ગુજરાતનો એકમાત્ર જંગલ સત્યાગ્રહ
અરુણ વાઘેલા
ગુજરાતનો નવતર સત્યાગ્રહ :
મલાવ જંગલ સત્યાગ્રહ (૧૯૩૦)
વિશ્વના આઝાદીના ઈતિહાસના સંદર્ભમાં ભારતનો આઝાદીનો અજોડ અને બેનમૂન છે. ૧૮૫૭ થી ૧૯૪૭ દરમિયાન વિભિન્ન પ્રકારની વિચારસરણી ઓથી ભારતીય સ્વતંત્રતા આંદોલન પ્રભાવિત થયું હતું ૧૯૨૦માં ગાંધીયુગની શરૂઆત થાય પછી ભારતમાં બ્રિટિશ શાસનનો વિરોધ કરવાની ત્રણેક પદ્ધતિઓ ખાસ જાણીતી બની હતી . (૧) મીઠા સત્યાગ્રહો (૨) નાકર આંદોલન (૩) બિન જકાતી મીઠું વેચવું, પરંતુ ૧૯૩૦ના અરસામાં સત્યાગ્રહની વિભાવના વ્યાપક બનાવવાની ભાવનામાંથી જંગલ સત્યાગ્રહનો વિચાર ઉદ્ભવ્યો હતો. દક્ષિણ ભારત અને જંગલાચ્છાદિત રાજયોમાં જંગલ સત્યાગ્રહો ધણાં લોકપ્રિય બન્યા હતા. આવા સત્યાગ્રહની ઘટના ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના મલાવ ગામ સાથે પણ સંકળાયેલી છે. ગુજરાતના સત્યાગ્રહના ઇતિહાસમાં નવતર અને એક માત્ર કહી શકાય તેવા આ મલાવ જંગલ સત્યાગ્રહ વિશે અહી ચર્ચા કરવામાં આવી છે.
ઈ. સ. ૧૯૩૦ની સવિનય કાનૂનભંગ ચળવળના ભાગરૂપે થયેલ દાંડીકૂચનો ઇતિહાસ વિશ્વ પ્રસિદ્ધ છે. ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતનાં સત્યાગ્રહીઓને ભાગ લેવા લલચાવનારી આ મહાન ઘટના હતી પરંતુ ગાંધીજીએ દાંડીકૂચમાં સત્યાગ્રહીઓની મર્યાદા બાંધી હતી. છતાં આવા કાર્યક્રમો જિલ્લા અને તાલુકા કક્ષાએ થાય તેવી અપેક્ષા રાખી હતી. ગાંધીજીના આહ્વાનરૂપે કોઈપણ ઐતિહાસિક કાર્ય સકારણ થતું હોય છે તેમાં લાંબાગાળા અને ટૂંકા ગાળાના અનેક પરિબળો ભાગ ભજવે છે.મલાવ જંગલ સત્યાગ્રહમાં નીચેના પરિબળો કાર્યરત હતા. સવિનય કાનૂનભંગ આંદોલનના સ્થાનિક પ્રતિભાવરૂપે ધોલેરા, વીરમગામ, અને ધરાસણા જેવા સ્થળોએ મીઠા સત્યાગ્રહો થયા હતા.
(૧) ૧૯૧૭ની પહેલી રાજકીય પરિષદ પછી પંચમહાલની પ્રજામાં રાજકીય ગતિવિધિઓનો સંચાર થયો હતો. ઉપરાંત સ્થાનિક સ્તરે સ્વાતંત્ર્ય લડતોમાં પ્રતિકૂળતાઓને લઈ જિલ્લાના આગેવાનો ગુજરાતમાં સમયે સમયે થતી રહેલી સ્વાતંત્ર્ય પ્રવૃત્તિઓમાં પ્રદાન કરતાં રહ્યા હતા. ૧૯૩૦માં ગાંધીજીએ પંચમહાલની શક્તિઓને પિછાણી તા. ૧૫, એપ્રિલ ૧૯૩૦ના રોજ લક્ષ્મીદાસ શ્રીકાંતને ઉદ્દેશીને લખેલા પત્રમાં સંદેશો આપ્યો કે..... પંચમહાલ મોડું જાગે છે. તેમાંય ઈશ્વરી સંકેત હશે. આ ધર્મયુદ્ધમાં પહેલા છેલ્લે બેસેને છેલ્લો પહેલે.....તો નવાઈની વાત ન ગણાય : પંચમહાલની શક્તિનો તો પાર જ નથી પણ હવે દુઃખ એ છે કે આપણે ધણીવાર, આપણી શક્તિને ઓળખતા નથી. આ વખતે એ ઓળખ કરવાની છે. પંચમહાલ કરશે એવી આશા છે. જ” ગાંધીજી જેવા રાષ્ટ્રીય નેતાનો આવો પ્રેરક સંદેશ જિલ્લાના નેતાઓને ચેતનવંતા કરવા માટે પૂરતો હતો, પરંતુ ગાંધીજીના પૂરક મીઠા સત્યાગ્રહો કરવાના આહવાનને ઝીલવામાં તેઓ અસમર્થ હતા, કારણ કે પંચમહાલમાં દરિયાકાંઠો ન હોવાથી મીઠું પકવવાનો કાર્યક્રમ થઈ શકે તેમ ન હતો. પૂર્વે બીજા જિલ્લામાંથી બિનજ કાતી મીઠું લાવી વેચવાનો પ્રયોગ થયો હતો. પરંતુ પંચમહાલની નોકરશાહીએ તેને ગંભીરતાથી ન લેતા સત્યાગ્રહીઓને ઉત્સાહ માર્યો ગયો હતો. સત્યાગ્રહ નહીં તો શું ? એવા મનોમંથનમાંથી જંગલ સત્યાગ્રહનો વિચાર ઉદભવ્યો.
(૨) ઉપરની ચર્ચા પછી જંગલ સત્યાગ્રહની સવિનય કાનૂનભંગની આડપેદાશરૂપી ધટના તરીકેની છબિ ઉભી થાય છે. પરંતુ ૧૯૧૭ની પહેલી રાજકીય પરિષદ (ગોધરા)માં તેના મૂળિયા પડેલા જણાય છે. તેમાં ઠરાવાયું હતું કે (અ) સરકાર દ્વારા ધીરે ધીરે કમી કરાઈ રહેલી ગોચરની જમીન છુટી કરવી (બ) પંચમહાલ અને ગુજરાતના બીજા ભાગોમાં જંગલના ચરાઉ ભાગમાં વધારો કરી ગરીબ અને ખેડૂત વર્ગને ખેતીના અને બળતણના કામ માટે જોઈતું લાકડું લેવા છૂટ આપવી. તત્પશ્ચાત આદિવાસીઓના જંગલના હક્કો વિશે લડત ચલાવી હતી. દાહોદ તાલુકાના ગમલા ગામે ૧૯૩૦ના સપ્ટેમ્બરમાં સભા ભરી તેમાં કાનૂનભંગ કરતું ભાષણ કર્યું. આ ભાષણ માટે ડાહ્યાભાઈ નાયક અને સુખદેવ ત્રિવેદીને આઠ-આઠ માસની સજા થઈ હતી. એ જ પ્રમાણે ઝાલોદમાં ભરાયેલી ભીલ પરિષદે માથાભારી લાકડા વેચવાની છૂટ છીનવી લેવામાં આવી તે સામે વિરોધ દર્શાવ્યો હતો. ટૂંકમાં જંગલ સત્યાગ્રહ પૂર્વનું અસરકારક વાતાવરણ સ્થાનિક સ્તરે મોજુદ હતું. સવિનય કાનૂન ભંગની લડત અને ગાંધીજીના સંદેશાએ તેને વ્યવહારમાં અમલમાં મૂકવાનું બળ આપ્યું હતું.
મલાવ જંગલ સત્યાગ્રહની આગેવાની ભીલ સેવક લક્ષ્મીદાસ શ્રીકાંતે લીધી હતી. જંગલ સત્યાગ્રહ પંચમહાલની ભૌગોલિક સ્થિતિને સુસંગત તો હતો જ, સાથે નેતાઓના મનમાં એવું ગણિત હતું કે આદિવાસી હિતને સ્વરાજ્ય પ્રાપ્તિ સાથે સાંકળી ભીલ અને નાયક જેવી આદિવાસી કોમોને પણ સ્વાતંત્ર્યની લડતોમાં જોતરવી. આમ આદિવાસી હિતનો પ્રશ્ન અને વિશાળ આદિવાસી સમૂહના સથવારે જંગલ સત્યાગ્રહ શરૂ થયો. સત્યાગ્રહીઓએ સત્યાગ્રહના સ્થળ તરીકે કાલોલ તાલુકાનું મલાવ ગામ નક્કી કર્યું. મલાવ ઈનામદારી અને બિન આદિવાસી. ગામ હતું. બિન આદિવાસી ગામમાં જંગલ સત્યાગ્રહ એ વિચારણીય બાબત બની રહે છે. છતાં જંગલનું બીડ, કાલોલ તાલુકામાં સ્વાતંત્ર્યની લડતોનો ઉત્સાહ વગેરે બાબતોને તેના સમર્થનમાં મૂકી શકાય. મલાવ ગામના તળાવની ઉગમણી બાજુ નરગોળ (કોતર)ની ઉપરવાસ ગૌચરની ૪00 એકર જમીનમાં આ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. પ્રસ્તુત સ્થળ બીડ હતું. જેના પર મલાવ ગામનો અધિકાર હતો. પરંતુ ઘાસ લઈ જવા માટે ગામલોકો પાસેથી એક પૈસો ટેક્સ લેવામાં આવતો હતો.
મલાવ જંગલ સત્યાગ્રહ સ્થાનિક કક્ષાની અને હિતોની લડત હોવા છતાં તેની પાછળ સુવ્યવસ્થિત આયોજન હતું. લડતના કાર્યક્રમ મુજબ ઘાસના બીડમાંથી હાથ વડે ઘાસ ઉખેડીને અને ઢોરને બીડમાં છુટા ચરવા મૂકી દેવાની યોજના હતી. ગાંધીપ્રેરિત અહિંસાના સિદ્ધાંતનું પાલન થાય તે માટે લક્ષ્મીદાસ શ્રીકાંતે દાતરડાં અને કુહાડી જેવા હથિયારોનો ઉપયોગ કરવાનો નિષેધ કર્યો હતો. આ બાબતમાં ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતનું પાલન તો હતું જ સાથે જંગલના ઝાડો કે જે આપણી અમૂલ્ય સંપત્તિ હતી તેને સુરક્ષિત રાખવાની બાબત પણ અભિપ્રેત હતી. જંગલ સત્યાગ્રહ સફળ થાય તો સરકાર જમીન મહેસુલ પણ ન ઉઘરાવી શકે તેવી દુરની શક્યતા પણ સ્થાનિક નેતાઓ જોતાં હતા.
મલાવ જંગલ સત્યાગ્રહ માટે ૨૬ સપ્ટેમ્બર ૧૯૩૦નો દિવસ પસંદ કરવામાં આવ્યો. જેમાં નીચેની બાબતો પર વિશેષ તૈયારી કરવામાં આવી હતી.
(૧) ઘવાયેલા સૈનિકોની સારવાર માટે ડૉકટરો, સેવિકાઓ અને રેડક્રોસના સૈનિકો હાજર રખાયા હતા.
(૨) ખેડૂતોએ આખી રાત કાંસી અને મૃદંગની રમઝટ બોલાવી, ભજનોની ઝડી વરસાવી વાતાવરણને પવિત્ર કરી મૂક્યું હતું.
(૩) પ્રત્યેક સત્યાગ્રહીઓની ગામવાર યાદી તૈયાર કરી હતી, જે આશરે ૧૫00 સુધી પહોંચી હતી
(૪) મોટા નેતાઓની ગેરહાજરીમાં થનારો આ સત્યાગ્રહ સફળ થાય તે માટે જનતાને અહિંસાની ગાંધી ચીંધી વાતો સમજાવાઈ હતી. .
(૫) રણક્ષેત્ર પરથી કલાકે કલાકે કાલોલની મુખ્ય ઓફિસે સંદેશા મળી રહે તે માટેની વ્યવસ્થા કરી હતી, એના માટે પણ એક ટુકડી રચાઈ હતી.
(૬) જંગલ સત્યાગ્રહમાં લોકમત ઊભો કરવા માટે કાલોલ તાલુકાના કોગ્રેસી નેતાઓએ ખેડૂતોમાં પ્રચાર કર્યો હતો.
પૂર્વયોજના પ્રમાણે ૨૬ સપ્ટેમ્બર ૧૯૩૦ના રોજ મલાવ જંગલ સત્યાગ્રહના મંડાણ થયા. પ્રારંભે સત્યાગ્રહના નેતા શ્રી લક્ષ્મીદાસ શ્રીકાંતે સત્યાગ્રહીઓને પ્રેરણાદાયી સંદેશો આપ્યો અને માનવસમૂહ નિશ્ચિત સ્થળ તરફ રવાના થયો. સત્યાગ્રહીઓ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ની પવિત્ર ધૂનથી વાતાવરણને જીવંત રાખતા હતા. સામે પક્ષે આવા સત્યાગ્રહોમાં પોલીસનું જે કામ હોય છે તેવું કામ આ જિલ્લાની પોલીસે પણ કર્યું. સત્યાગ્રહીઓ મલાવ પહોંચ્યા તે પહેલાં પંચમહાલની પોલીસ રણક્ષેત્રને ઘેરો ઘાલીને પડી હતી. સત્યાગ્રહ શરૂ થાય તે પહેલાં સરકારના પ્રતિનિધિરૂપ જિલ્લાના મેજીસ્ટ્રેટ મિ. ક્રિપલાની, સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ મિ.લાડ, પોલીસ સુપ્રિ મિ. જનાન શાહ, ડે.પો. સુપ્રિ. મિ. કાબરાજી, જંગલ ખાતાના વડા મિ. સેડીમેન વગેરેએ સત્યાગ્રહના જોખમોની ચેતવણી આપી લોકોને સત્યાગ્રહ ન કરવા સમજાવ્યા. સરકારી અમલદારોની સલાહને અવગણીને શ્રી લક્ષ્મીદાસ શ્રીકાંતે સત્યાગ્રહીઓ સાથે ઘાસના ચારસો એકરના બીડમાં પ્રવેશ કરી હાથથી ઘાસ તોડી, સેંકડો ઢોરોને બીડમાં છૂટા ચરવા મૂકી દઈ સરકારના અન્યાયી કાયદાનો સરકારી રક્ષાકોની હાજરીમાં ભંગ કર્યો. પોલીસોની હાજરીમાં સત્યાગ્રહ થયો છતાં પોલીસ નિઃસહાય રહી તે માટે બે-ત્રણ કારણો જવાબદાર હતા.
(૧) વિશાળ પ્રમાણમાં સત્યાગ્રહીઓ અને સેંકડો ઢોરોને રોકવા કે અંકુશમાં રાખવાનું કામ પોલીસ માટે મુશ્કેલ જ નહીં પણ અશક્ય હતું.
(૨) તત્કાલીન કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આચાર્ય ક્રિપલાની એ સત્યાગ્રહીઓને કોઈપણ પ્રકારની મારઝૂડ કે ત્રાસ ન આપવા પોલીસને આદેશ કર્યો હતો.
(૩) ગામમાં ઉપલબ્ધ પોલીસો ખાણી-પીણી અને નિવાસ માટે ગામના મુખી પર નિર્ભર હતા. ગામ લોકોના બહિષ્કારના ભયે પણ પોલીસ નિઃસહાય બની હતી.
આમ માત્ર બે કલાકના ગાળામાં મલાવ જંગલ સત્યાગ્રહ પુરો થયો. સત્યાગ્રહની પૂર્ણાહૂતિ પછી તેમના મુખ પર 'જંગલ કા કાનૂન તોડ દિયાનું સૂત્ર રમતું હતું. પરંતુ હવે જ સરકારી તંત્ર પોતાના કિમિયા અજમાવવાનું થાય તે માટે પ્રજાને નેતાવિહિન કરી દેવા માટે ડૉ, માણેકલાલ ગાંધી, મારૂતીસિંહ ઠાકોર અને બકોરભાઈ પટેલને ગોધરાની સબ જેલમાં પૂરી દીધા હતા. જયારે મુખ્ય નેતા લક્ષ્મીદાસ શ્રીકાંતને પોલીસની નજરથી બચવા માટે ચોરી છૂપીથી દાહોદથી મલાવ પહોંચવું પડ્યું હતું. ૨૬ સપ્ટેમ્બર ૧૯૩૦ની રાત્રે પોલીસે પોતાનું અસલ સ્વરૂપ પ્રકટ કર્યું. સત્યાગ્રહની સફળતાના ઉન્માદમાં ભાષણ કરી રહેલાં શ્રી લક્ષ્મીદાસ શ્રીકાંતને સત્યાગ્રહ ઉત્તેજક ભાષણો કરવા બદલ પકડવામાં આવ્યા. તેમને જંગલ ખાતાની કલમો અનુસાર ૧૧ માસની જેલની સજા કરવામાં આવી. તદઉપરાંત અન્ય ૩૫ થી ૪૦ જેટલા સત્યાગ્રહીઓને પણ નાની-મોટી સજાઓ કરવામાં આવી. અગાઉ પકડાયેલા માણેકલાલ ગાંધી, બકોરભાઈ પટેલ ઉપર તારીખ ૬-૯-૩૦ થી ૧૬-૯-૩૦ સુધી સ્વરાજ્ય સંઘમાં જે ભાષણો. આપેલા તેને મલાવના જંગલ સત્યાગ્રહની ઉશ્કેરણીના ગણી તે જ કલમ અનુસાર પાંચ માસની ‘બ' વર્ગની સાદી કેદની સજા કરી સત્યાગ્રહની સમાપ્તિ પછી સ્થાનિક સત્યાગ્રહીઓમાં પીછેહઠના બનાવો પણ નોંધાયા હતા. દા.ત. મલાવના કેટલાક સત્યાગ્રહીઓ હાલોલ કોર્ટમાં માફી માંગી છૂટ્યા હતાં. આવા બનાવો. સ્પષ્ટતઃ ગાંધી પ્રેરિત સત્યાગ્રહના સિદ્ધાંતોથી વિપરીત હતા. અને સત્યાગ્રહની ગરીમાને ઝાંખી પાડતા હતા.
મલાવનો જંગલ સત્યાગ્રહ ટૂંકા સમય માટેનો હતો પણ છમકલું ન હતું. ગુજરાતના સત્યાગ્રહના ઈતિહાસમાં નવતર સત્યાગ્રહ હતો. તેણે તત્કાલીન જાહેર જીવન ઉપર નીચે મુજબની અસરો ઉપજાવી હતી.
(૧) મલાવ જંગલ સત્યાગ્રહ ગુજરાતના સત્યાગ્રહોના ઇતિહાસમાં નવતર અને એકમાત્ર પ્રયોગ હતો. (૨) આ વિશિષ્ટ પ્રકારનો સત્યાગ્રહ કોઈ મોટા નેતાઓના માર્ગદર્શન વિના સફળતાને વર્યો હતો. સત્યાગ્રહને નેતૃત્વ આપનાર શ્રી લક્ષ્મીદાસ શ્રીકાંત સત્યાગ્રહની સફળતા પછી શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા હતા .
(૩) સત્યાગ્રહીઓ દ્વારા ગાંધીપ્રેરિત અહિંસાના સિદ્ધાંતનું ચુસ્તતાથી પાલન કરવામાં આવ્યું હતું.
(૪) સત્યાગ્રહ પછી પકડાયેલા મોટાભાગના કાર્યકરો કાલોલ તાલુકાના હતા. સ્વરાજ્યયુગ દરમ્યાન કાલોલ તાલુકો સમગ્ર પંચમહાલને નેતૃત્વ પુરું પાડતો હતો. પરંતુ સત્યાગ્રહીઓની ધરપકડને કારણે પાછળથી જયારે ‘ના-કર'ની લડત શરૂ થઈ ત્યારે તે વ્યવસ્થિતપણે ચાલી શકી ન હતી. ટૂંકમાં મલાવ જંગલ સત્યાગ્રહમાં પકડાયેલા સત્યાગ્રહીઓની ગેરહાજરીમાં કાલોલ તાલુકાનું રાજકીય જીવન શૂન્ય બની ગયું હતું.
(૫) આ સત્યાગ્રહને નેતૃત્વ પુરું પાડનાર લહમીદાસ શ્રીકાંત ભીલ સેવા મંડળના અગ્રણી સેવક હતા. તેમના પ્રભાવમાં ભીલ સેવા મંડળના અન્ય સેવકો અને વિદ્યાર્થીઓ સુદ્ધાં સત્યાગ્રહમાં જોડાયા હતા. ઉપલક દૃષ્ટિએ સારી ગણાતી આ બાબત ભીલ સેવા મંડળ જેવી આદિવાસી ઉત્કર્ષની સેવાપ્રવૃત્તિઓ માટે વિઘાતક પૂરવાર થઈ હતી. સેવકોના અભાવમાં ભીલ સેવામંડળે કેટલીક શાળાઓ અને આશ્રમશાળાઓ બંધ કરવી પડી હતી. આમ રાષ્ટ્રીય ભાવન અને આદિવાસી ઉત્કર્ષની પ્રવૃત્તિઓ સામ સામેના છેડાંની પ્રવૃત્તિઓ બની હતી.
મલાવ જંગલ સત્યાગ્રહના માહાત્મયને તેના નેતા શ્રી લક્ષ્મીદાસ શ્રીકાંતે નીચેના શબ્દોમાં વ્યક્ત કર્યું છે. “મુલાવને, જંગલ સત્યાગ્રહ ગુજરાતમાં એક દૃષ્ટિએ અપૂર્વ હતો અને તે સફળ થયો એટલું જ નહી તે અહિંસક રીતે પડ્યો, જેનો જશ પંચમહાલની જનતાને છે અને થોડે ઘણે અંશે તે સમયના ડાહ્યા અમલદારોને પણ છે. પંચમહાલના આ લડતમાં બહુ જ મોટો ફાળો હતો. ઘણાં યુવકોએ જેલ ભોગવી સ્વરાજ્ય સંગ્રામનાં ઇતિહાસમાં પંચમહાલ નામ ઉજ્જવળ કર્યું છે. જેમાં ભીલ સેવા મંડળના યુવક-યુવતીઓનો ફાળો નાનો સૂનો ન હતો. સત્યાગ્ર નેતા પોતાના કર્તવ્યને આ રીતે ઉજાગર કરે તેમાં કશું અજુગતુ ન ગણાય, પણ સત્યાગ્રહની સફળતા તેની નવીન અને શાંતિપૂર્વક-અહિંસક રીતે પૂરો થવામાં હતી. મલાવ જંગલ સત્યાગ્રહ ગુજરાતનો નવતર અને એકમાત્ર સત્યાગ્રહ હોવાની સાથે સ્વરાજયયુગીન ગુજરાત ઈતિહાસનું સ્વર્ણિમ પાનું
Comments
Post a Comment