1-સિકંદર અને પોરસનું યુદ્ધ (ઈ.સ.પૂર્વે ૩૨૭-૨૬) આધારભૂત રીતે સિંધુ ખીણની સભ્યતાથી શરૂ થતો ભારતીય ઈતિહાસ વૈદિક સમય વળોટી મહાભારત-રામાયણનો મહાકાવ્યયુગ ભોગવી ઈતિહાસયુગમાં પ્રવેશે છે. ઈતિહાસ યુગના ઉષ:કાળે ભારતીય સમાજ પહેલું યુદ્ધ જુએ છે અને તે ગ્રીક સમ્રાટ સિકંદર અને બાહુબલી પોરસ વચ્ચેનું યુદ્ધ(ઈ.સ.પૂર્વે ૩૨૭-૨૬). એલેક્ઝાંડર ફિલિપનો આ પુત્ર અને મહાન ફિલસૂફ એરિસ્ટોટલનો શિષ્ય સિકંદર ૨૦ વર્ષની વયે મેસેડોનિયાનો શાસક બન્યો. સમ્રાટ બન્યા પછી વિશ્વવિજયની કામના સાથે નીકળી પડ્યો. ભારતવિજય એના માટે એટલે પણ જરૂરી હતો કે તેના પિતા ફિલિપ પણ ભારત જીતી શક્યા ન હતા. બીજું કે વિશ્વવિજયના ભાગરૂપે ડેરીયસ સામ્રાજ્યના દૂર પૂર્વના ભાગ સુધી પહોંચી સાગરની સમસ્યા હલ કરવા ઈચ્છતો હતો. આ ભૂગોળ ગ્રીસના ભૂગોળશાસ્ત્રીઓને પણ ચક્કરમાં નાંખતી હતી. એ હિંદુકુશ પર્વતમાળા વટાવી કાબુલ પહોંચ્યો. વચ્ચેના પ્રદેશોના રાજાઓ શશિગુપ્ત, આમ્ભી અને સંજયે એ સિકંદરની પ્રચંડ શક્તિઓ પિછાણી શરણાગતિ સ્વીકારી. કહેવાતા યોદ્ધાઓ ઝુક્યા, પણ ત્યાંની આદિજાતિઓ અને જંગલી પશુઓ સિકંદરને સરળતાથી શરણે ન થયા. જંગલી પશુઓ અને ખાસ તો વાંદરાઓએ સિકંદરનો રસ્તો રોક...