સાભાર પરત ,હાસ્યલેખ

                     અરુણ વાઘેલા 
                      સાભાર પરત    
સરકારી કર્મચારીઓએ તેમના નવા પગારધોરણ અને એરિયર્સની અને કોઈ નવયુવાને તેની પ્રેયસીની રાહ નહિ જોઈ એટલી મે એની જોઈ હતી .મને લાગ્યું કે એ સમય રંગેચંગે આવી પહોચ્યો છે .ખુદા કે ઘર દેર હૈ પર અંધેર નહિ હૈ ની વાતમાં મારો વિશ્વાસ વધવા લાગ્યો .આટલી વાત પછી કોઈ સરકારી નોકરીયાતને લાગશે કે આ ભાઈ પગારવધારા કે સરકારે જાહેર કરેલાં મોંઘવારીના હપ્તાની વાત કરતો હશે ?કોઈ યુવાન મારામાં જુલિયેટ , વિજાણંદ કે મજનું શોધવાનો પ્રયત્ન કરશે .કોઈ પરણેલો પુરુષ પત્નીનું પિયરગમન સમજી બેસશે .તો કોઈ સાહિત્યિક સંસ્થાઓના પુરસ્કારની પ્રક્રિયાને નહિ સમજી શકેલો નવોદિત સાહિત્યકાર મને કોઈ સાહિત્યિક ઇનામ-ફીનામ મળવાનું હશે એમ માની લેશે .પણ આવું કશું જ ન હતું મે ઘણા સમય પહેલાં સાહિત્યના સામયિકમાં પ્રકાશન માટે મોકલેલા લેખ છપાવાનો છે કે નહિ તેના હાં કે ના નો જવાબ આવવાનો હતો , એ વખતે બોર્ડર ફિલ્મના સૈનિકોએ ડાકિયાની રાહ જોઈ ન હતી એથી વધુ રાહ મેં ટપાલીની જોઈ હતી . મને લેખ પ્રકાશન પછી લેખક તરીકેનો દરજ્જો મળવાની સંભાવના હતી .
 મારી ટપાલ છે એવી રોજ પૃચ્છા સાથે .. હશે તો ઘરે નહિ લઇ જાઉં કે ખાઈ નહિ જાઉં એમ વછડકુ કરતાં ટપાલીએ જોરથી મારાં તરફ એક પરબીડ્યું ફેંક્યું , જે જમીન પર પડે તે પહેલાં રવીન્દ્ર જાડેજા દોડીને કેચ પકડે તેમ મેં ઝીલી લીધું .આટલી ધીરજ પછી પરબીડ્યું કુનેહપૂર્વક ખોલવાને બદલે સીધું જડબામાં ભરાવી એક ઘા ને બે કટકા જેમ તેને અનાવૃત કર્યું .મે મોકલેલો લેખ ‘ સાભાર પરત ’જેવાં પેન્સિલથી લખેલાં શબ્દો સાથે જેમ રબ્બરનો દડો દીવાલ સાથે અથડાઈ બમણા વેગે પાછો આવે એમ આવી ચડ્યો .એ તો સારું થયું કે ત્યાં કોઈ મિત્રો ઉપસ્થિત ન હતાં નહિ તો હવે પછી હું હાસ્યની વાત કોની આગળ જઈને કરત ?ઘડીભર તો મૈ રોઉં યાં હસું કરું મે કયા કરું ? જેવી મારી હાલત થઇ .બપોરે ખાવાનું ગળે ન ઉતર્યું . એ દિવસે બપોરે પણ ઉજાગરો થયો .(સવારની કોલેજના અધ્યાપક માટે બપોરની વામકુક્ષી ન મળે તો ઉજાગરો ગણાય છે .એ સ્હેજ વાચકની જાણ ખાતર .)
ઘડીક ચિંતન અને મનોમંથન કરી બેઠો થયો,મારી આ બેઠાં થવાની પ્રક્રિયા બીમાર માણસ ખાટલામાંથી બેઠો થાય તેનાં કરતાં વિશેષ કશું ન હતું પણ હું જાણે મારાં બેઠાં થવાની પ્રક્રિયાને ગાંધીજીના આહ્વાન સાથે અંગ્રેજો સ્વતંત્રતા સૈનિકો સામે બેઠાં થઇ ગયાં હોય તેમ માનતો હતો . કાંઈ વાંધો નહિ સાભાર પરત તો સાભાર પરત . આમ ધીમે ધીમે આગળ વધાય , આજે સાભાર પરત , કાલે સાભાર સ્વીકાર , પરમ દિવસે અમારા સામયિકનો દિવાળી અંક આપણા લેખ વિના અધુરો ગણાશે એ દિવસોની આગોતરી કે મનઘડંત ભૂમિકા એમાં દેખાઈ . અને મહાન લેખકોની રચનાઓને તો સામયિકોના નબળા તંત્રી શરૂમાં સમજી જ કયા શકયા હતાં ? એવાં ઐતિહાસિક આશ્વાસન સાથે કોઈ બકરું શરીર પર પડેલા પાણીને ખંખેરી નાંખે તેમ મારી નિરાશાને ખંખેરી નાંખી .એકવાર તો એમ પણ થયું કે સાભાર પરત થયેલી કૃતિ એના એજ સામયિકને વારંવાર મોકલવી , એને છપાવ્યે છૂટકો કરવો પણ ટપાલ ખર્ચની મારી મર્યાદાને પારખી એ ખુરાફાતી વિચાર માંડી વાળ્યો અને સામયિકના તંત્રીને દયા ખાતર છોડી દીધો .મને નજીકથી ઓળખવાવાળા લોકોને થશે કે બીજું તો હું કરી ય શું શક્યો હોત ? એ બાપડો પણ મનુષ્ય જ છે ને માણસ માત્ર ભૂલને પાત્ર . ભવિષ્યમાં એને એની ભૂલ સમજાશે ત્યારે તેને પણ પોતાના સામયિક માટે એક ઉત્તમ લેખક ગુમાવ્યાનો અહેસાસ થશે અને પ્રાયશ્ચિતના ભાગરૂપે તે પોતાના સામયિક માટે સામેથી લેખની માંગણી કરશે અને ત્યારે ‘ છોરું કછોરું થાય પણ ..... અને ક્ષમા વીરસ્ય ભૂષણમ ની ઉક્તિઓ આપણે તો સાર્થક કરવી પડશેને ? આપણા સિવાય આ ઉક્તિઓ સાર્થક કરવાની ત્રેવડ પણ કોની છે ?’
મારો સામયિકમાં પ્રકાશન માટે મોકલેલો લેખ છપાવાને બદલે સાભાર પરત થયો છે તેની ગુપ્તતા જાળવવાની મે પુરતી કોશિશ કરી .તેની લેશમાત્ર જાણ મિત્રવર્તુળમાં ન થાય તેની એટલાં માટે તકેદારી રાખી કે મારી સાભાર પરતની વાતમાં તેમને તેમના લેખના પ્રકાશન કરતાં પણ વિશેષ આનંદ થવાની શકયતા હતી .પણ મારા મિત્રોમાંથી જ ઘણા લેખકો અને ખાસ તો કવિઓ નીકળ્યા કે તેમની સંઘેડાઉતાર રચનાઓને(તેમના મતે !) સામયિકના નબળા તંત્રીઓ સમજી શકયા ન હતાં .(આજે સમજે છે કે કેમ તે તો તેઓ અને સામયિકોના સંપાદકો જાણે ?)પછી તો લોગ આતે ગયે ઓર કારવા બનતાં ગયાની પેઠે હાશ! આપણે એકલા-અટુલા નથી . ઝાઝી તપાસ કરું તો ‘ સાભાર પરત ’ કૃતિઓના લેખકોનું વ્યવસ્થિત સંગઠન પણ બની શકે ! આજ સંસ્થાના આશ્રયે એમના વિચારો (કે કુવિચારો)ને વાચા આપવા માટે ‘ સાભાર પરત ’સામયિક કે મુખપત્ર  પણ ચલાવી શકાય ! ઉપરાંત એમના આર્થિક લાભાર્થે ‘ સાભાર પરત લેખકો પૈકીના લેખકોની ઉત્તમ હસ્તાક્ષર ધરાવતી કૃતિઓને ઇનામ – બિનામ આપવાની વાત પણ આજ સંસ્થાના આશ્રયે થઇ શકે ! ’ સાભાર પરત લેખક મંડળનો પ્રમુખ સહુથી વધુ કૃતિઓ પરત આવવાના નાતે હું જ હોઉંને ?હોદ્દાની રુએ સાભાર પરત સામાયિકનો તંત્રી પણ મને જ નીમવો પડે ! આ સંજોગોમાં સ્વાભાવિકપણે મારે પણ અમુક લેખકોની કૃતિઓને અમુક નબળાઈઓ કે અમુક ઉદેશ્યથી પાછી કાઢવી પડે ?ત્યારે ગુરુત્વાકર્ષણના નિયમની જેમ અમારા સંગઠનની નકલ કરીને કે બોધપાઠરૂપે સાભાર પરત લેખકો ‘ સાભાર પરત સંગઠન – ૨ ’ ની રચના નહિ કરે તેની શી ખાતરી ?એટલે આ વિચાર હમણાં કોઈ મારી નકલ ન કરી શકે તેવા ખ્યાલથી પડતો મુકું છું .

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ