ઠક્કરબાપા
ભગવા વિનાના સંન્યાસી : ઠકકરબાપા ( ૧૮૬૯ -૧૯૫૧ ) ગણ્યાગાંઠ્યા ગુજરાતીઓમાં બિરાજે તેવા અને જેમના વિષે આપણી ભાષામાં આઠ ,હિન્દીમાં ૧ અને અંગ્રેજીમાં ૧ જીવન ચરિત્રાત્મક ગ્રંથો પ્રકટ થઇ ચુક્યા છે છતાં તેમના કામથી ગુજરાત પૂરું અવગત નથી તેવા અમૃતલાલ વિઠલદાસ ઠક્કર ઉર્ફે ઠક્કરબાપાનો આજે જન્મદિવસ છે . ભાવનગરમાં લોહાણા પરિવારમાં જન્મેલા ઠક્કરબાપાનું કાર્યક્ષેત્ર આખું ભારત અને દુનિયાભરના વંચિતો હતા .ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા ઠક્કરબાપાએ ભારત અને યુગાન્ડામાં રેલ્વે ઈજનેર તરીકે વ્યવસાયી જીવનની શરૂઆત કરી હતી .તે પછી ૧૯૦૪મા ગોપાલ કૃષ્ણ ગોખલે સ્થાપિત હિન્દી સેવક સમાજના સભ્ય બન્યા હતા ,આ સંસ્થાના આશ્રયે ઠક્કરબાપાએ કરેલી સેવા પ્રવુતિઓ અને તૈયાર કરેલા નિષ્ઠાવાન સેવકોનો ગુજરાતના ઇતિહાસમાં જોટો જડે તેમ નથી . " અમને ચારે દિશાઓમાંથી સારા અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ "ના વેદ વાક્યનું પ્રત્યક્ષ પ્રમાણ કયાંય જોવું હોય તો તે ઠક્કરબાપાનું જીવન છે . દાહોદનું ભીલ સેવા મંડળ ,ગુજરાત અંત્યજ સેવા મંડળ જેવી સંસ્થાઓ...