ગ્રંથ સમીક્ષા
અરુણ વાઘેલા ,
પ્રોફેસર અને અધ્યક્ષ , ઈતિહાસ વિભાગ,
ગુજરાત યુનિ.,અમદાવાદ
આદિમ ધર્મ પુસ્તકના પાને પ્રગટ્યો.............
આજથી દસેક વર્ષ પહેલાં મારા મિત્ર ડો.ચંદુભાઈ ચૌધરીના પીએચ.ડીના ક્ષેત્રકાર્ય નિમિત્તે દક્ષિણ ગુજરાત ઘમરોળ્યું હતું . એ દરમિયાન મારી મુલાકાત કાંજણ મુકામે આદિવાસીવિદ્યાના જાણકાર એક યુવાન સાથે થઇ હતી .બિલકુલ સ્વસ્થતાથી અને અસ્ખલિતપણે તેઓ ગોવાળદેવ ,તેના ઈતિહાસ અને આદિવાસી સંસ્કૃતિ વિષે બોલ્યે જતાં હતાં . આદિવાસી ઈતિહાસ અને સંસ્કૃતિ વિષે મને પ્રભાવિત કરવાવાળા માણસો ગુજરાતમાં ખુબ જુજ છે પણ આ યુવાનની જાણકારી અને નિસ્બતથી હું અત્યંત પ્રભાવિત થયો હતો . મે એમને મોઢામોઢની વાતો કરવાને બદલે તેમની જાણકારી શાસ્ત્રીય ઢબે લખવા માટે વિનંતિ કરી .એમણે મારી વિનંતિને સ્વીકારી જ નહિ પણ ‘ આદિલોક ’ના પાને સતત પ્રગટતા રહ્યાં . અમારી મુલાકાત પછી તેઓ અમને આદિવાસીઓની મહેમાન નવાજીની ઉજ્જવળ પરંપરાને પ્રદર્શિત કરતાં તેમના ઘરે લઇ ગયાં . વ્યારાની ખાસ કેસર કેરીનો રસ ખવડાવ્યો અને માનસિકની સાથે શારિરીક ક્ષુધા પણ તુપ્ત કરી .આજ સુધીમાં કેરીઓ તો ઘણી ખાધી છે પણ એમના ઘરે ખાધી એવી કેરી નહિ . એમાં કેરીની મીઠાશ સાથે ખવડાવવાના તેમનાં ભાવની પણ મીઠાશ હતી . આ લખું છું ત્યારે પણ વ્યારાની એ કેરીનો સ્વાદ અનુભવી રહ્યો છું . તમે ભૂમિકા વાંચીને કંટાળ્યા હશો ? ચાલો એ આદિવાસીવિદ્યાવિદનું નામ પણ આપી દઉં. શ્રી અરવિંદભાઈ ચૌધરી .
સાહિત્ય વિવેચનની અદ્યતન પદ્ધતિમાં એવું કહેવાય છે કે કોઈપણ પુસ્તક વાંચતા પહેલાં પુસ્તકના લેખક વિષે જાણો . સાંપ્રત સમાજવિજ્ઞાનીઓ પણ દ્રઢપણે માને છે કે સાહિત્ય સર્જનની જેમ સમાજવિજ્ઞાનીય સંશોધનો પણ શૂન્યાવકાશમાં થતાં નથી .એનું કારણ એ છે કે કોઈપણ સંશોધક-લેખકનો ધર્મ , જ્ઞાતિ , વિચારધારા , પ્રાદેશિકતા અને રાષ્ટ્રીયતા હોય છે .એને અવગણી કોઈપણ પુસ્તકનું મૂલ્યાંકન થઇ શકે નહિ ! ઉપર જણાવેલી બાબતો એક યા બીજી રીતે લેખન ઉપર અસર કરે જ છે . આ સંદર્ભમાં લેખકનો પરિચય લઈએ.પુસ્તકના લેખક અરવિંદભાઈ ચૌધરી મૂળે દક્ષિણ ગુજરાતની ચૌધરી જાતિના.અને પ્રાથમિક શિક્ષક તરીકે હમણાં જ વ્યારા તાલુકાની ચાંપાવાડી પ્રાથમિક શાળામાંથી નિવૃત થઇ લેખનમાં પ્રવુત થયાં છે . આજે આદિવાસીઓનો ઈતિહાસ નથી ,આદિવાસીઓના સાંસ્કૃતિક મુલ્યો ખતરામાં છે તેવા શહેરોમાં દેકારા-પડકારા કરતાં નિવૃત આદિવાસી કર્મચારીઓ માટે અરવિંદભાઈનું નિવૃત જીવન મોટા બોધપાઠ સમાન છે .આ બાબત હું એટલાં માટે કહી રહ્યો છું કે અરવિંદ ચૌધરી આદિવાસી સંસ્કૃતિના લેખનમાં તો યોગદાન આપી જ રહ્યાં છે સાથે એમણે પોતાના ઘરે આદિવાસી વાદ્યોનો વર્કશોપ પણ શરુ કર્યો છે .તેઓ પોતે ડોબરૂ ,પાવરી જેવાં વાદ્યો કુશળતાપૂર્વક વગાડી શકે છે ,એટલું જ નહિ પણ શીખવા ઈચ્છુક કલાકારોને આદિવાસી વાદ્યો શીખવાડી આદિવાસીઓનો આ ગૌરવશાળી વારસો વિસરાઈ ન જાય તે માટે પ્રવુત રહે છે . અરવિંદભાઈ આદિવાસી વિધિઓ પ્રમાણે લગ્નો કે સામાજિક રીતિરીવાજો યોજાય તે માટે ‘ પંડિત કે ગોર મહારાજ ’ની ભૂમિકા પણ અદા કરે છે . વ્યક્તિગત રીતે અરવિંદભાઈ મારી દૃષ્ટિએ આદિવાસી સંસ્કૃતિના રખેવાળ છે .કારણકે તેઓ જાણે છે કે આદિવાસી સાંસ્કૃતિક મુલ્યો ભુલાઈ કે વિસરાઈ જવાની માત્ર ચિંતા કરવાથી કાંઈ વળવાનું નથી પણ ચિંતન અને વ્યવહારુ અમલની જરૂર છે . ઉપરોક્ત બાબતો એટલાં માટે લખી કે જેનાં હાડોહાડ , લોહી-માંસમાં આદિવાસી સંસ્કૃતિ અને સાંસ્કૃતિક મુલ્યો વ્યાપેલા છે તેવા જાણતલ અને ધરાતલ સાથે જોડાયેલાં લેખક દ્રારા આ પુસ્તક લખાયું છે . લેખક વિષે ડો.આનંદ વસાવાએ ‘ દેવકથા નિમિત્તે સંસ્કૃતિકથા ’ શીર્ષકથી નોંધેલી બાબત...... ‘’ અરવિંદભાઈમાં સંવેદનશીલતા ,પ્રામાણિકતા અને સ્વભાવનું ઠરેલપણું જેવાં આગવા ગુણો છે . “ અરવિંદભાઈના સંપર્કમાં આવનાર પ્રત્યેક વ્યક્તિ તેની અનુભૂતિ કરી શકશે .
શ્રી અરવિંદભાઈ ચૌધરી દ્રારા લખાયેલા પુસ્તકનું નામ ‘ચૌધરી , આદિવાસીઓના દેવથાનકો અને દેવકથાઓ ’ છે .જે સેંકડો રંગીન અને શ્વેત-શ્યામ તસ્વીરો સાથે અને ૪૭૪ ડબ્બલ ક્રાઉન સાઈઝના ગ્લોસી પાનાંમાં વિસ્તરેલું છે . પુસ્તકમાં ચૌધરી આદિવાસીઓના દેવથાનકો અને દેવકથાઓ નિમિત્તે ૮૧ પ્રકરણો છે . આમ તો ૭૫ પ્રકરણ ગણાય ! પણ તેમણે શરૂમાં પ્રસ્તાવના , આવકાર ,પ્રકાશન વેળા મારી વાત અને અંતમાં સંપર્કસૂત્ર ,માહીતીદાતા અને સંદર્ભસુચિ જેવાં વિભાગોને પણ પ્રકરણ ગણી લીધા છે . આ દળદાર ,વિગતસભર અને સંશોધનાત્મક પુસ્તક વિષે વિગતવાર લખવા બેસીએ તો લઘુ પુસ્તક તૈયાર થાય પણ અત્રે સ્થાનમર્યાદા અને ‘આદિલોક’ના વાચક વર્ગને કેન્દ્રમાં રાખી પુસ્તકની વિવેચના કરવાનો ઉપક્રમ છે .
પુસ્તકનું પહેલું પ્રકરણ ચૌધરી આદિવાસીઓ અને બાહ્ય અસરો વિષયક છે .તેમાં ચૌધરીઓની આર્થિક અને સામાજિક વ્યવસ્થાની સાથે ચૌધરી જાતિની ઉત્પત્તિ વિષેની નોંધ ખુબ રસપ્રદ બની છે .ચુદરે ,ચોધરા , ચોધરી અને ચૌધરી વ્યુત્પત્તિ સાથે ચાર ભાઈઓની કથા અને પાલતું ગાયની દફનવિધિમાંથી સર્જાતા ચૌધરીઓના પેટાવિભાગો વગેરેનું વર્ણન અન્યત્ર મળી શકે તેમ નથી .(પૃષ્ઠ.૪૧) ચૌધરીઓની ઉત્પતિ અને પેટાપ્રકારોના સંદર્ભમાં કહેવતો સાથે મુકાયેલી બાબતો લેખકના કઠીન પરિશ્રમના પરિચાયક છે . આ પ્રકરણ પુસ્તકને ખોલનારી ચાવી સમાન છે .‘ ચૌધરીઓ દ્રારા પરમ્પરાગત રીતે પૂજાતા દેવી-દેવતાઓમાં કોઈ ઓછા શકિતવાળા અને કોઈ વધુ શક્તિવાળા એવો ભેદ નથી ,કોઈને હરાવવા કે જીતવા એવી કોઈ કલ્પના નથી .(પૃષ્ઠ.૫૬)’ જેવી બાબત નોંધી ચૌધરીઓને સ્થાપિત ધર્મો તરફ લઇ જનારા માધ્યમોની તાત્વિક ચર્ચા અત્રે પ્રાપ્ત થાય છે .લેખકે ચૌધરીઓને તેમના આદિમ ધર્મ તરફથી ફંટાવી સ્થાપિત ધર્મો તરફ દોરી જનારા માધ્યમો તરીકે શિક્ષણ , ગાંધીવાદીઓ ,ઈસાઈ મિશનો ,ઇસ્લામ અન્ય સંપ્રદાયો અને મુખ્યધારાના વાર-તહેવારો અને તેની ચૌધરીઓ ઉપરની અસરોને પોતાના વિચારોના સમર્થનમાં ટાંકી છે .(પૃષ્ઠ.૭૩-૭૯) એ રીતે લેખક આદિમ ધર્મના વકીલ તરીકે પણ ઉભરી આવે છે .
ધરતી અને જીવજગતની ઉત્પત્તિ એ આદિવાસીવિધાનું મહત્વપૂર્ણ પાસું રહ્યું છે .ડો.ભગવાનદાસ પટેલે પણ ઉત્તર ગુજરાતના સંદર્ભે તેની શાસ્ત્રીય ચર્ચા કરેલી જ છે .અરવિંદભાઈ છટ્ઠા પ્રકરણમાં તેની વાત માંડે છે . લેખકે દેવી આંદોલન દરમિયાન ચૌધરીઓમાં પડેલા વર્જેલા અને સર્જેલાના તડાં અને હિંસક સંઘર્ષની ઘટનામાં ફજુ જીવણ નામના ગાંધીવાદી કાર્યકરના થયેલાં મૃત્યુની લગભગ અજાણી બાબત પણ નોંધી છે .(પૃષ્ઠ .૧૪૭) પ્રસ્તુત પુસ્તકમાં ચૌધરી આદિવાસીઓના સેંકડો દેવ-દેવતાઓ અને તેમનાં સ્થાનકોની બારીક માહિતી હોય ત્યારે ‘ દેવમોગરા’ની વાત ક્યાંથી બાકી રહે ? લેખકે ૨૩મા પ્રકરણમાં દેવમોગરાની વાત કરી છે .તેમાં તેના વિવિધ નામો અને તેના અર્થો ,સમયના વહેણ સાથે દેવમોગરાની પૂજામાં આવેલી તબદિલીઓ અને આદિવાસીજનો માટે દેવમોગરાનું મહાત્મ્ય દર્શાવ્યું છે.કાંજણ ખાતે આવેલા ગોવાળદેવની તો લેખકે ભૌગોલિક સંરચના અને પ્રવાસીને માર્ગદર્શક તરીકે ગોવાળદેવનો રસ્તો ચીંધતા હોય તે રીતે વિવરણ કર્યું છે .ગોવાળદેવની બે કથાઓ ( પૃષ્ઠ.૨૨૪-૨૫) , ગોવાળદેવનું શ્રીકૃષ્ણ ગોવાળદેવમાં રૂપાંતર ,હાંત ખાટ્ને (સાત ખાટલી)ની દંતકથા , ચોથી ગાંધીવાદી રાનીપરજ પરિષદ અને તેનું કાંજણ મુકામે આયોજન વગેરે મુદ્દા આ પ્રકરણના વિશેષો છે .
હોળી આદિવાસીઓનો આગવો ઉત્સવ છે .તેને ધ્યાને લઇ લેખકે એક પ્રકરણમાં હોળીની ચર્ચા યોજી છે .તેમાં હોળી નિમિત્તે પ્રચલિત ચૌધરીકથાઓ , તેના ગીતો (પૃષ્ઠ.૩૧૫) હોળીના જોડકણા વગેરે સાંસ્કૃતિક ઇતિહાસમાં ખપમાં લાગે તેવી મહત્વપૂર્ણ વિગતો અત્રે પ્રાપ્ત થાય છે .પ્રકૃતિના સંતાનો સમાન આદિવાસીઓની વિશેષ પરંપરાઓને લેખકે પુસ્તકનું એક પ્રકરણ બનાવ્યું છે .’ વેચીને નહિ પણ વહેચીને ખાવાની ભાવના ’ વાળો ચૌધરી સમાજ જીવમાત્ર સાથે કેવું તાદાત્મ્ય અને સમાયોજન રાખે છે તેની અનુકરણીય માહિતી પ્રસ્તુત પ્રકરણમાં ઉપલબ્ધ થાય છે . પુસ્તકમાં નિરૂપવામાં આવેલી દેવાહાય નાકળી -દેવોની લાકડી (પૃષ્ઠ.૩૪0-૪૧) , ચૌધરીઓનું ઘર માત્ર રહેવાની જગ્યા નથી પરંતુ એને દેવનો દરજ્જો આપવામાં આવ્યો છે.(પૃષ્ઠ.૩૪૭)અને ૩૩ પ્રકારના બળદો (પૃષ્ઠ.૩૯૦-૪૦૦)વગેરે સંશોધકના ઝીણવટભર્યા અવલોકનનું પરિણામ છે અને વર્ણિત વિગતો તો કોઈપણ વાચકને લેખક પ્રત્યે માન ઉપજાવે તેવી છે .
આદિમ ધર્મ પ્રકૃતિપૂજકની સાથે ધર્મભીરુ રહ્યો છે .અર્થાત ઈશ્વર કે ધર્મ વિશેની પ્રેમમુલક અને ભયમુલક માન્યતામાંથી આદિવાસીઓની માન્યતા ભયમુલક રહી છે .તેનું પ્રતિબિંબ પાડતા લેખકે ચૌધરીઓની ભૂતો વિશેની માન્યતા અને બડવા-ભોપા કે ભૂવાઓના આદિવાસીઓ પરના પ્રભાવની સવિસ્તર ચર્ચા કરી છે .લેખકના નોંધ્યા પ્રમાણે ચૌધરીઓમાં સ્વયંભૂ અને સ્થાપિત કે સતિ ભૂત (પૃષ્ઠ.૪૪૩) , ભૂત બનવા પાછળની માન્યતાઓ વગેરેને લેખકે ભીતર-બહારથી પ્રગટાવી છે . અને બહારના સંશોધકોને જે માહિતી આકાશ-પાતાળ એક કરવા છતાં ન પ્રાપ્ત થાય તે લેખકે સહજસુલભ કરાવી છે .
હવે શ્રી અરવિંદભાઈ ચૌધરી સંશોધિત-સંપાદિત ‘’ચૌધરી , આદિવાસીઓના દેવથાનકો અને દેવકથાઓના લેખાજોખા કરીએ . પ્રસ્તુત પુસ્તકના સંશોધન-લેખન માટે લેખકે જે પરસેવો પાડ્યો છે તેની અનુભૂતિ તો વાચકને પુસ્તકના પ્રત્યેક પાને થશે .આખું પુસ્તક નવતર તથ્યોથી ભરેલું છે .લેખક ખુદ ચૌધરી અને સ્થાનિક હોવાથી તેનો લાભ થયો છે . લેખકે મોઢામોઢની વાતો કરવાને બદલે શાસ્ત્રીય ઢબે સાક્ષાત્કાર અને રૂબરૂ મુલાકાતો યોજી અમુલ્ય કહી શકાય તેવી માહિતી આપણા સુધી પહોચાડી છે . પુસ્તકના અંતે આપેલાં ૨૬ સંદર્ભ પુસ્તકોની યાદી પણ ગ્રંથના મૂલ્યમાં વધારો કરે છે . ચૌધરી બિરાદરો માટે તો ગ્રંથનું મુલ્ય ધર્મશાસ્ત્ર કરતાં લેશમાત્ર ઉણું ઉતરે તેમ નથી .પણ મારે આ પુસ્તકની ઉપયોગીતા બીજી રીતે આંકવી છે અને તે તેના સંશોધનાત્મક મૂલ્યની . આજે આદિવાસી ઈતિહાસલેખન એ ઇતિહાસનું ઉભરતું ક્ષેત્ર છે . ખુદ આદિવાસી અને બિનઆદીવાસી સંશોધકો માટે આદિવાસીવિદ્યા મનભાવન સંશોધનક્ષેત્ર બની ચુક્યું છે પણ બાહ્ય સંશોધકો માટે સૌથી મોટી મર્યાદા રૂબરૂ મુલાકાતો ,સાક્ષાત્કાર અને ક્ષેત્રકાર્ય દ્રારા માહિતીના સ્ત્રોતો પ્રાપ્ત કરવાની આવે છે , પરિણામે આવાં સંશોધનો ઉપરછલ્લા અને છીછરા બની રહ્યાં છે . પરંતુ આદિવાસી ઈતિહાસ અને સંસ્કૃતિને અસલ જુસ્સાથી પ્રગટાવવા માંગતા સંશોધકો માટે અરવિંદભાઈ ચૌધરીનું પુસ્તક માર્ગદર્શક જ નહિ માહિતીની ખાણ સમાન છે.જેવી રીતે ભગવાનદાસ પટેલના સંશોધનો ઉત્તર ગુજરાત માટે ઉપયોગી છે . આદિવાસી ઈતિહાસ ,સંસ્કૃતિ , અર્થકારણ ,સમાજકારણ , ધર્મ , સાહિત્ય અને તત્વજ્ઞાન જેવાં કોઈપણ ક્ષેત્રના સંશોધકોને પ્રસ્તુત પુસ્તકમાંથી કાંઇક ભાથું મળી રહેશે તેવી મને શ્રદ્ધા છે .
ગુજરાતના આદિવાસી ચૌધરીઓ વિષે લખનારા અરવિંદ ચૌધરી પહેલાં સંશોધક નથી .છેલ્લા એક સૈકાથી ચૌધરી આદિવાસીઓ સંશોધકોનું વિષયવસ્તુ બનતાં આવ્યાં છે .તેમાં પ્રેમાનંદ ધોળીદાસ પટેલ (નવસારી પ્રાંતની કાળીપરજ ,વડોદરા ,૧૯૦૧ . આ પુસ્તકનું સંપાદન અને પુન:પ્રકાશન અરુણ વાઘેલા અને ડો.સી.સી.ચૌધરી કર્યું છે .) , બી.એચ.મહેતા , આઈ.પી.દેસાઈ ,ડેવિડ હાર્ડીમેન અને અરવિંદ ભટ્ટ વગેરે મુખ્ય છે . આ સંશોધનો બિનઆદિવાસી સંશોધકો દ્રારા અને મહદઅંશે બિનઆદિવાસી સ્ત્રોતો દ્રારા થયાં છે . પણ અરવિંદભાઈ ચૌધરીએ જે રીતે ગ્રાસરૂટથી ચૌધરી ઈતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરી છે તેનો કોઈ મુકાબલો નથી . કારણકે લેખકે આદિવાસી ઈતિહાસ-સંસ્કૃતિને કંઠસ્થ થી ગ્રંથસ્થ રીતે સુપેરે મૂકી આપ્યો છે .તે બદલ માત્ર ગુજરાતનો આદિવાસી ચૌધરી સમાજ જ નહિ સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ લેખકનો ઋણી રહેશે .કારણકે લેખકે મૌખિક પરંપરાઓને વૈજ્ઞાનિક ઢબે લિપિબદ્ધ કરી જ્ઞાનજગતના દ્રારે પ્રસ્થાપિત કરી દીધી છે .
છેલ્લે કેટલાક સૂચનો કરવા જ રહ્યાં .કારણકે સૂચનો હંમેશા ઉત્તમ કે ગુણવત્તાયુક્ત કાર્યો માટે જ હોય :
એક તો ,આઈ.એસ.બી.એન નંબરને પુસ્તકના મુખપૃષ્ઠ પર મુકવાની જરૂર ન હતી ,
બીજું , પ્રસ્તાવના , આવકાર ,પ્રકાશન વેળાએ મારી વાત ( જેને લેખકે પહેલાં ત્રણ પ્રકરણમાં ગણ્યાં છે ) તે અને અને પ્રકરણ ૭૯ ,સંપર્ક સૂત્ર , પ્રકરણ ૮૦,માહિતીદાતા અને પ્રકરણ ૮૧ સંદર્ભસુચિ વગેરેને પ્રકરણના ભાગરૂપે ન ગણવા જોઈએ .
ત્રીજું , સંદર્ભસુચિમાં તેમણે દર્શાવેલા પુસ્તકો અને સંદર્ભોની પૂરી વિગતો (પ્રકાશન સંસ્થા , પ્રકાશન વર્ષ વગેરે) દર્શાવી હોત તો અનુગામી સંશોધકો માટે વધુ ઉપયોગી બની હોત !
સમગ્રતયા આ પુસ્તકમાં માત્ર દક્ષિણ ગુજરાતના ચૌધરીના ઈતિહાસ કે સંસ્કૃતિનું જ નિરૂપણ નથી અહી ચૌધરીઓની સમાજવ્યવસ્થા અને સમયના વહેણ સાથે તેમાં આવેલા બદલાવો , આદિવાસી તત્વજ્ઞાન , આદિવાસી સાહિત્ય વગેરનું બારીક વર્ણન અને વિશ્લેષણ પ્રાપ્ત થાય છે .તેમાં ભાષાના માધ્યમ તરીકે ગુજરાતી ઉપરાંત ચૌધરી ભાષાનો પણ લેખકે છૂટથી ઉપયોગ કરી આદિવાસી ભાષાને વિસ્મૃત થતી અટકાવવાની નેમ પણ રાખી છે .(ઉદા.તરીકે પૃષ્ઠ. ૩૬૭ પર નાંદરવા દેવની પૂજાવિધિ) સાથે અનેક રંગીન અને શ્વેત-શ્યામ ગુણવત્તાસભર તસ્વીરો ગ્રંથના મૂલ્યમાં વુદ્ધિ કરે છે અને વિષયવસ્તુને સમજવામાં તથા માણવામાં મદદરૂપ થાય છે . તસ્વીરો માટે તો મારું સૂચન છે કે લેખકે તેનું સ્વતંત્ર પ્રદર્શન પણ યોજવું જોઈએ . આ બૃહદ ગ્રંથને વાંચ્યા પછી કહેવાની ઈચ્છા થાય કે અરવિંદભાઈ ચૌધરીના આ પુસ્તકમાં ચૌધરીઓ વિષે શું છે એમ નહિ પણ શું નથી ? એમ કહેવું જોઈએ .એક જ્ઞાતિ-કે જાતિના સર્વસંગ્રહ સમું ભગીરથ કામ લેખકે એકલપંડે કરી બતાવ્યું છે . કોઈ યુનિવર્સિટીનો પ્રોફેસર પણ ન કરી શકે એવું આ ગંજાવર શોધકાર્ય છે . મારા હાથની વાત નથી , હોત તો આ શોધકાર્ય માટે હું જ્ઞાનજગતની સવૌચ્ચ ગણાતી પીએચ.ડી કે ડી.લીટ્ટની પદવીથી લેખકને વિભૂષિત કરી દેત ! શ્રી અરવિંદભાઈ ચૌધરીને આવો મુલ્યવાન ગ્રંથ સંપડાવી ગુજરાતની આદિવાસીવિદ્યામાં નવો મુકામ ઉભો કરવા બદલ હાર્દિક અભિનંદન . માત્ર ચૌધરી આદિવાસીઓ જ નહિ ,ગુજરાતના આદિવાસી સંશોધકો પણ આવા માર્ગસૂચક સંશોધન કાર્ય માટે આપના સદૈવ ઋણી રહેશે . વાચકો અને સમાજશ્રેષ્ઠીઓને નમ્ર અરજ છે કે અરવિંદભાઈના પુસ્તકનો પ્રચાર-પ્રસાર કરવા માટે આપના સ્તરેથી જેટલાં થાય એટલાં પ્રયાસો કરો . ચૌધરી,આદિવાસીઓના દેવથાનકો અને દેવકથા ગ્રંથના ઓવારણા લો , તેને વધાવી લો.
{ચૌધરી અરવિંદ (લેખન અને સંપાદન) , ચૌધરી , આદિવાસીઓના દેવથાનકો અને દેવકથાઓ ,( ડબ્બલ ક્રાઉન સાઈઝ , પાકું પૂઠું–રંગીન અને શ્વેત-શ્યામ તસ્વીરો સાથે) પ્રકાશક પોતે , વ્યારા , ૨૦૨૪ , પૃષ્ઠ સંખ્યા – ૪૭૪ , સહયોગ રાશિ : ૧૫૦૦ રૂપિયા }
Comments
Post a Comment