તમારે વિદ્વાન થવું છે ?હાસ્યલેખ

                   અરુણ વાઘેલા 
                 તમારે વિદ્વાન થવું છે ?

અનાદિકાળથી માનવજીવનની વિશેષતા રહી છે કે ,આ દુનિયાનો પ્રત્યેક માણસ કોઈને કોઈ મહત્વાકાંક્ષા સાથે જીવે છે . જેમાં બેફામ પૈસા કમાવવાની , અમર્યાદિત સત્તા હાંસલ કરવાની આકાંક્ષાઓ બહુ જ સામાન્ય છે . ઉદા.તરીકે હું અબજોપતિ બની જાઉં !, મારાં બંગલામાં ચાર-પાંચ લક્ઝુરીયસ ગાડીઓ પડી હોય અને દરેક ગાડીનો નોખો ડ્રાઈવર હોય , અમદાવાદ એરપોર્ટ પર મારું પ્રાઇવેટ જેટ અને મારાં ઘરના ધાબાં પર મારું હેલિકોપ્ટર પાર્ક થયેલું હોય , હું કેન્દ્ર સરકારમાં મિનિસ્ટર હોઉં અને દિવસમાં ત્રણ વાર પ્રધાનમંત્રી મને ફોન કરી મારું માર્ગદર્શન માંગે તથા હું ધારું ત્યારે સરકાર ગબડાવી શકું અને ઈચ્છું ત્યારે સરકારનું ગઠન પણ કરી શકું .(બિલકુલ નીતિશકુમારની જેમ !) વગેરે વગેરે . એનું કારણ આપણા સહુમાં લિયો ટોલ્સટોયની વાર્તા ‘ How much land does a man need (એક માણસને કેટલી જમીન જોઈએ ?)’ નો લાલચુ પાહોમ પડેલો છે .
ઉપરની એષણાઓ સાથે સાંપ્રતમાં જ્ઞાની કે વિદ્વાન ગણાવાની કે ખપવાની એષણા ઉમેરાઈ છે.(ખાસ તો નિવૃત્તિ બાદ સરકારી અધિકારીઓમાં)પણ દરેકને સમય-સંજોગો સાથ આપતાં નથી. પરિણામે તેઓશ્રીનું વિદ્વતજનોની પંગતમાં બિરાજવાનું સપનું અધરું રહી જાય છે . જો તમારે વિદ્વાન બનવું કે જ્ઞાની તરીકે ખપવું હોય તો મારી પાસે સેંકડો ઉપાયો છે . પણ આપ ઓલરેડી વિદ્વાન બની ચુક્યા હોવ કે પ્રસ્થાપિત કરાવી ચુક્યા હોવ તો સવાલ નથી, બાકી ચાલો મારી સાથે ......
જ્ઞાની કે વિદ્વાન બનવા માટે ઉમર અને જ્ઞાનને સ્નાનસુતકનોય સંબંધ ન હોવા છતાં સામાન્યપણે આપની ઉમર ૬૦ વર્ષ કરતાં વધુ હોવી કે લાગવી જોઈએ એવું મારું નમ્રપણે માનવું છે  કારણ , જ્ઞાનવૃદ્ધો માટે ગુજરાતના જ્ઞાનજગતમાં કોઈ જગ્યા નથી .અગર તમારી ઉમર ૬૦ની નથી છતાં તમને ઉપર મુજબનો ધખારો થતો હોય તો વાળ ધોળા કરવાની ડાઈ લગાવી શકાય .સાહિત્યના કાર્યક્રમમાં કે સેમિનારમાં ધોળી ડાઈ લગાવવાનું કદાપિ ભૂલવું નહિ.ઘર સિવાય લઘરવઘર અવસ્થામાં રહેવું ,માથાના વાળ વિખરાયેલી સ્થિતિમાં રાખવા , બને તો પુરુષ હોવાં છતાં માથામાં પાછળ ચોટલો વાળવો અને પોતે આ ફાની દુનિયામાં ભૂલથી આવી ગયાં હો એવી તમને જોનારાઓને સતત અનુભૂતિ કરાવવી .આટલી બાહ્ય લાક્ષણીકતાઓ કેળવી હવે આપણે આગળ વધીએ .
મારાં મતે જ્ઞાની કે વિદ્વાન બનવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ કોઈ હોય તો આપ કોઈ સમારંભના વક્તા તરીકે જાવ તે સંજોગ . મારી આ વાત વાંચી તમને કદાચ થાય કે ..’ આપણને તો વળી વક્તા તરીકે કોણ બોલાવે ? ’ ,સામેવાળાએ બુદ્ધિનું એટલું દેવાળું ફૂંક્યું છે?પણ તમારે ગભરાવાની જરૂર નથી .કારણ, હું તમારી પડખે  પહાડ જેવો ઉભો છું ને ! આપે પણ કોઈ એવાં જ આપણા જેવાં ધખારા હૈયામાં લઇ ફરતાં મહાનુભવને તમારી શાળા-કોલેજ કે તમારો પ્રભાવ હોય તેવી સંસ્થામાં ભાષણ કરવા બોલાવવા ! પણ એટલું પુરતું નહિ રહે , તેની સાથે બદલામાં તેમની સંસ્થામાં પણ ભાષણકર્તા તરીકેનું પાક્કું વચન લઇ લેવું .(બને તો ભાડા-ભથ્થાનું પણ !)આ તો અહો ધ્વનિ , અહો રૂપમ જેવું છે ભાઈ .
 શાળા-કોલેજ કે સંસ્થામાં તમારાં ભાષણનું નક્કી થયાં પછી નિવૃત્તિ પછી તમારું સૌથી મોટું કામ ભલે ઘરમાં માખી નિવારણનું હોય પણ છતાં સમયની અત્યંત અછત વચ્ચે કાર્યક્રમ નક્કી કરતાં હો તેમ દિવસ નક્કી કરવો . કાર્યક્રમના દિવસે ,કાર્યક્રમ સ્થળે સમયસર પહોચી જવું પણ હાંફળા ફાંફળા હોલમાં જવાના બદલે આજુબાજુ પાનના ગલ્લે કે ચાની કીટલીએ અવળા ઉભા રહી ઘટિત કરતાં રહેવું . કાર્યક્રમ શરૂ થવાની મિનિટો બાકી હોય ત્યારે પહોચી ‘ હું મોડો તો નથી પડ્યો ને ’ કહી અફસોસ વ્યક્ત કરવો . સાથે પોતે કેવી વિપરીત પરિસ્થિતિમાં સ્વગૃહેથી સભાસ્થળે પહોચ્યાં તેનું દિલધડક વર્ણન કરવું .કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્રારા વિધિવત પ્રારંભ થાય તે દરમિયાન સંપૂર્ણ ગંભીર રહેવું . સંચાલકશ્રી તમારો સવિસ્તર પરિચય (આમાંય ના , ના કરતાં લાંબો લચક બાયોડેટા લગતા-વળગતાને વોટ્સએપ કરી દેવો અને હાર્ડકોપી રૂબરૂ આપવી .)આપી ન રહે અને ‘ હવે છગનભાઈ આપણને ભોજા ભગતના ચાબખા વિષે ચોપડાવશે ’ તેમ ન બોલે ત્યાં સુધી તમને ત્રીવ વાછૂટ આવી હોય તો પણ પગ પણ ફેરવવો નહિ . પોડિયમ પર પહોચ્યાં પછી તમને સાહિત્યના ‘ સ ’ કે ઇતિહાસના ‘ ઈ ’ની પણ ખબર ન હોય તો પણ ચિંતા નહિ કરવાની . લઘુતાગ્રંથિને ઘરેથી નીકળતી વખતે સાબરમતી નદીમાં , તમારા રસ્તામાં આવતાં નદી-તળાવ કે રોડ પર ભૂવા તો હવે બારેમાસ હોય છે તેમાં પધરાવી દેવાની ! 
વક્તવ્ય શરૂ કરતાં પહેલાં તમારે એમ જ માની લેવાનું કે સામે બેઠેલાં શ્રોતાઓ ,સર્વ મનુષ્યો અજ્ઞાનના ઘોર અંધકારમાં સબડી રહ્યાં છે. તેમનામાં જ્ઞાનની દિવ્ય રોશની ફેલાવવાનું પવિત્ર કામ પરમકૃપાળું પરમાત્મા એ ખાસ ફોન કરીને આપને સોંપ્યું છે . ભાષણ શરૂ કરતાં પહેલાં શ્રોતાવૃંદમાં દિવ્યદ્રષ્ટિ નાંખતા હો તેમ ઉડતી નજર નાંખી લેવાની . ઓળખીતા-પરિચિતો કયાં બેઠાં છે ,તે બેટ્સમેન ગેપ શોધી કાઢે તેમ શોધી કાઢવાના ! અને તેમના નામોલ્લેખ સાથે (કમ સે કમ એટલાં તો તમારી વાતમાં ધ્યાન આપે અને તમારાં સંભાષણ દરમિયાન જાગતા રહે !)તમારે ભાષણ ઝીંક્યે જવાનું . આયોજકના ભરપુર વખાણ કરવાના .તમે ભલે વ્યાખ્યાન આપવાની ઘેલછા સાથે આયોજક સંસ્થામાં ધાડપાડુ લુંટ કરતાં પૂર્વે રેકી કરતો હોય તેમ આંટાફેરા મારતાં હો પણ બંનેનું ગૌરવ જળવાઈ રહે તે રીતે બોલવાનું . ......’ મથુરભાઈએ જ્યારે એમની સંસ્થામાં વ્યાખ્યાન આપવા માટે ફોન પર મારી અનુકુળતા પૂછી ત્યારે હું શેક્સપિયરનું ‘ રોમિયો અને જુલિયેટ ’ પૂરું કરવાની તૈયારીમાં હતો . (પછી ભલે તમે પત્નીએ ચિન્ધેલું ડુંગળી કાપવાનું કામ કરતાં હો ! કે બાળ સામયિકમાં ‘ સાત પૂંછડીયાં ’ ઉંદરની વાર્તા વાંચી રહ્યાં હો !)આ વાત રજુ કરતી વખતે શેક્સપિયર અને રોમિયો-જુલિયેટનો સબંધ પણ તપાસી જવો . ઉતાવળમાં શેક્સપિયરના બદલે મેઘાણીના નામે ખતવી ન નાંખવું . સાથે આયોજકના પિતાજી કેટલાં મોટા શિક્ષણશાસ્ત્રી હતાં , તમે જે સંસ્થાના આશ્રયે વ્યાખ્યાન આપી રહ્યાં છો તે સંસ્થા કેટલી જૂની અને મહાન છે વગેરેનું વર્ણન કોઇપણ પ્રકારની કંજુસાઈ વગર કરવું .
આટલો સ્વર્ણિમ અધ્યાય પત્યાં પછી પહેલો ઘા સુરાનો એ ન્યાયે આજની ફિલ્મો , પશ્રિમી સંસ્કૃતિ અને મોબાઈલ કલ્ચર ઉપર તૂટી પડવાનું .અમુક કહેવતો પણ ગોખી નાંખવી .ઉદા.તરીકે ...’ આજની યુવાની પાનની પિચકારીમાં રેલાઈ રહી છે ’ ,આજની યુવાનીની આંખે મોબાઈલરૂપી ચ્યુઇગમ ચોંટી ગયુ છે . વચ્ચે....” આપણે મોટી-મોટી વૈજ્ઞાનિક શોધખોળોની વાતો ઠોકયા કરીએ છીએ પણ પગરખાંની સગતળી , સાયકલના સાઈડ સ્ટેન્ડ અને કારના સીટબેલ્ટની શોધ કોણે કરી હતી તેની આપણને ખબર છે ?” આવો હોમવર્કરૂપી મમરો મુકવો. સાથે જ રોમાનિયાના સિસ્તોકસ નામના નગરમાં એક યુવક ગ્રંથાલયમાંથી પુસ્તકો ચોરી ભાગતો હતો અને ગટરના ઢાંકણા સાથે પગ ભટકાતા દોઢ મહિનો હોસ્પિટલમાં રહેલો ત્યારે નગરના મેયર તેને રોજ ટિફિન આપવા અને તેની ખબર પૂછવા જતાં હતાં તેવી તદ્દન બનાવટી વાત ‘ વોશિંગ્ટન પોસ્ટ ’ નાં હવાલાથી કરવી . વળી પાછા પાશ્ચાત્ય સંસ્કૃતિને પછાડી વેદ-પુરાણ અને ઉપનિષદોના શરણે ચાલ્યાં જવું . પ્રાચીન સંસ્કૃત સાહિત્યની મહત્તા દેખાડતા ગોખેલો સંસ્કૃત શ્લોક સંભળાવી દેવો . એટલેથી તમારી કારી ફાવતી ન લાગે તો શ્રોતાઓને પાંચ હજાર વર્ષ પહેલાથી આજસુધીનાં ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિમાં આકરી રઝળપાટ કરાવવી . એમને સ્થળ-કાળનું ભાન ભુલાવી દેવું . સમય તો સાપેક્ષ છે ,આપણી સંસ્કૃતિમાં સમયનો ખ્યાલ ચક્રીય છે, રેખીય નથી તેમ વારંવાર કહેતા અને અનુભૂતિ કરાવતાં રહેવું .
આયોજકોએ તમને ભોજા ભગતના ચાબખા પર વક્તવ્ય આપવા માટે નોતર્યા હોય તો ય તમારે સમગ્રલક્ષી દ્રષ્ટિકોણથી વ્યાખ્યાન આપવાનું . ઉદા.તરીકે તમારે શ્રોતાઓને સ્વતંત્રતા આંદોલનની સેર કરાવવાની.પોતે નાના હતાં ત્યારે અંગ્રેજોનો વિરોધ કરવા કેવી રીતે હાથબનાવટના બોમ્બ ટપાલપેટીમાં મુકતા હતાં અને દેશ માટે સમર્પિત હતાં તેવી બનાવટી વાત પણ અત્યંત નમ્રતાથી રજુ કરવી.આમેય શ્રોતાઓને કયા તમારી ઉમર કે જન્મતારીખની ખબર પડવાની છે . તમે આ અપ્રાસંગિક અને અઘટિત ઘટના રજુ કરશો ત્યારે તમે ધોળી ડાઈમાં કરેલું રોકાણ મ્યુચ્યુઅલ ફંડની જેમ વળતર આપશે .આ સાથે પોતાના કુટુંબીઓને પણ અમર બનાવવાની તક ઝડપી લેવી .આ રીતે ....’ મારા પિતાજી એટલે પિતાજી ...,પૂજ્ય ગાંધી બાપુની દેશ માટે હાકલ પડી અને પિતાજીએ ઘર-બાર , બૈરી-છોકરા (અને લેણદારો)ને પણ છોડી દેશસેવાનો ભેખ લઇ લીધો . બા પણ પાછા રહે તો બા શેના?આર્યનારી તો એને જ કહેવાય ને ?પોતાના ઘરેણા સુદ્ધાં દેશના હિતાર્થે આપી દીધા .’ અહી ગળગળા થઇ જવું અને સામે પડેલો પાણીનો ગ્લાસ કે બાટલો જે હોય એ ગટગટાવી જવું , દીપ પ્રાગટ્ય માટે રાખેલું તેલ કે ઘી ન હોય તેનો ખ્યાલ રાખવો ! (તમને ચેતવણી એટલાં માટે આપું છું કે હમણાં-હમણાં તો ઝડપી જમાનાની તાસીર મુજબ આયોજકો ઘાસલેટ રાખતાં પણ થયાં છે.)સાંપ્રત સમયમાં દેશની સેવા કરવાવાળા કરતાં દેશની ચિંતા કરવાવાળા વધુ દેશભક્ત ગણાય છે એ બાબતનો ખ્યાલ રાખી વળી પાછો ફટકો મારવાનો આજના યુવાનો પર ......’ અત્યારના યુવાનોમાં તો રાષ્ટ્રભક્તિ જેવું કાંઈ છે જ નહિ . પ્રજાસત્તાક દિવસે ક્રિકેટ મેચો રમવી , મોબાઈલ મચડયા કરવો પણ ધ્વજવંદનના કાર્યક્રમમાં જાય તો દુબળા પડી જાય .શું થશે આ દેશનું ? ભગવાન બચાવે આ દેશને ! ’
પણ માની લો કે તમારા મરણિયા પ્રયાસો પછી પણ કોઈ આપણને સમારંભમાં કે સાહિત્યિક સેમિનારોમાં વક્તા તરીકે બોલાવતા નથી . ટૂંકમાં જ્ઞાની કે વિદ્વાનોની પંગતમાં બિરાજવાનું આપનું સોનેરી સપનું સાકાર થતું નથી , તો પણ કોઈ ગલ નહિ જી . આવા કાર્યક્રમોમાં શ્રોતા તરીકે જવું . કારણકે આજનો શ્રોતા આવતીકાલનો ઉત્તમ વક્તા છે એટલાં માટે નહિ પણ ત્યાં આપણને આપણા જેવાં જ વિદ્વતાપદવાંચ્છું સહયાત્રીઓ મળી રહેવાનો પુરતો અવકાશ છે . કાર્યક્રમ ચાલુ થાય કે તરત જ ચાલુ કાર્યક્રમમાં તમારે શરૂમાં આંખોના ઇશારાથી અને પછી ધીમા ગણગણાટથી તમારી ઉપસ્થિતિનો અહેસાસ કરાવવો .અને હવે તો સાહિત્યના કાર્યક્રમો લંચ કે ડીનર વગર કરી જ શકાતાં નથી .કારણ કે સૌથી મોટું આકર્ષણ સ્વરુચિ ભોજન જ હોય છે , હવે તો શ્રોતાઓ નિમંત્રણ પત્રિકામાં સ્વરુચિ ભોજનવાળી લાઈન જ સૌપ્રથમ ધ્યાને લે છે .એટલે જમવાના સમયે પૂરી તાકાત સાથે સમાંતર સેમિનાર હોય તેમ અને હુણોની ટોળીઓ ગુપ્ત સામ્રાજ્ય પર તૂટી પડી હતી તેમ તમારે પણ આયોજકો પર તૂટી પડવાનું ......
’ આતો સાહિત્યિક ટોળીઓ છે ..., ઉઠાવગીરો છે ..,ઉઠાવગીરો....,’ 
 ‘આ કાર્યક્રમમાં તમે સાહિત્ય પદાર્થની ખેવના થતી જોઈ ? , ‘
‘ નવલકથાના કાર્યક્રમમાં બધા ગદ્યસર્જકોને જ વક્તા તરીકે રાખવાના ? કોઈ કવિને ન રાખી શકાય ? (મારાં જેવાને)’ 
આમ તમારે સદરહુ કાર્યક્રમની વીણી-વીણીને ભર્ત્સના કરવાની.કાર્યક્રમના વિષયવસ્તુ સંદર્ભે ટીકાપાત્ર મુદ્દો હાથ ન લાગે તો લંચ સમયે પાક્શાસ્રના હવાલાથી દાળ , મીઠાઈ (હોય તો ?) ચા વગેરેની દાળના સબડકા બોલાવતા કે કેરીના રસના ઘૂંટડા ભરતાં આકરી આલોચના કરવી . આયોજકોની ટીકા કરવાથી આપણે સારા થઇ જવાના નથી છતાં વિદ્વાન બનવા માટે કે કોઈપણ કાર્યક્રમમાં તમારી ઉપસ્થિતિ દર્જ કરવાનું આ એક પગથિયું છે . 
ઉપરના ઉપાયો સાર્થક ન જણાય તો ? બની શકે ,કારણકે આપણો સમાજ હજુ એટલો ઉદાર થયો નથી કે જેને તેને મંચસ્થ કરી દે(સ્વર્ગસ્થ કરવો હોય તો કરી દે.)પણ મારી પાસે તમને બનાવવાના(જ્ઞાની કે વિદ્વાન)એકાધિક ઉપાયો છે.ધારો કે ભૂલથી કે અણસમજમાં કોઈ તમારી સલાહ લેવા આવે ત્યારે માર્ગદર્શક કે સલાહકારના રૂપમાં વિદ્વતા કે ડહાપણ દેખાડવાનું .પેલો તમને તમારો લેખ કે કૃતિ દેખાડે ત્યારે હાશ ! કોઈક તો મારી સલાહ લેવા આવ્યું તેવી લાગણી ,તમને અંદરથી બત્રીસે કોઠે દીવા થતાં હોય તેમ થતી હોય છતાં એની કૃતિ સામે ઉકરડા સામે જોતાં હોવ તેમ જોવાનું .અને તરત વણથંભી સલાહો આપવાનું ચાલુ રાખવું .....’ વાંચો ... વાંચો ...આંખો નબળી નહિ પડી જાય?ઉઠાંતરી ઓછી કરો , ઓલ્ડ મેન એન્ડ દિ સી વાંચી કાઢો ,પેરેડાઈઝ લોસ્ટમાંથી પસાર થાવ , સરસ્વતીચંદ્ર ઉથલાવી જાવ ’{સાથે કહેવું કે હું તો કોલેજકાળમાં જ સરસ્વતીચંદ્ર જોઈ ગયેલો (ફિલ્મ)} .તમારાં સંભવિત શ્રોતાનો સવાલ સરસ્વતીચંદ્ર વિષે હોય તો પણ તમારે નરસિંહ મહેતાથી ઉપાડ કરવાનો .નરસિંહ ,અખો , પ્રીતમ ,ભોજો ભગત અને શામળ ભટ્ટની પીઠિકા બાંધી તથા નર્મદ-દલપતના પાટિયા વટાવી દોઢેક કલાકે સરસ્વતીચંદ્ર પર આવવાનું .સાથે પોતે પીએચ.ડી કર્યું હતું ત્યારે કેટલાં પુસ્તકો વાંચ્યા હતાં તેની(ન વાંચ્યા હોય તેની વિશેષ) લાંબી યાદી પક્ડાવવી સાથે પોતે અભ્યાસકાળ દરમિયાન કેવી ગરીબીમાંથી ઉપર ઉઠી કાદવમાંથી કમળ બની આગળ વધ્યા તેનું અતીતચિત્ર પ્રસ્તુત કરવું .પોતે ખાવા-પીવા (?),મોજશોખના ભોગે પુસ્તકો વસાવતા હતાં અને ગ્રંથાલયમાં ગ્રંથપાલ સમય પૂરો થતાં પોતાને ઉઠાડતો (ઊંઘમાંથી) વગેરે વાતો વિનમ્રતાપૂર્વક ઉપજાવવી . ટૂંકમાં તમારી પાસે માર્ગદર્શન લેવા આવેલા માણસને પરસેવો વળી ન જાય અને તમને મારાં છોકરાં હજુ નાનાં છે ,મારાં વગર બૈરી-છોકરાનું શું થશે ?, ઘરે જવાની કાકલુદી ન કરે અને વિશેષ તો ગુજરાતના જ્ઞાનજગતના સર્વોપરી વિદ્વાન તરીકે તમારો સ્વીકાર ન કરે ત્યાં સુધી તમારી નાગચૂડમાંથી છોડવાનો નહિ . 
આજ પદ્ધતિને તમે લેખક તરીકે પણ અજમાવી શકો!પણ તમને સવાલ થાય કે મારા લેખો કે ચોપડીઓ તો વળી કોણ છાપે ? પણ તમારે સહેજ પણ ગભરાવાનું નથી હું તમારી સાથે છું ને ? કોરોના પછી તો અમુક પ્રતો ખરીદવા બંધાવ તો પ્રકાશકો તમારાં આખા ખાનદાનની આત્મકથાઓ પણ છાપી દે ! લેખક તરીકે પ્રસ્થાપિત થવા દસ-બાર સામયિકોના આજીવન લવાજમો ભરી રોકાણ કરી રાખવું .એટલે સંપાદકો શરમના માર્યા પણ તમારા લેખો છાપવાની ના નહિ પાડી શકે ! તમારા લેખોમાં સનસનાટી મચી જાય અને સમાજ હચમચી જાય તેવી જ વિષયવસ્તુ લખવાની .ઉદા.તરીકે વેદ તો ત્રણ જ છે , ખોટા લોકો ચાર વેદ ગણ્યા કરે છે ..., પુરાણોની સંખ્યા ૨૨ છે , કાલિદાસ મારી ૧૩૯મી પેઢીએ નાના થાય છે !, સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામે નહિ પણ ગોરધનભાઈ પટેલે લખ્યું છે .... જેવાં સ્ફોટક વિધાનો કર્યે રાખવાના . ઉપરાંત મહાપુરુષો અને મહાન લેખકોના પોતે કેટકેટલા અંગત રહસ્યો જાણે છે તેની ધારદાર રજૂઆત કરવી .સાથે અંગ્રેજી શબ્દોનો મારો કરવો અને તેના ઉચ્ચારણો વિચિત્ર ઢબે કરવા .દા.ત રેશનલ નહિ પણ રાશનલ ,સિસ્ટમને બદલે સિસ્ટીમ વગેરે .અંગ્રેજીમાં બે-ચાર ઉક્તિઓ કે યુરોપિય વિદ્વાનોની કોમેડી અને ટ્રેજેડીની વ્યાખ્યાઓ ગોખી નાંખવી . કારણકે અંગ્રેજી પ્રભાવક્ષેત્ર વિસ્તારવાનું સરળ સાધન છે . (ગુજરાતીના દસ પાનાં બરાબર અંગ્રેજીની એક લીટી એ કક્ષાએ આપણી બૌદ્ધિક ગુલામી અમૃત પર્વે પણ બરકરાર રહી છે .)બહુશ્રુત હોવાનો ડોળ કરી સાહિત્યમાંથી ઈતિહાસ અને ઈતિહાસમાંથી ન્રુ-વંશશાસ્ત્રમાં ઉતરી પડવાનું .ટૂંકમાં વાચકને લગીરેય ગતાગમ ન પડે અને જુનાગઢથી અમદાવાદ આવવા નીકળેલો મુસાફર વાયા રાજકોટ આવવાને બદલે અથડાતો-કૂટાતો વાયા અમરેલી અને ભાવનગર-ગઢડા થઇ અમદાવાદ આવે તેવી સ્થિતિનું નિર્માણ કરવું .
વધુ સુંદર ઉપાય સૂચવું ?તમને થશે કે સુંદર ઉપાય તો સહુ પહેલો બતાવવો જોઈએ ને ? પણ ના ,મદારી હંમેશા તેનાં કરંડિયામાંથી મોટા પ્રાણીઓ કે સર્પને છેલ્લાં દેખાડે છે .આપ સાહિત્ય સંશોધનની સંસ્થા પણ સ્થાપી શકો ! (ગામડાની સ્ત્રી છાણા થાપે તેમ) ઉદા.તરીકે ગુજરાતી સાહિત્ય વર્તુળ . આ વર્તુળમાં એકાદ દાયકો તમે એકલા ઉભા રહો તો પણ ચિંતા ન કરવી .કારણકે પીપળા પાસે ભૂત-પલીત વહેલા-મોડાં જરૂર આવે જ છે . આપે સ્થાપેલી સાહિત્ય વર્તુળ સંસ્થામાં નિવૃત્તિ વખતે મળેલી રકમનો એક હિસ્સો રોકવો.તમારે સેમિનારો કે વર્કશોપો કરવા નાણાંકીય રોકાણ કરવું .(સહભાગીઓને ખવડાવવા-પીવડાવવા અને આવાગમન તથા પુરસ્કાર આપવા માટે) , આજ સંસ્થાના નેજાં નીચે સાહિત્યિક ઇનામોની ઘોષણાઓ કરવી .તેમાં ‘ તુમ મુજ મે સમા જાઓ ઔર મે તુજ મે ‘જેવો ઘાટ ઘડવો .સંસ્થાના આશ્રયે યોજાતા કાર્યક્રમોમાં સ્વયંભુ શિવલિંગની જેમ પોતે જ પ્રમુખસ્થાને ગોઠવાઈ જવું .ત્યાંથી બુલંદ અવાજે બોલવું .બીજાઓને તમારા જ્ઞાનથી નહિ પણ દેકારા-પડકારાથી દબાવી દેવાં .તમારા આંગિક હાવભાવથી ઉપસ્થિતો પૈકીના કોઈપણની વાત એટલી નિર્મમતાપૂર્વક કાપવી કે બીજો તમારી સામે બોલવાનું નામ ન લે કે આંખ ઉંચી કરી જુએ નહિ .આમાં એ વસ્તુ બનશે કે તમે તમારી વાત સામેવાળાને સમજાવી નહિ શકો પણ તમારા ઊંચા અવાજ દ્રારા સામેવાળાને દબાવી જરૂર શકશો . પણ વિદ્વતાપ્રાપ્તિના પંથે નીકળી પડેલાં મહાનુભવો માટે આવાં અવરોધો તો શરીર ઉપર બેઠેલી માખી જેવાં હોય છે . સાહિત્યિક સંસ્થા સ્થાપવાનો આ સૌથી મોટો ફાયદો છે .
આટલાં સલાહસૂચનો વાંચ્યા પછી વાચક તરીકે તમને થશે કે તમે આ બધી સલાહો અમને આપો છો પણ તમે તમારા વૈયક્તિક જીવનમાં અજમાવી છે ખરી ? તમારા સવાલનો જવાબ હાં છે , કારણકે હું તો કાયમ આમ જ કરું છું . અને નિવૃત્તિ પછી તેમાં અભિવૃદ્ધિ થશે . તમને ઓલ દિ વેરી બેસ્ટ .......

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ