હાસ્યલેખ - ઊંઘ વિશે

                                    અરુણ વાઘેલા

                    હું અને મારી એ ...... 

લેખનું શીર્ષક વાંચી તમને થશે કરે હું મારી પ્રેયસી કે પત્ની વિષે, મારી યાદગાર યાત્રા કે એવાં કોઈ મુદ્દે વાત કરવા જઈ રહ્યો હોઈશ ? પણ આવું વિચારતા હો તો આપ ગલત સાબિત થશો (આમ પણ અત્યારે બીજાને ખોટા અને પોતાને સાચા સાબિત કરવા સિવાય દુનિયામાં બચ્યું છે શું ?) કારણકે હું તો મારી ઊંઘ વિષે આપને સંબોધવાનો છું . અનિદ્રાથી પીડાતાં લોકો કહે છે કે માણસ ૨૪ કલાકમાં ૮ કલાક ઊંઘે તો પણ તેની પા ઉપરાંતની જિંદગી ઊંઘવામાં ચાલી જાય છે . આની સામે મારી દલીલ એ છે કે ૮ કલાક ન ઊંઘો તો બાકીની પોણા ભાગની જિંદગીનું ઠેકાણું રહેતું નથી .તેથી મને ઊંઘતા માણસો હંમેશા ગમ્યાં છે .કમ સે કમ એટલો સમય તેઓ કોઈને નડતા તો નથી ને ! 
 હું મારી ભવ્ય અને ગૌરવવંતી ઊંઘનો આ ક્ષણે વિચાર કરું છું ત્યારે દ્રષ્ટિપટ પર મારાં ઊંઘવાની પ્રક્રિયા (પ્રક્રિયા એટલા માટે કે સંશોધનમાં ક્યારે પૂર્ણવિરામ નથી તેમ મારી ઊંઘમાં પણ પૂર્ણવિરામ નથી.) તરવરી આવે છે . ભગવાન કૃષ્ણ એ પણ ગીતામાં કહ્યું હશે કે ઊંઘવામાં હું અરુણ વાઘેલા છું પણ એમના અંગત સચિવથી તત્ક્ષણ નોંધવાનું ચુકી જવાયું હશે એટલે પ્રસ્તુત બાબત આપણા સુધી પહોચી શકી નથી ! ખેર ! ભગવત ગીતાની આગામી આવૃત્તિમાં સંપાદકો આટલો સુધારો (ભગવાનની માફી માંગીને)કરી લેશે એવો મારો વિનમ્ર અનુરોધ છે .
મારાં ઊંઘવાના ઇતિહાસની શરૂઆત મારા શાળાકીય જીવનથી કરું . અમારી શાળાનો સમય સાડા દસથી પાંચનો રહેતો . એટલે ઘરેથી ખાઈને જવું પડે ,કારણકે મધ્યાન્હ ભોજન યોજના હજુ શરૂ થઇ ન હતી . મારા શાળાજીવન દરમિયાન આ યોજના કેમ શરૂ ન થઇ તેનું મને આજેપણ ઊંડું દુઃખ અને તત્કાલીન સરકાર સામે ભારોભાર આક્રોશ છે . અમારા વિસ્તારમાં એ સમયે ધરાઈને ખાવાનો મહિમા હતો . રસોડામાં ગણીને રોટલી બનતી ન હતી . ધરાઈને ખાધેલાં અને ભરપુર છાશ પીધેલા અમે મદમસ્ત હાથી કે કોઈ જંગલી પાડો ચાલતો હોય એમ ડોલન શૈલીમાં શાળાએ પહોચતાં.સ્કુલ પહોચ્યાં સાથે પ્રાર્થનામાં ગોઠવાવાનું રહેતું . આશરે ત્રણસો બાળક-બાલિકાઓ હારબંધ ગોઠવાતા .તેમના પર શિસ્તના નામે ચાંપતી નજર રાખવા આઈ.બીના અધિકારીઓ સમા શિક્ષકો ખડે પગે રહેતા તો કેટલાક શિક્ષકો ઝેડ કક્ષાની સલામતી પામેલા રાજનેતાઓના બ્લેકકેટ કમાન્ડોની જેમ અમારી ચોતરફ ફેલાઈ જતાં . ખાલી સીસી ટીવી કેમેરાની કમી હતી ,પણ એ કાર્ય સ્કુલમાં રહેલાં પર્યાપ્ત માત્રામાં શિક્ષકો અને એમની મદદે શિસ્ત સમિતિના ઢાંઢાં (સિનિયર વિદ્યાર્થીઓ) બખૂબી નિભાવતા. 
અમારી શાળાની પ્રાર્થના ખુબ લાંબી ચાલતી . પ્રાર્થના , ભજન , ધૂન અને શ્લોક જેવાં પેટાપ્રકારોમાં વહેચાયેલી પ્રાર્થના પૂરો એક કલાક ચાલતી .કારણકે પ્રાર્થના ગાનારા બે વખત બોલતા અને અમે બે વખત ઝીલતા (?) તેમાં પ્રાણી માત્રને રક્ષણ આપ્યું , માન્યા સમ સહુને જેવી પ્રાર્થના , એવો હીરલો રે ગુમાવ્યો આખા હિંદ , નહિ મળે રે હીરલા કેરી જોડ રે ગાંધીજી બાપુ સ્વરાજ્ય આપીને ચાલ્યાં સ્વર્ગમાં સમું ભજન , તાળી પાડીને રામનામ બોલજો રે જેવી ધૂન અને પૂર્ણ ચંદ્ર સમી ક્રાંતિ જેવાં શ્લોક રહેતાં.તે પછી વિદ્યાર્થીઓને જ્ઞાન સમૃદ્ધ કરવા અને ભવિષ્યના વિચારવંત મનુષ્યો બનાવવા સમાચાર અને સુવિચારોનું પઠન થતું . પાર્થનાને સંગીતનો સથવારો સાંપડતો . પણ હું તો મુખ્ય માસ્તર અદબ પલાંઠી , આંખો બંધ , પ્રાર્થના શરૂ .....આટલું કહે અને પ્રાર્થનાની બે પંક્તિઓ ગવાય ત્યાં તો નિદ્રાદેવીના શરણે પહોચી જતો .પ્રાર્થના દરમિયાન વાગતાં તબલા અને હારમોનિયમ મારી નિદ્રાયાત્રામાં લેશમાત્ર ખલેલ પહોચાડી શકતા નહિ ,ઉલટા મને હાલરડાંનું સંગીત હોય તેમ તંદ્રાવસ્થામાં હડસેલી મુકતા . આ બાબતે મેં ભગવત ગીતાની સ્થિતપજ્ઞ (ગમે તેવી વિપરીત સ્થિતિમાં ઊંઘતા રહેવાની)મનુષ્યની વાતને સાર્થક કરી હતી . પ્રાર્થના પછી ભારે ખોરાક લીધેલા અને પ્રાર્થનાના ભારથી નિદ્રામાં હડસેડાયેલા ,દીવાલના ટેકે સુતેલા મને પ્રયત્નપૂર્વક ઉઠાડી ,મોઢું ધોવડાવી વર્ગખંડમાં બેસવા યોગ્ય બનાવવો પડતો . મારાં શાળાજીવનથી ‘ પ્રાર્થના હદયનો ખોરાક છે ’ એવી મહાત્મા ગાંધીની ઉક્તિ સામે ‘ પ્રાર્થના ઊંઘનું નિમિત્ત છે ’ એવી ઉક્તિ મારા વૈયક્તિક જીવનમાં મૂકી આપી છે . તેનું અનુકરણ કરી મારા અનુયાયીઓ બનવાની પ્રેરણા પણ અનેક બાળકોને આપી ચુક્યો છું . {આજે હું પ્રોફેસર છું , (આતો સ્હેજ આપની જાણ ખાતર ! ) અને મારાં વર્ગમાં વિદ્યાર્થી દ્રારા ઊંઘવાની ઘટના બને તો હું મારા ભવ્ય ભૂતકાળને યાદ કરી તેમને મારા ઈતિહાસજ્ઞાનથી ખલેલ ન પહોચે તેની પૂરી તકેદારી રાખું છું . કારણ ,મને તેમાં હું ઊંઘવાના સદર્ભમાં તેનો પૂર્વસુરિ દેખાઉં છું .}
ગુજરાત સરકારની એક બારી સેવા પદ્ધતિની માફક એક વર્ગના એક જ શિક્ષકના ન્યાયે અમારા વર્ગ શિક્ષક અમને બધાં જ વિષય ભણાવતાં (?) .વર્ગમાં હંમેશા પહેલો તાસ ગુજરાતીનો રહેતો.શિક્ષક ભણાવતી વખતે ‘ જનનીની જોડ સખી નહિ મળે રે લોલ ’ કાવ્ય ભેસાસુરમાં ગાતાં , મને તેમાં જનનીની જગ્યાએ નિદ્રા શબ્દ વધુ બંધબેસતો લાગતો અને હું વળી પાછો નિદ્રામ શરણમ ગચ્છામિ કરતો . ગુજરાતી જેવાં વિષયમાં મારી આ હાલત હોય તો ગણિત અને વિજ્ઞાન જેવાં વિષયો ભણતી વખતે મારી પરિસ્થિતિની કલ્પના કરી શકાય તેમ છે ! સાંજ સુધીમાં તો મને ત્રણેક વખત ઉઠાડવો પડતો .ઉનાળાના દિવસોમાં મને જગાડવાના પ્રયત્નો વધી પડતાં .
બાલ્યાવસ્થામાં ઉપરની બાબત સહજ છે ,કારણકે મેડીકલ સાયન્સ કહે છે કે નાના બાળકોની ઊંઘ વધારે હોય છે અને ઉમર વધતા ઊંઘમાં ધીરેધીરે ઘટાડો થાય છે (આજ કારણથી મને બાલ્યાવસ્થામાંથી તરુણાવસ્થામાં પ્રવેશવાનું ગમ્યું ન હતું .) મેડીકલ સાયન્સને મે હંમેશા ચેલેન્જ કરી છે .અને એટલે જ તો હું વિનયન વિદ્યાશાખાનો યશસ્વી વિદ્યાર્થી છું . (આ મારો બિલકુલ અંગત મત છે .) મારી ઉમરની સાથે સમજણ નથી વધી પણ ઊંઘ અવશ્ય વધતી ગઈ છે . હું ગમે તેવા વિકટ સંજોગોમાં ૧૦ કલાક ઊંઘવા માટે તત્પર રહેતો .(સુજ્ઞ વાચકોની જાણ ખાતર મારે જણાવવું જોઈએ કે આમાં વામકુક્ષીના સમયનો સમાવેશ થતો ન હતો .) બસ ,ટ્રેન , રેલવે સ્ટેશનના દેકારા-પડકારા  કે કોઈ માઈનો લાલ મારી નિદ્રામાં અવરોધ પેદા કરી શક્યા નથી .
અનુસ્નાતક થઇ હું રોજગારના બજારમાં આવ્યો ત્યારે બાયોડેટા બનાવવાનો હોય ! સાક્ષાત્કાર વખતે તમારાં શોખ વિષે પુછાય . આ ટાણે મને શોખ તરીકે ઊંઘવાનો એમ બોલવા અને કહેવાની ઈચ્છા થઇ આવતી હતી .પરંતુ આમ લખીશ કે બોલીશ તો મને મારા રોજગારદાતા કાયમ માટે ઊંઘાડી દેશે એવી ભીતિ લાગી ,તેથી મારા જીવનની નક્કર વાસ્તવિકતા હોવા છતાં એમ કરવાનું ટાળ્યું હતું . ૧૯૯૩માં હું અધ્યાપક બન્યો . મને અધ્યાપક થવાનો જેટલો આનંદ થયો એટલો જ અફસોસ મારી કોલેજ સવારની છે એ જાણીને થયો . કારણકે અત્યાર સુધી બપોરની શાળા-કોલેજમાં ભણેલો હું આ સવારના વહેલા ઉઠવાના ક્રમને મારા નીજી જીવનમાં મોટો વિક્ષેપ સમજતો હતો . અહી કોલેજમાં હું ભણતો હતો એમ કહેવું એ મારી વાણીનો અતિરેક જ ગણવો , કારણકે હોસ્ટેલજીવનમાં સવારની કોલેજના સમયે મને જગાડવાવાળું કોઈ રહેતું નહિ ,તેથી હું લાંબો સમય નિદ્રાદેવીના આગોસમાં સમાયેલો રહેતો અને હું ઉઠતો ત્યાં સુધીમાં તો કોલેજ પૂરી થઇ જતી.સવારની કોલેજમાં ગયેલાં વિધાર્થીઓ કોલેજથી પરત આવીને મને પ્રયત્નપૂર્વક જગાડતા . તેમના પ્રયત્નોમાં મેસમાં જમવાનું પતી જશે અરુણ તેવા વાક્ય સાથે ગાંધીજીના આહ્વાન સાથે આખો દેશ જાગી ગયો હતો તેમ હું જાગી જતો . ( દેશ તે પછી આઝાદી મળી ત્યાં સુધી જાગતો રહ્યો જયારે હું જમવાના સમય સુધી જાગતો રહેતો, આટલો મારાં જાગવાના સમય અને રાષ્ટ્રની જાગૃતિ વચ્ચે ફર્ક હતો.)એકવાર હું બપોરે એક વાગ્યે સવારની ઊંઘ પૂરી કરી બ્રશ કરી રહ્યો હતો ત્યાં જ અમારાં હાઉસ માસ્ટર હોસ્ટેલના રૂમ નિરીક્ષણ માટે આવી ચડ્યા , મને બ્રશ કરતો જોઈ પૂછ્યું ‘ અરુણ તું બપોરે સુઈને પણ બ્રશ કરે છે ? બહુ સારી ટેવ કહેવાય ! હવે મારાં વહાલા સાહેબને કેમ સમજાવવું કે આ બપોરનું બ્રશ નથી પણ સવારનું છે . ’ અને મિત્રોની પેટીમાંથી સિફતપૂર્વક ટુથપેસ્ટ સેરવી લેતાં અમને બે વખત બ્રશ કરવાનું પોષાય પણ ખરું ? મારી ઊંઘનો બીજો યશસ્વી તબક્કો વામકુક્ષીનો રહેતો . ધરાઈને ખાવામાં હું ખાસ માનતો.દાળ-ભાત અને દહીં જેવાં નિદ્રાપ્રેરક ખાદ્ય પદાર્થો પર ખાસ પસંદગી ઢોળતો . તે માટે હોસ્ટેલના રસોડાના કર્મચારીઓ સાથે ઘટિત કે અઘટિત કરવાની મારી હંમેશા તૈયારી રહેતી . જમ્યાં પછી મને સીધી પથારી દેખાતી . જમ્યા પછી મને એવી કલ્પના પણ થતી કે હોસ્ટેલની મેસથી મારા રૂમના પલંગ સુધી લપસણી હોય તો કેવું સારું ? મારી વામકુક્ષી એટલી તો ગૌરવશાળી રહી છે કે મને તે સમયે ખાટલા સાથે ઉપાડી બીજા કોઈ સ્થાને મૂકી આવે તોય ખબર પડે નહિ .
વહેલા ઉઠવા માટે જાતે ન જાગી શકાય તો એલાર્મ ઉત્તમ આધુનિક ઉપાય છે . હું પણ એ અખત્યાર કરતો .નિદ્રા અને મારી વચ્ચેના ગાઢ અનુબંધને મદ્દેનજર રાખી હું ઉઠવાના અડધો કલાક પહેલાં એલાર્મ મુકતો , બીજું જે સમયે ઉઠવાનું હોય તેનું , વૈકલ્પિક ઉપાયો તરીકે મિત્રોને મને ઉઠાડવા ફોન કરવાનું કહેતો . જેથી સમયસર જાગી શકાય . પણ એલાર્મને તો હું તોફાની વિદ્યાર્થી માસ્તરને ન ગાંઠે એમ કદી ગાંઠ્યો નથી ,એલાર્મ અડધો કલાક પહેલાં વાગે તો પણ હું અડધો કલાક વહેલું એલાર્મ મુક્યું છે એ જાણતો હોવાથી વળી પાછો સુઈ જતો . (એટલું વધારે સુવાય ને ! મારો કોઈ બદઈરાદો નહિ !)હું એલાર્મની હળાહળ અવગણના કરતો .આને એલાર્મ સામેનો મારો સુનિયોજિત વિદ્રોહ પણ કહી શકાય ! ભવિષ્યમાં કોઈ સંશોધક એલાર્મ વિરોધી વિદ્રોહો વિષે સંશોધન કરશે ત્યારે મારું નામ પ્રથમ પંક્તિના ક્રાંતિકારીઓમાં આવશે એવી મને(એકલાને) શ્રદ્ધા છે .પછીના ક્રમે સવારમાં મે જે મહાનુભાવોને જગાડવાનું કામ સોંપ્યું હોય તેમના સમયાંતરે ફોન આવતાં. ઘણીવાર તો હું ફોન કરનારને જ ખખડાવી નાંખતો ‘ સવાર - સવારમાં ફોન કરી ડીસ્ટર્બ કરો છો ? પ્રત્યુતરમાં એ  કહેતા કે મહાશય , રાત્રે તમે જ આ સત્કાર્ય અમને સોંપ્યું હતું ,અને તમારે કારણે અમારે વહેલું ઉઠવું પડ્યું છે .’ તેઓ મને ઊંઘમાંથી જાગવાના મહાન કાર્ય બદલ અભિનંદન આપી ફોન પછાડતા .ટૂંકમાં મારી ભવ્ય અને ગૌરવશાળી ઊંઘ ,સવારે વહેલાં ઉઠવાના (બીજાઓની મદદથી) મારાં પ્રયત્નો વૈવિધ્યસભર રહેતાં . ચાલો ત્યારે બહુ થઇ ઉંધની થિયોરીટીકલ વાતો પ્રેક્ટીકલ કરવા મને ઊંઘવાની રજા આપો . 

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ