પડી જાય તેવો આ સંવેદનશીલ વર્ગ છે .
ચાર , આ વર્ગ રીવર્સ પ્રીતિ-પ્રેમભાવવાળો વર્ગ છે .એ માત્ર એ ભાવનાથી દવાખાનામાં દર્દીની ખબર પૂછવા જાય છે કે સાજો તો નહિ થઇ જાય ને ? બચી તો નહિ જાય ને ? બચવાનો ચાન્સ હશે તો આપણે ક્ષતિપૂર્તિ કરી દઈશું .
ઉપરના બધા ખબર અંતરીયામાં એક સર્વસામાન્ય લક્ષણ એ જણાય છે કે તેઓ દર્દીની ખબર અંતર પૂછવા કરતાં પોતે વિનયન વિદ્યાશાખાના ત્રીજા વર્ગના સ્નાતક હોવા છતા મેડીકલ સાયન્સનું કેટલું અગાધ જ્ઞાન ધરાવે છે તેનું પ્રમાણ આપવા જાય છે .તેને દર્દીના દુઃખ -દર્દ ,આર્થિક સ્થિતિ બધા કરતાં પોતાના વૈદકશાસ્ત્રના જ્ઞાનના પ્રદર્શનમાં વધુ રસ હોય છે . તેઓ દર્દી ઉપર કોઈ ઉપકાર કરતાં હોય તેમ દવાખાને પહોચશે .બેટ્સમેન પીચ પર પહોચ્યાં પછી પીચ , ફિલ્ડીંગ વગેરેનું નિરીક્ષણ કરે તેમ આ ભાઈ પણ દર્દી,તેના ખાટલા-ચાદર-તકિયા,આજુબાજુનું વાતાવરણ,ગ્લુકોઝ્નો બોટલ,ટોપલીમાં પડેલા ફળો , બાજુના ખાટલે ઉભેલી નર્સ વગેરેનું બારીક નિરીક્ષણ કરશે . કોઈ સિદ્ધપુરુષ વશીકરણ શક્તિથી માણસને સાજો કરવાનો હોય તેમ દર્દી સામે દિવ્ય દષ્ટિ પણ ફેંકશે .મસાના દર્દીને થાપા પર ટપલી મારી દર્દીના સગાને પૂછશે ...’ “ડોક્ટર આવી ગયાં ?
દર્દીના સગા હાં પડે તો તરત કહેશે .... “ અરે મને આવવા તો દેવો હતો ?’
હજુ દર્દીના સગા બીજું કાઈ પૂછે એ પહેલાં તો કહેશે .. તમે ખોટા અહી કે.ડી માં લાવ્યા , દિલ્હી એઈમ્સમાં લઇ જવાની જરૂર હતી , ત્યાં એક વોર્ડ બોય મારો ખાસ સંબંધી છે.” (મસાના ઓપરેશનમાં એઈમ્સમાં જવાય ?, અને વોર્ડ બોય બીલ ઓછું ન કરાવી શકે ? આમેય દર્દી તો આયુષ્યમાન કાર્ડમાં અહી દાખલ થયાં છે. એઈમ્સવાળા આવા કાર્ડવાળાને દાખલ કરે ?) ડોકટરે ભલે મસાનું કીધું હોય પણ તમે હળવાશથી ન લેતાં , કારણકે આજકાલ મસામાં મરવાવાળાની સંખ્યા પણ નાનીસુની નથી . વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે દર વર્ષે સાડા ત્રણ લાખ મસાના દર્દીઓ મૃત્યું પામે છે , તમારો સમાવેશ આવા દર્દીઓમાં ન જ થવો જોઈએ ! અરે ! મોતનું પણ સોલીડ કારણ હોવું જોઈએ ! હાર્ટ એટેકથી મોત આવે તો બેસણામાં પણ કેટલો વટ પડે ! મસામાં મરનારા માટે તો ઘરવાળા ય બેસણામાં કારણ આપતાં શરમાય !
દર્દી જો હૃદયરોગી હોય તો આવા આર્ટસ કોલેજનો દરવાજો પણ નહિ દીઠેલા ખબર અંતરિયા સલાહ સૂચનો આપવામાં સોળે કળાએ ખીલે છે .દર્દીની મેડીકલ ફાઈલમાંથી ઈ.સી.જી , ,લોહી તો ખરું જ પેશાબના રીપોર્ટ પણ ફેંદી નાંખશે , ઈ.સી.જી જોવા બારી પાસે જશે , ચશ્માં સાફ કરશે , બીજું કાંઈ ન સમજાતા કહેશે .....
“ઈ.સી.જી રીપોર્ટમાં કાગળ કેટલો હલકો વાપર્યો છે સાલાઓએ ..., એક્સ-રે જોઈ કહેશે ... આમાં સફેદ દેખાય છે એટલું સારું છે અને કાળું દેખાય છે એ બધું સડી ગયું છે .”
ડોક્ટરોના લખેલાં પ્રિસ્ક્રીપ્સન બીજા ડોકટરો અને મેડીકલ સ્ટોરવાળાને ઉકલતા નથી એને વાંચવાનો પણ મિથ્યા પ્રયત્ન કરશે ... દવામાં પણ ડહાપણ દેખાડ્યા વગર નહિ રહે .....
પેરાસીટામોલ રોજની એક જ આપે છે ? , ડોક્ટરને કહેજો કે મથુરભાઈ આવ્યાં હતાં અને રોજની અઢી ડઝન લેવાનું કહ્યું છે , આ ગોળી તો બહુ સસ્તી આવે છે ,એમાં શીદ કરકસર કરતાં હશે ડોકટરો ? “
પોતે ખબર અંતર પૂછવા આવેલા દર્દીની જ ખબર પુછાય તો એવી લુખ્ખી ખબર પૂછવાનો શો મતલબ ?એટલે આવા મહાનુભાવો આજુબાજુના આઠ-દશ દર્દીના ખાટલે પણ ફરી વળશે .એમને થયેલાં કે લાગુ પાડવામાં આવેલાં દર્દની ઐતિહાસિક સંદર્ભમાં ચર્ચા કરશે .એ ખાટલે અચાનક ડોક્ટર આવી ચડે તો આપણા આ ખબર અંતરિયા ભાઈ પોતાનાથી મોટા પ્રાણીને જોઈ કુવામાંનો દેડકો પાણીમાં સરકી જાય તેમ મુળસ્થાને પરત ફરી જાય છે .
છેલ્લે જતાં જતાં પોતે કેવી વિષમ પરિસ્થિતિમાં દર્દીની ખબર પૂછવા આવ્યો તેની સીલસીલાબંધ રજૂઆત ન કરે તો સાંજે ઘરે જઈ રોટલા શેના ગળે ઉતરે ? .... “ આજે સવારે જ મને ખબર પડી કે તમને એટલે કે મોહનલાલને દવાખાનામાં દાખલ કર્યા છે , મને થયું કે મોહનલાલ જેવાં મારા જુના મિત્રને દાખલ કર્યા હોય ને હું ઘરે બેસી રહું ?સવારે નાસ્તો કરતાં કરતાં જ નક્કી કરી નાંખ્યું હતું કે આજે ગમે તે થાય પણ તમારી ખબર લઇ જ નાંખવી , ’ પણ તમે જાણો છો ને કે સરકારી કચેરીઓમાં આખા વર્ષના કામો માર્ચનાં અંતમાં જ થાય છે , જમીને ઓફીસ જવા નીકળ્યો પણ મનમાં વિચારો તો તમારાં જ આવતા હતાં .( મોહનલાલ મનમાં બબડ્યા કે.... વિચારમાં રસ્તા પર વાહન સાથે ભટકાણો હોત તો અહી મને ન ભટકાત !) બિચારા મોહનલાલે કોઈનું શું બગાડ્યું હતું કે તેમને દવાખાને દાખલ થવું પડે ? હું માનું છું કે આપ મદ્યપાન કરો છો પણ હું આપના મદ્યપાનની મર્યાદા પણ જાણું છું ., જુગટું રમવામાં પણ તમે કેટલા નીતિવાન છો એની તો આપણી મંડળી દર જન્માષ્ટમીએ સાક્ષી છે જ . અરે ! તમે દવાખાનામાં રીબાતા-કણસતા હો અને મને દુઃખ ન થાય તો કોને થાય ? આખો દિવસ ઓફિસમાં ચેન ન પડ્યું , મન બહેલાવવા ચાર-પાંચ વખત ચા પીધી સાથે નાસ્તો કર્યો , ટિફીન તો રીસેસ પહેલાં જ પતાવી દીધું હતું પણ પ્રત્યેક ક્ષણે તમારો ચહેરો દેખાતો હતો .રોજ ઓફીસ પછી કલાક ટોળટપ્પા મારીએ (ઘરે ઓફિસમાં વધુ કામ હોવાનું બહાનું કાઢીને) પણ આજે તો બધાને કહી દીધું ભાઈબંધી જાય તેલ લેવા આજે મારે તમારી એટલે કે મોહનલાલની ખબર કાઢવા જવાનું છે .પછી તો પૂછશો જ નહિ ઓફીસથી ઘરે અને ઘરેથી જમવાનું પતાવી આ તમારી સામે ! “
છેલ્લે ભાવિ આફતના ઓળા મિત્ર સામે ન ઉતરે તો એવી ખબર પૂછવાનો પણ શો મતલબ ?....” જુઓ મોહનલાલ આજકાલ હાર્ટ એટેક તો આલિયા માલિયાને પણ આવે છે તમને આવે તેમાં શું નવાઈ ? પહેલાં ત્રણ આવતાં હતાં હવે એકમાં જ પતી જાય છે.પણ તમે સહેજેય ગભરાશો નહિ .દેશમાં હોસ્પિટલોની કોઈ કમી નથી ,ડોકટરો રાહ જોઇને જ બેઠાં હોય છે .અમદાવાદમાં સેવન સ્ટાર હોટલ જેવી હોસ્પિટલો છે , અહી સારું નહિ થાય તો દિલ્હી એઈમ્સમાં જતાં રહેજો ,મને રજા મળશે તો હુંય તમારી ભેગો આવીશ(તમારા ખર્ચે) , ખર્ચાની ચિંતા ન કરશો , હમણાં જ નિવૃત થયાં છો તો ગ્રેજ્યુઇટી , પી.એફ અને રજા રોકડના પૈસા આવ્યાં હશે ને ? અત્યારે કામ નહિ લાગે અને આપણા માટે ઉપયોગમાં નહિ લઈએ તો કોના માટે લઈશું ? ”
આમ દવાખાનાના ખાટલે પડેલા દર્દીના દર્દમાં ભાવિ આર્થિક આફતની એન્ધાણીઓ આપી આપણા ખબર અંતરિયા ભાઈ ગૌરવભેર સ્વગૃહે પ્રસ્થાન કરે છે ,જેમ વર્લ્ડ કપની ફાઈનલમાં છક્કો મારી ધોની પેવેલિયનમાં જતો હોય તેમ . દર્દી અને તેના સગા માટે તો આવા ભાષણો સાંભળ્યા સિવાય છૂટકો ય કયાં હોય છે ?
(એક સંદર્ભિત વાત : એક ડોકટરે ટીવી પર ઈન્ટવ્યુંમાં કહ્યું હતું કે હદયરોગના દર્દીની દવાખાને ખબર પૂછવા ન જાવ એજ એની ખબર પુછવા બરાબર છે.
Comments
Post a Comment