કોઈપણ પુસ્તકના શરૂઆતના પાના
અરુણ વાઘેલા
કોઈપણ પુસ્તકના શરૂઆતના પાનાં
લેખનું શીર્ષક ‘ શરૂઆતના પાનાં ’ એટલે જેમાં પુસ્તકની મુખ્ય વાંચનસામગ્રીનો સમાવેશ થતો નથી તેવાં પાનાં સમજવા . (વાચક તરીકે તમને લાગે કે વોટ્સએપ યુગમાં અને અનુકોરોના સમયમાં વાંચવાની વાત તો દુર રહી પુસ્તકો કે ગ્રંથાલયો સામે જોવાની પણ કોઈને ફુરસદ નથી ત્યારે હું આવી વાત કેમ કરી રહ્યો છું , પણ ઇતિહાસના અધ્યાપક તરીકે મારું માનવું છે કે સાંપ્રત સાથે લાગુ ન પડે તેમ ન લાગે તો તેવી બાબતોમાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સમજવું.) કોઈપણ પુસ્તકના આવા પાનામાં પુસ્તકનું પૂંઠું , પ્રકાશકનું નામ , કોપીરાઈટ ,કીમત ,અર્પણપત્રિકા , લેખકનું નિવેદન , કોઈએ શરમના માર્યા પ્રસ્તાવના લખી હોય તો તે વગેરેનો સમાવેશ થાય .હવે વિગતવાર જોઈએ .
પ્રાચીન સંસ્કૃત સાહિત્ય વિષે કહેવાય છે કે તેમાં કર્તા મોટેભાગે પોતાનું નામ અજ્ઞાત રાખતા અને જ્ઞાનસર્જન પ્રવુતિમાં માલિકીભાવથી પોતાની જાતને અળગી રાખી શકતાં .પરંતુ મર્યાદિત લેખકોના જમાનામાં દરેકની આગવી શૈલીને કારણે વાચકો કર્તાને સહેલાઇથી ઓળખી શકતાં .આજે એનાથી ઉલટું છે . હવે પુસ્તકના શરૂઆતના પાનાઓ પર આવીએ .પુસ્તકની શરૂઆત મુખપુષ્ઠ કે પુંઠાથી થાય ,એમાં પુસ્તકના શીર્ષક અને લેખક્નામ વચ્ચે એટલો મોટો સ્થાનઅવકાશ હોય કે વાચકને ખબર જ ન પડે કે કોણે કોના વિષે લખ્યું છે ? ઘણા તો કહી પણ બેસે કે વિનોદ ભટ્ટ વિષે એન્ટન ચેખવે પણ પુસ્તક લખ્યું છે .ઉપરાંત ભારતના લેખકો વિષે એન્ટન ચેખવ જેવાં મહાન લેખકો પણ પુસ્તક લખે છે એવી દેશાભિમાનની ભાવના પણ પોષી શકાય !(બાય ધ વે વિનોદ ભટ્ટનું આ શીર્ષકથી પુસ્તક છે.અને વસ્તુસ્થિતિ પણ .)પુસ્તકનું શીર્ષક પણ રસ નિષ્પન્ન કરે તેવું હોવું જોઈએ .દા.ત તરીકે કોઈ પુસ્તકનું શીર્ષક ‘ ચાલો હસીએ ’ એ નામ પરથી વાચકો હાસ્યરસનું પુસ્તક ઘારી લે ,પરંતુ આખું પુસ્તક વાંચી લીધા પછી તમારાં ઉપરથી તો ખરો જ પણ આખી હાસ્યકારોની જમાત ઉપરથી વાચકોનો વિશ્વાસ ઉઠી જાય(આમ પણ હાસ્યકારોના સર્જનને કોણ સર્જન માને છે ?) અને તમારા પુસ્તકના શીર્ષક ‘ચાલો હસીએ’ની બગલમાં કેમ? જેવાં તાત્વિક શબ્દો પણ અનુગામી વાચકોને વાંચનશ્રમથી બચાવવા માટે મુકતા હોય છે .ટૂંકમાં વિષયવસ્તુને અનુરૂપ શીર્ષક હોવું અનિવાર્ય છે . દા.ત બાળ કાવ્યસંગ્રહનું પુસ્તક હોય તો તેને ‘ ફૂલ પણ છે અને ફોરમ પણ ’ જેવું શીર્ષક અવશ્ય આપી શકાય !પણ હાસ્યલેખોના પુસ્તકને ‘ મૈ તુલસી તેરે આંગન કી કે ગીરના જંગલમાં સાવઝ સાથે મુકાબલો’ નામ આપી શકાય ?
મુખપૃષ્ઠનો યશસ્વી અધ્યાય પત્યાં પછી આવે પછીના પાનાઓની વાત . જેમાં કોપીરાઈટ , પ્રકાશન સ્થળ , પ્રતો વગેરે .ઘણીવાર પ્રકાશક ,લેખક અને વિતરક એક જ હોય ત્યારે બ્રહ્મા ,વિષ્ણુ અને મહેશની ત્રિપુટી જેવું લાગે !પ્રતની સંખ્યા ગુજરાતી પદ્ય સાહિત્યમાં હંમેશા સંશોધનનો વિષય રહ્યો છે .કેટલી પ્રતોથી તમે ગુજરાત ,ભારત કે વિશ્વવ્યાપી બનવાના છો !કે પસ્તીવાળાનું આકર્ષણ કે અમદાવાદની રવિવારીની શોભા વધારવાનાં છો ! એક કાવ્યસંગ્રહની પ્રત સંખ્યા બે હજાર વાંચી કવિના મિત્રે કવિને ખખડાવી નાંખતા કહ્યું કે તમને ૨૦૦૦ અને ૨૦૦ વચ્ચેના આંકડાકીય ભેદની ખબર ન હોય તો શબ્દોમાં લખો .તમે આમ સાયન્સની નિષ્ફળતા રૂપે આર્ટસમાં આવ્યાં છો તેનું લેખિતમાં પ્રદર્શન ન કરો !માતા-પિતાને પોતાના બાળકનું નામ શું રાખવું તેથી વિશેષ વિમાસણ લેખકોને પોતાનું પુસ્તક કોને અર્પણ કરવું એની રહે છે .(પુસ્તક અર્પણ કરતાં હોય છે તેની રોયલ્ટી નહિ [મળતી હોય તો?]) માતા-પિતા વૃદ્ધાશ્રમમાં ન રહેતા હોય તો પહેલો હક્ક એમનો લાગે ,પછી સગા-સંબંધી , મિત્રો અને પુસ્તક છપાવવામાં આર્થિક સહયોગ કરનાર મિત્રોનો .આ અર્પણવિધિ પણ વાટકી વ્યવહાર જેવી જ હોય છે .કારણકે આપણે કયાં જુના સામ્યવાદી લેખકો જેવાં છીએ કે ‘ વિશ્વના દબાયેલાં અને કચડાયેલાઓને એમ લખીને એમના કરકમળમાં પુસ્તક મુકવાના છીએ . આ અર્પર્ણવિધિને વાસી મીઠાઈ પર ચાંદીનો વરખ લગાડતાં હોય તેમ સજાવી પણ શકાય ! ઉદા.તરીકે ‘ મારાં માતા-પિતાને સાદર કે જેમણે આજીવન સંઘર્ષ કરી મને વિદ્યાવ્યાસંગી બનાવ્યો ’(અને પુસ્તક છપાવવાના પૈસા પણ આપ્યાં.) મારા પૂજ્ય મોટાભાઈને કે જેમનો સાહીત્યક વારસો મને મળ્યો (હાલ રાજકારણમાં , જુનાગઢ જીલ્લાના મીડિયા સેલના સહપ્રભારી)
કોઈપણ પુસ્તકના શરૂઆતના પાનાઓમાં હવે પછી ખરી વાત આવે છે અને તે પુસ્તકની પ્રસ્તાવનાની .’ મારી કૃતિ વિષે મારી કેફિયત ’ ,’ નમ્ર નિવેદન ’,’ હું શું કહું ’ અને ‘ થોડુંક અંગત ’ વગેરે શાબ્દિક વણઝારરૂપે આવતી લેખકના પુરોવચનની વાતો .પ્રસ્તાવનામાં લેખક પુસ્તકની વિષયવસ્તુ અને લેખન પ્રક્રિયા વિષે ઉપલક જિકર કરે તે તો ઠીક પણ મને પ્રસ્તાવનામાં મનાતા આભાર કે ધન્યવાદ પ્રસ્તાવે કાયમ મોજ કરાવી છે .ખાસ તો આભાર માનવાની શૈલીએ .આભાર સૌપ્રથમ તમારાં લેખો પ્રકાશિત કર્યા હોય તે સામયિકોના તંત્રીઓનો મનાય છે .મનાય છે એમ નહિ માનવો પડે છે ,કારણ ,આગળ ઉપર લખવાનું હોય છે અને છપાવવાનું પણ .કોઈ તંત્રીએ શરમના માર્યા વધારે લેખો કે કવિતાઓ છાપ્યા હોય તો એનો વિશેષ આભાર માનવાનો .એમાં વળી પાછી શબ્દોની માયાજાળ એવી હોય છે કે ઘણીવાર વાચકોને પ્રસ્તુત શાબ્દિક આભારવિધિ દ્રશ્ય-શ્રાવ્ય ચરણસ્પર્શ કરતાં પણ વધુ આનંદ અપાવે છે .તે પછી પુસ્તક છપાવવાનું દુ:સાહસ કર્યું હોય તે પ્રકાશકનો આભાર .એમાં વળી શબ્દોની વણઝાર ...’ પ્રકાશકનો તો કયા શબ્દોમાં આભાર માનું ? એમના દુરાગ્રહ વગર તો આ પુસ્તક પૂરું જ ન થઇ શક્યું હોત!’હવે આમાં કોનો આગ્રહ કે કાકલુદી વધુ હોય છે એતો આપણી ભાષાના લેખકો અને પ્રકાશકો કરતાં વધુ કોણ જાણી શકે !
પછીના ક્રમે ધન્યવાદમાં ટાઈપસેટર અને પ્રૂફ રીડર (ખરાબ અક્ષર ને ભાલીયા ઘઉંમાંથી કાંકરા વીણતા હોય તેમ ઉકેલવા બદલ) લેખક મિત્રોનો ,સારા-ખોટા સલાહસૂચનો આપવા માટે અને છેલ્લે પત્ની અને બાળકોનો .તમે હાસ્યલેખ લખતા હો અને પત્ની સતત શાકભાજી લાવવાની કે કાપવાની તાકીદ કરતાં હોય , બાળકો તમારો મોબાઈલ નવરો પડવાની રાહ જોઇને બેઠાં હોય ! તમારાં ઘરના આવાં સાંસ્કૃતિક વાતાવરણમાં પણ !..........
” પત્ની અને બાળકો કે જેમણે હંમેશા મને વાંચન-લેખન માટે અવકાશ પૂરો પાડ્યો છે,મારું ઘર જ મારા સાહિત્યસર્જનની પ્રયોગશાળા છે ,મારી પ્રત્યેક કવિતા અમારા ઘરના વિવેચનમાંથી પસાર થઇ છે ,મારી ફલાણી કવિતા તો લોકગીતની જેમ મારા આખા ઘર અને શેરીના શ્વાન સુધીને મોઢે થઇ ગઈ હતી .તેમનો આભાર નથી માનતો .” (ઘરવાળાનો આભાર એટલાં માટે પણ માનવામાં આવે છે કે તેઓશ્રીને એમ ન લાગવું જોઈએ કે ગામ આખાનો આભાર માને છે અને અમે રહી ગયાં!)ટૂંકમાં કોઇપણ પુસ્તકના શરૂઆતના પાનાઓએ અમને હંમેશા આનંદ આપ્યો છે, કારણકે અમારા માટે એજ મુખ્ય વિષયવસ્તુ રહી છે .આટલું વાંચતા અમને તેમાં લેખકની ભવિષ્યમાં પ્રકાશિત થનારી આત્મકથાનો લઘુસાર વાંચતા હોય તેમ લાગ્યું છે.જ્યોતીન્દ્ર દવેના ‘ અલ્પાત્માના આત્મપુરાણ ’ સમાન . અર્થાત હું ,મેં ,I અને My self
Comments
Post a Comment