તમારે વિદ્વાન થવું છે ?હાસ્યલેખ
અરુણ વાઘેલા તમારે વિદ્વાન થવું છે ? અનાદિકાળથી માનવજીવનની વિશેષતા રહી છે કે ,આ દુનિયાનો પ્રત્યેક માણસ કોઈને કોઈ મહત્વાકાંક્ષા સાથે જીવે છે . જેમાં બેફામ પૈસા કમાવવાની , અમર્યાદિત સત્તા હાંસલ કરવાની આકાંક્ષાઓ બહુ જ સામાન્ય છે . ઉદા.તરીકે હું અબજોપતિ બની જાઉં !, મારાં બંગલામાં ચાર-પાંચ લક્ઝુરીયસ ગાડીઓ પડી હોય અને દરેક ગાડીનો નોખો ડ્રાઈવર હોય , અમદાવાદ એરપોર્ટ પર મારું પ્રાઇવેટ જેટ અને મારાં ઘરના ધાબાં પર મારું હેલિકોપ્ટર પાર્ક થયેલું હોય , હું કેન્દ્ર સરકારમાં મિનિસ્ટર હોઉં અને દિવસમાં ત્રણ વાર પ્રધાનમંત્રી મને ફોન કરી મારું માર્ગદર્શન માંગે તથા હું ધારું ત્યારે સરકાર ગબડાવી શકું અને ઈચ્છું ત્યારે સરકારનું ગઠન પણ કરી શકું .(બિલકુલ નીતિશકુમારની જેમ !) વગેરે વગેરે . એનું કારણ આપણા સહુમાં લિયો ટોલ્સટોયની વાર્તા ‘ How much land does a man need (એક માણસને કેટલી જમીન જોઈએ ?)’ નો લાલચુ પાહોમ પડેલો છે . ઉપરની એષણાઓ સાથે સાંપ્રતમાં જ્ઞાની કે વિદ્વાન ગણાવાની કે ખપ...