હાસ્યલેખ ,એક હારેલી ક્રિકેટ મેચનું પોસ્ટમોર્ટમ
એક હારેલી મેચનું પોસ્ટમોર્ટમ
ટીવી પર ક્રિકેટ મેચ પત્યાં પછી ચર્ચા કરવા માટેનું ઉત્તમ સ્થળ કયું ? આ સવાલનો જવાબ મોટેભાગે પાનનો ગલ્લો જ હોવાનું . મેચ પૂરી થયાં પછી ક્રિકેટ રસિકની હાલત પ્રસુતાને પ્રસુતિ પહેલાં હોય એવી જ કફોડી હાલત તેની ઘરેથી પાનના ગલ્લે પહોચવા સુધી હોય છે .પાનના ગલ્લે પહોચ્યાં પછી ગલ્લાવાળો જાણે પસદંગી સમિતિનો ચેરમેન હોય તેમ તેને તાડુકીને કહેશે કે આ હાર્દિક પંડ્યાને કેપ્ટનપદ પરથી હટાવી દો , ન ચાલે આવો માયકાંગલો કેપ્ટન ! ચહલને કેપ્ટન બનાવી દો . આટલી પ્રસ્તાવના બાંધ્યા પછી શરૂ થાય એક રમાઈ ગયેલી અને ઈતિહાસ બની ગયેલી મેચની ચર્ચા કે જેમાં આ લોકોના અભિપ્રાયની કોઈ જ અસર પડવાની નથી .પણ તેઓ કરશે પૂરી મેચનું પોસ્ટમોર્ટમ .
ગમે તેવા સક્ષમ લેખકને દુધપીતા કરી દેવાનું કામ સાહિત્ય વિવેચકો કરે તેમ આ ગલ્લીયા વિવેચકો (પાનને ગલ્લે ઉભા રહી ચર્ચા કરતાં હોય છે એટલે ! ) પણ આખી મેચનું પોસ્ટમોર્ટમ કરી નાંખે .અહી એક બાબત નોંધપાત્ર રહે છે કે ક્રિકેટના કોઈપણ પ્રકારના જ્ઞાન વગરના , મેચ ન જોનારા પણ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ શકે છે .તેમાં ક્રિકેટમાં કેટલાં સ્ટમ્પ , અમ્પાયર કે ખેલાડી હોય તેની જાણકારી વગર પણ તમે ભાગ લઇ શકો ! પણ તેમની રજૂઆત એવી ઝમકદાર હોય કે બ્રેડમેનના જમાનામાં તેઓ રમતા હોત તો બ્રેડમેન બારમો ખેલાડી હોત !
સદરહુ ક્રિકેટ વિવેચકો મોટેભાગે ભારત માટે(નરેન્દ્ર મોદીનો દર રાખ્યાં વિના) ઇન્ડિયા શબ્દ પ્રયોજે છે .ઇન્ડિયાએ આમ કરવું જોઈએ ને ,ઇન્ડિયા એ ફલાણું તો ક્રિકેટમાં કરવાનું બાકી જ છે . વિશ્વકપમાં પરાજય માટે તેઓ રાષ્ટ્રપતિનું રાજીનામું પણ માંગી શકે છે .તો અગિયારની ટીમમાં સુક્લકડા છોકરડાઓને રાખવાને બદલે દારાસિંઘ કે ખલી જેવાં મજબુત ખેલાડીઓને રાખવાની ભલામણ પણ કરી શકે અને મેચ પહેલાં ખેલાડીઓને ભરપુર માત્રામાં લાડવા ખવડાવવાની પણ .પ્રસ્તુત ક્રિકેટ વિવેચન સ્થાને સહુથી વિશેષ મજા કે આનંદ ભારતની ટીમ અને એમાંય પાકિસ્તાન સામે હારી હોય ત્યારે ઉપસ્થિત રહેવાની આવે .એમનો બળાપો જુઓ ...’ વળી પાછા હારી ગયાં સાલ્લાઓ ! જોયુંને ? આપણને તો બાપુ સવારમાં જ ખબર હતી કે આવડાઓ હારવાના જ ( તોય બાપુએ પાછી મેચ જોયેલી ! ) કારમી હાર પછીય શરમ જેવો છાંટો નથી .આમને તો ક્રિકેટ છોડાવી ગેડીદડો રમાડો ...., ગેડી દડો ! પછી શરૂ થાય શું થઇ શક્યું હોત એની ચર્ચા . “તમને નથી લાગતું કે ઘરડાં ગાડા વાળે એમ ગાવસ્કરને ઇલેવનમાં રાખવો જોઈએ ? ભલે એનાં ૭૦ વર્ષ થયાં પણ પાકિસ્તાન સામે એનો રેકોર્ડ તો જુઓ બોસ ? “,
“ વિરાટે જમણેરી બેટ્સમેન તરીકે ન રમવું જોઈએ ? “,
ડાબેરી બોલરો સામે હંમેશા ડાબા હાથે જ રમવું જોઈએ .’ ,
“ એને ખબર છે કે સ્લીપમાં ત્રણ ખેલાડી મર્યા છે તો ત્યાં શું કામ ફટકો મારવો જોઈએ ,પણ એ ન માને હજુ તમે જોજો તો ખરા આગલી મેચમાં પણ આમ જ પાળિયો થવાનો !”
આ વિવેચકોની વાતો સાંભળી આપણે પસંદગી સમિતિના ચેરમેન હોઈએ તો ભારતની ટીમમાંથી વિરાટ કોહલીને હાંકી કાઢી આપણા આ વિવેચકને રાખી લઈએ .
આ ક્રિકેટ વિવેચકોમાં ઘણું બધું સંમિશ્રણ જોવા મળે છે .ખેલાડી , એમ્પાયર ,થર્ડ એમ્પાયર , ટીવી એમ્પાયર , પસંદગીકાર અને પીચ બનાવનાર પણ .જીવનમાં ક્રિકેટ તો શું ગેડીદડો પણ નહિ રમેલા અને બોલ ગોળ આવે કે ષટકોણ એ નહિ જાણનારા યોર્કર સામે કેમ રમવું એની સલાહ સચિનને આપી શકે !
એક સાહિત્ય વિવેચક પોતાના મિત્રની કૃતિ ન હોય ત્યારે ટકોરા મારી મારીને તપાસે છે તેમ ક્રિકેટ વિવેચકો પણ મેચના દરેક પાસાંની ઝીણવટપૂર્વક તપાસ કરે છે .કશું ટીકાપાત્ર હાંસલ ન થતાં છેલ્લે જજને કયારેય જશ નહિ તેમ સાહિત્ય વિવેચકો પ્રિન્ટીંગ અને ભાષા પર હુમલા કરે છે તેમ તેઓ એમ્પાયર પર હુમલો કરે છે .....’ સાલ્લા એમ્પાયરો તો જુઓ ? દેશદાઝ જેવું કાંઈ મળે જ નહિ , રોહિત જેવો ખેલાડી આઉટ થતો હોય અને સ્કૂલનો છોકરો લઘુશંકા માટે આંગળી ઉંચી કરે તેમ આંગળી ઉંચી કરી દેવાની ? , આમને તો દેશદાઝ શીખવા પાકિસ્તાન મોકલો પાકિસ્તાન .’
એમ્પાયરને અડફેટમાં લીધાં પછી સાહિત્ય વિવેચક લેખકની કોઈ ખામી હાથમાં ન લાગતા પ્રસ્તાવનાકાર પર ગુસ્સો ઉતારે તેમ તેઓ પસંદગી સમિતિ પર પોતાનો ગુસ્સો ઉતારવાનું પસંદ કરે છે ....’ શું જમાનો આવ્યો છે , આ ભારતના પસંદગીકારો તો જુઓ ? બધા ખેલાડી પોતાના ઝોનના જ લેવાના ? બસ ક્રિકેટનું બેટ પકડતા આવડવું જોઈએ , યુવાનોને પ્રેમમાં પડતાં અને બ્રેકઅપ થતાં લાગે એટલાં સમયમાં તો રાષ્ટ્રીય ટીમ ઉભી કરી દે છે .શું થશે આ દેશનું ? બસ બધે લાંચ-રુશ્વત ,,સટ્ટાબાજી , લાગવગ સિવાય કાંઈ બચ્યું જ નથી .એમનો ગુસ્સો ક્રિકેટ પરથી સ્થળાંતરિત થઇ રાષ્ટ્રીય સમસ્યાઓ પર પહોચતાં બોલને બાઉન્ડ્રી સુધી પહોચતાં થાય એટલી ય વાર થતી નથી .બસ એક કુશળ રાજનેતા પોતાની સામેની સમસ્યાથી લોકોનું ધ્યાન ભટકાવવા – વિચલિત કરવા નવી જ સમસ્યા ઉભી કરે છે તેમ જ .
ક્રિકેટ પરથી રાષ્ટ્રીય સમસ્યાઓ પર સ્થળાંતરિત થયેલી ચર્ચા તાત્કલિક ક્રિકેટ પર આવતી નથી .એ નથી આવતી એવું ય નથી .આવે છે ત્યારે..., જયારે નવી સિરીઝ કે આગામી વર્લ્ડકપ આવવાનો હોય ત્યારે .આ બધું જોતાં ક્રિકેટ અને ચાહકો વચ્ચેનો બળાપો જીવનથી ક્ષણિક કંટાળેલા વ્યક્તિના સ્મશાન વૈરાગ્યથી વિશેષ કશું હોતું નથી . કારણ ક્રિકેટ તમને કંટાળવા દે ? ’
Comments
Post a Comment